નવસારી: (Navsari) રેલવે અને કાપડ રાજ્યમંત્રી દર્શનાબેન જરોદશે આજરોજ નવસારી જિલ્લાના સશીલપુર ખાતે મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ્વે કોરીડોરના ફુલ સ્પાન ગર્ડરના કસ્ટીંગ યાર્ડનો શુભારંભ કર્યો હતો. રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારમાં નવસારી કસ્ટીંગ યાર્ડમાં 40 મીટરના મોટામાં મોટા બોક્ષ ગર્ડર (Box Girder) બનશે. જેના થકી પ્રધાનમંત્રીના સપનાના ભારતનું નિર્માણ થશે. સરકાર સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસથી જનજનને સાથે રાખીને પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે. કોરોનાકાળમાં પણ વિકાસયાત્રાને થંભવા દીધી નથી. આગામી 26 જુલાઇના રોજ સુરત-બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનની ટ્રાયલ કરવામાં આવશે.
- દિવાળીના તહેવારમાં નવસારી કસ્ટીંગ યાર્ડમાં 40 મીટરનું બોક્ષ ગર્ડરનું કામ શરૂ કરાયું
- 26મી જુલાઇના રોજ સુરત-બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનની ટ્રાયલ કરવામાં આવશે
બુલેટ ટ્રેનને (Bullet Train) જાપાની ટેક્નોલોજી સાથે ભારત દેશ દ્વારા સ્વદેશી રીતે નિર્માણ થકી આત્મનિર્ભર ભારતની વિભાવનાને સાકાર કરતી સરકાર બુલેટ ટ્રેન 320 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે દોડશે. વાપીથી સાબરમતી સુધી કામ શરૂ થઇ ચુક્યું છે. સરકારે પ્રજાહિતની યોજનાઓ અમલી બનાવી વડાપ્રધાન સાચા અર્થમાં ગરીબોના હમદર્દ બન્યા છે. સરકારે પાયાની ભૌતિક સુવિધાઓ આપીને જનવિશ્વાસ સંપાદિત કર્યો છે. આ અવસરે એન.એચ.એસ.આર.સી.એલના મેનેજર ડિરેક્ટર સતિષ અગ્નિહોત્રી, પ્રોજેક્ટ ડાયરેક્ટર રાજેશ પ્રસાદ, એલએન્ડટીના વાઇસ પ્રેસિડન્ટ એસ.વી. દેસાઇ સહિતના કંપનીના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેની જમીન માટે ખેડુત ખાતેદારોને રૂ.123 કરોડના વળતરના ચેકો એનાયત કરાયા
નવસારી: નવસારી જિલ્લામાંથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણ માટે સંપાદિત જમીન માટે ખેડુત ખાતેદારોને સાંસદ સી.આર. પાટીલ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના હસ્તે નવસારી તાલુકાના પાંચ ગામો કુરેલ, શાહુ, વચ્છરવાડ, અંબાડા અને કંબાડા ખેડુત ખાતેદારોને રૂ.123 કરોડના વળતરના ચેકો એનાયત કરીને વળતર આપવાનો પ્રારંભ કરાયો હતો.
નવસારી જિલ્લા સેવા સદન ખાતે નવસારીના સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સુચારૂ નિર્ણયના કારણે વડોદરા-મુંબઈ હાઈવે માટે સંપાદિત જમીનો માટે નવસારી જિલ્લાના 22 ગામોના ખાતેદારોને 1600 કરોડનું સંતોષકારક વળતર મળી રહ્યું છે. હાલમાં વળતરમાં ચાર ગણો વધારો કરીને ખેડુતોની માંગણી મુજબ સરકાર દ્વારા જંગી વળતર આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા-મુંબઈ હાઈવેના નિર્માણ માટે સુરત જિલ્લાની અંદાજીત જમીન સંપાદિતમાં જમીન માટે ખેડુતોને કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા પૂર્વ મહેસુલ મંત્રી કૌશિક પટેલ, જિલ્લા કલેક્ટર, જમીન સંપાદન અધિકારીઓ, ખેડુત સમન્વય સમિતિના સભ્યોના પ્રયાસોના પરિણામે ખેડુતોને તેમની જમીનનું યોગ્ય વળતર મળ્યું છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટર કેતન.પી.જોષી, ખેડૂત અગ્રણીઓ તેમજ ખેડુત ખાતેદારો ઉપસ્થિત રહ્યાં હતા.