સુરત: દેશ માટે જે સૌથી વધુ મહત્વાકાંક્ષી પ્રોજેકટ તરીકે ગણાવાયો છે તે બુલેટ ટ્રેન પ્રોજેકટનું પ્રથમ સ્ટેશન સુરતમાં બનશે. સુરત માટે આ ગૌરવની વાત છે અને તેનાથી વધારે પણ ગૌરવની વાત એ છે કે સુરતનું આ સ્ટેશન સુરતની ઓળખ ડાયમંડના આકારનું હશે. આ સ્ટેશનને એવી રીતે તૈયાર કરવામાં આવશે કે બહારથી એવું દેખાશે કે અનેક ડાયમંડ લગાડવામાં આવ્યા છે. એરિયલ વ્યુ જોવામાં આવશે તો એવું દેખાશે કે જાણે ડાયમંડ છે અને અંદરથી પણ જે ટાઈલ્સ લગાડવામાં આવશે તે પણ ડાયમંડ આકારની હશે. આગામી ડિસે.-2024 સુધીમાં સુરતનું આ બુલેટ સ્ટેશન તૈયાર થઈ જશે. આ સ્ટેશન માટે રૂપિયા 5.75 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
- સ્ટેશનને બહારથી જોવામાં આવશે તો અનેક ડાયમંડ લગાડ્યા હોય તેવું લાગશે, એરિયલ વ્યુથી ડાયમંડ જેવું દેખાશે
- અંત્રોલી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનશે, નજીકમાં જ બુલેટ ટ્રેનને ડેપો પણ તૈયાર કરાશે
- દિલ્હી-મુંબઈ હાઈવેથી આ સ્ટેશન 3 કિ.મી. દૂર હશે, જ્યારે પલસાણા હાઈવેની ઉપરથી બુલેટ ટ્રેન પસાર થશે
- વડોદરાથી વાપી સુધીમાં 237 કિ.મી.ના બુલેટ ટ્રેનમાં રૂટમાં તાપી-નર્મદા સહિત 24 નદી પર બ્રિજ પણ બનાવવામાં આવશે
- કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે ટ્વીટર પર સુરતના રેલવે સ્ટેશનની કામગીરીની તસવીરો ટ્વીટ કરી
કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે ગુરૂવારે બુલેટ ટ્રેનના સુરતના સ્ટેશનની ચાલતી કામગીરીના ફોટા ટ્વીટર પર મુક્યા હતા. બાદમાં ‘ગુજરાતમિત્ર’ સાથેની વાતચીતમાં દર્શના જરદોશે જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેનનું સુરતનું આ સ્ટેશન અંત્રોલી ખાતે બનશે. આ સ્ટેશનથી દિલ્હી-મુંબઈ હાઈવે 3 કિ.મી. દૂર હશે. જ્યારે પલસાણા હાઈવેની ઉપરથી બુલેટ ટ્રેન પસાર થશે. બુલેટ ટ્રેનના સ્ટેશનની નજીક જ બુલેટ ટ્રેન માટેનો ડેપો પણ બનાવવામાં આવશે. હાલમાં ચાલી રહેલી વડોદરાથી વાપી સુધીની બુલેટ ટ્રેનની કામગીરીમાં 237 કિ.મી.ની મેઈન લાઈન પર ભરૂચ, સુરત, બિલિમોરા અને વાપી સ્ટેશન તેમજ નર્મદા અને તાપી નદી સહિત 24 નદી પરના બ્રિજ અને 30 ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવશે.
સુરતનું બુલેટ ટ્રેનનું સ્ટેશનની બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ બનશે, સૌર ઉર્જાથી ચાલશે અને ટ્રેનના મળ-મૂત્રને ટ્રીટ કરવા માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવાશે
કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં બુલેટ ટ્રેનનું જે સ્ટેશન બનશે તે ગ્રીન સ્ટેશન હશે. આ ગ્રીન સ્ટેશનની બિલ્ડિંગમાં 80 ટકા લાઈટ સૌર ઉર્જાથી ચાલશે. તેમાં પણ 50 % સ્ત્રોત દિવસે સૌર ઉર્જાથી ચાર્જ થશે અને રાત્રે સ્ટેશનને વીજળી આપશે. સુરત ગ્રીન સ્ટેશનમાં ઇન્ટર મોડલ કોમ્પ્યુટર ટ્રાન્સપોર્ટની પણ સુવિધા હશે. જે સ્ટેશનના ટ્રાન્સપોર્ટેશનને અન્ય ટ્રાન્સપોર્ટેશનની સેવા સાથે જોડશે. આ સાથે જ બુલેટ ટ્રેનના ટોઇલેટના મળ-મૂત્રને એકત્ર કરી તેને સુએજ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ આપીને છોડાશે. જે માટે સ્ટેશન પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવાશે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સહિત પર્યાવરણને બચાવતી સિસ્ટમો હશે. બુલેટ ટ્રેનના સુરત સહિતના સ્ટેશન પર વોટર કન્ઝર્વેશન, સોલાર પેનલ, સુએજ પ્લાન્ટ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સહિતની સુવિધા હશે. કંસ્ટ્રક્શન મટિરિયલથી પણ પર્યાવરણને નુકશાન નહીં થશે.
વાપીનું સ્ટેશન દમણગંગા નદી પરથી વહેતી નદી જેવું અને બિલિમોરા સ્ટેશન મેન્ગ્રોવ વૃક્ષના આકારનું બનાવાશે
અમદાવાદથી મુંબઈ સુધીમાં બુલેટ ટ્રેનના કુલ 12 સ્ટેશન તૈયાર કરવામાં આવશે. આ 12 સ્ટેશનમાં મુંબઈમાં બીકેસી, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશનનો સમાવેશ થાય છે. આ જે સ્ટેશનો બનશે તેમાં વાપીના ડુંગરા ગામ પાસે સ્ટેશન બનશે. આ સ્ટેશન દમણગંગા નદીની થિમ પર વહેતી નદીના આકારનું હશે. આ સ્ટેશન હાઈવેથી 5.5 કિ.મી. દૂર હશે. જ્યારે બિલિમોરા સ્ટેશન જે બનશે તે મેન્ગ્રોવના ઝાડના આકારનું બનાવાશે.
દ.ગુ.ના આ ચાર સ્ટેશન ડિસે.-2024 સુધીમાં તૈયાર થઈ જશે
- સુરત
- ભરૂચ
- વાપી
- બિલિમોરા
તમને જણાવી દઈએ કે, સુરત દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન બનશે. મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન (Bullet Train) દોડશે. આ માટેના કોરિડોર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન 2017માં કરવામાં આવ્યું હતું. બાંધકામ એજન્સી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર મુંબઈથી અમદાવાદ વચ્ચેના આ રૂટમાંથી ચાર સ્ટેશન દક્ષિણ ગુજરાતના છે. વાપી, બીલીમોરા, સુરત અને ભરૂચ આ ચાર સ્ટેશન ડિસેમ્બર 2024 સુધીમાં તૈયાર થઈ જશે. આ ચાર સ્ટેશનોમાંથી સુરત તૈયાર થનાર પ્રથમ સ્ટેશન (Surat First Station) હશે. ગયા અઠવાડિયે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં વિપક્ષના તમામ સવાલોના જવાબ આપ્યા હતા. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેના નિરાકરણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેવું તેમણે જણાવ્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે 237 કિલોમીટર લાંબો બ્રિજ બનાવાશે
રેલ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે બુલેટ ટ્રેનના દક્ષિણ ગુજરાતના ચાર સ્ટેશનો સિવાય 237 કિલોમીટર લાંબો પુલ પણ બનાવવામાં આવશે. આ એક વિશિષ્ટ પ્રકારનો પુલ છે, જેમાં એક લાંબી-ઉંચી રેલવે લાઇન કે રોડને સપોર્ટ કરનાર આર્ચજ, થાંભલા કે સ્તંભોની એક સિરીઝ હશે. પાછલા વર્ષે ડિસેમ્બરમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ હતુ કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 2026માં સૂરત અને બિલિમોરા વચ્ચે દોડશે. સુરત-બિલિમોરા વચ્ચેનું અંતર 50 કિમી છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન કોરિડોર પરિયોજનાનું ઉદ્ઘાટન 2017માં કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેનું કામ 2023 સુધી પૂરુ થવાનું લક્ષ્ય હતું. ભૂમિ અધિગ્રહણના મુદ્દા અને કોવિડને કારણે નિર્માણ કાર્યમાં વિલંબ થયો છે. 508 કિલોમીટર લાંબા કોરિડોરમાં મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, ઠાણે, વિરાર, બોઇસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશન સામેલ થશે.
બુલેટ ટ્રેન ગુજરાતના 8 જિલ્લામાંથી પસાર થશે
NHSRCL મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિમી લાંબી ભારતની પ્રથમ હાઈ સ્પીડ રેલ લાઈન બનાવી રહી છે. 352 કિમીનો રૂટ ગુજરાતના 8 જિલ્લાઓમાંથી અને 4 કિમીનો રૂટ દાદરા અને નગર હવેલીમાંથી પસાર થશે. ગુજરાતના વલસાડમાં ચેઈનેજ 167 પર પિયર નિર્માણ અને વાપી સ્ટેશનનું કામ ચાલુ છે. નવસારીમાં ચેઇનેજ 238માં પિયર બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. NHSRCL ના એક અધિકારીએ જણાવ્યું કે, “સુરત સ્ટેશનનું બાંધકામ ચેઈનેજ 264 પર શરૂ થઈ ગયું છે. ભરૂચ જિલ્લામાં 358 થી 360 સાંકળો વચ્ચે પાઇલ, પાઇલ કેપ અને થાંભલા બનાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે વડોદરા જિલ્લામાં 410 થી 417 સાંકળો વચ્ચે પાઇલ, પાઇલ કેપ અને પિલર બનાવવાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદ જિલ્લામાં સાબરમતી ટર્મિનલ હબ બનાવવાનું કામ પણ પ્રગતિમાં છે. આ હબ મુસાફરોને હાઇ-સ્પીડ રેલ્વે સ્ટેશનોને રેલ્વે સ્ટેશન, મેટ્રો અને બસ સ્ટેશનો સાથે જોડવાની સુવિધા આપશે.