ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગતરોજ ‘પ્રેઝન્ટેશન ઓન અપકમિંગ હાઇસ્પીડ ટ્રેન (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ’ વિષય ઉપર સેમિનારને સંબોધતાં મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલના ટેક્નિકલ સર્વિસિસના હેડ નવનીત કૌલે જણાવ્યું હતું કે, ભારતના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ખૂબ જ જરૂરી છે. મુંબઇ–અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દેશ માટે ખૂબ જ મહત્ત્વનો પ્રોજેક્ટ છે. વર્ષ-ર૦૦૯માં આ પ્રોજેક્ટ વિશે વિચાર કરવામાં આવ્યો હતો અને મે ર૦૧૪માં આ પ્રોજેક્ટને મંજૂરી મળી હતી.
મુંબઇ અને અમદાવાદ વચ્ચે સાકાર થઇ રહેલા આ પ્રોજેક્ટમાં સુરત મધ્યસ્થમાં આવે છે. આ ટ્રેનની સ્પીડ પ્રતિ કલાકે ૩ર૦ કિલોમીટરની રહેશે. આથી આ ટ્રેનમાં સુરતથી અમદાવાદ અને સુરતથી મુંબઇ માત્ર એક જ કલાકમાં પહોંચી શકાશે. ગુજરાતમાં આઠ અને મુંબઇમાં ચાર મળી કુલ બાર સ્ટેશન ખાતે બુલેટ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવશે. ભવિષ્યમાં દર ૧પથી ર૦ મિનીટે મુંબઇથી અમદાવાદ વચ્ચે એક બુલેટ ટ્રેન દોડાવવાનું આયોજન છે. તેમણે વધુમાં કહ્યું કે, તા. ૧૦ ડિસેમ્બર-ર૦ર૦થી આ પ્રોજેક્ટનું કામ શરૂ થઇ ગયું છે અને ચાર વર્ષમાં આ પ્રોજેક્ટનું કામ પૂરું કરવામાં આવશે. રૂ.ર૦ હજાર કરોડના ખર્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાર વર્ષમાં સાકાર થનાર છે અને આ પ્રોજેક્ટને કારણે ર૮ હજાર લોકોને રોજગારી મળી રહેશે. બુલેટ ટ્રેન માટેના કેટલાક ભાગને બાદ કરતાં મોટા ભાગનો ટ્રેક એલિવેટેડ બનાવવામાં આવી રહ્યો છે. કન્સ્ટ્રક્શન માટે જે રો–મટિરિયલની જરૂર પડે છે તે તો ખરી જ, પણ પ૦થી ૬૦ હજાર ટન સ્ટીલની પણ જરૂરિયાત ઊભી થનાર છે. આથી આ પ્રોજેક્ટને કારણે દક્ષિણ ગુજરાતના એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગને પણ ઘણો લાભ થશે. ઉપરોક્ત સેમિનારમાં ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
ચેમ્બરના ગ્રુપ ચેરમેન દીપકકુમાર શેઠવાલાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ સેમિનારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના એકાઉન્ટ્સ અને એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના હેડ ડી. વિજયકુમાર દ્વારા બુલેટ ટ્રેનનુ પ્રેઝેન્ટેશન કરવામાં આવ્યું હતું. તેમણે ભારતમાં રેલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને હાઇસ્પીડ રેલનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટથી દક્ષિણ ગુજરાતના એમએસએમઇ ઉદ્યોગને સીધો લાભ મળશે. કારણ કે. મોટા પાયે રો-મટિરિયલ્યસની ખરીદી કરાશે. ચેમ્બરની કોર્પોરેટ્સ કમિટીના એડ્વાઇઝર તેમજ હજીરાની એલએન્ડટી કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ સી.એ.ઓ. અતિક દેસાઇએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે કોર્પોરેટ્સ કમિટીના ચેરમેન સંજય ગજીવાલાએ વક્તાઓનો પરિચય આપ્યો હતો. અંતે ચેમ્બરના ગ્રુપ ચેરમેન ડો.અનિલ સરાવગીએ સૌનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.