Comments

બુલેટ ટ્રેન આબેને મોદીની શ્રેષ્ઠ અંજલિ હશે

જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની તા. ૮ મી જુલાઇએ એક બંદૂકબાજે કરેલી હત્યાથી વિશ્વભરમાં ઘણાં લોકોને આઘાત લાગ્યો છે. ગુજરાતનાં લોકો આબેને ભારત ઝડપી વિકાસ પામે અને ચીન દ્વારા ઊભા થયેલા સુરક્ષા પડકારોનો સામનો કરી શકે તેવી આર્થિક સત્તા બને તેવું ઇચ્છતા નેતા તરીકે યાદ રાખે છે. નરેન્દ્ર મોદી ૨૦૧૪ માં વડા પ્રધાન બન્યા તે પહેલાં તેમની સાથે સારા સંબંધ વિકસાવનાર આબે પ્રથમ વૈશ્વિક નેતા હતા. આબેએ વડા પ્રધાન તરીકે ગુજરાતની મુલાકાત લીધી હતી અને તા. ૧૪ મી સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ રૂા. ૧.૦૮ લાખ કરોડ (૧.૭ કરોડ ડોલર)માં બુલેટ ટ્રેન પ્રોજેકટનો શિલાન્યાસ કર્યો હતો; પણ ખાસ કરીને મહારાષ્ટ્રમાં જમીનપ્રાપ્તિના મામલે રાજકીય વિરોધને કારણે આ પ્રોજેકટ સમયપત્રક મુજબ આગળ વધી શકયો ન હતો.

બુલેટ ટ્રેન પ્રોજેકટ બહુ ઝડપથી પાટે ચડી જાય તો તે મોદી દ્વારા તેમની નિકટના ખાસ નેતા અને જાપાનના સૌથી લાંબો સમય વડા પ્રધાન તરીકે સેવા આપનાર આબેને શ્રેષ્ઠ અંજલિ આપી ગણાશે. આબે ભારતના આર્થિક વિકાસને ટેકો આપવા આતુર હતા એમાં કોઇ શંકા નથી. જાપાનની ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી આ પ્રોજેકટના ખર્ચની ૮૧% રકમ આપવા સંમત થઇ હતી અને આ પ્રોજેકટ પૂરો કરવાની પ્રારંભિક સમયમર્યાદા ડિસેમ્બર ૨૦૨૩ સુધીની હતી.

– પણ ઉધ્ધવ ઠાકરે સરકારના વિરોધને કારણે મહારાષ્ટ્રમાં આ પ્રોજેકટની પ્રગતિ ખૂબ ધીમી રહી છે. ઠાકરેએ તો આ પ્રોજેકટને ‘ધોળો હાથી’ ગણાવી કહ્યું હતું કે મહારાષ્ટ્રની પ્રજાને આની જરૂર નથી કારણ કે રૂટ તેમને માટે ઉપયોગી નથી. તેને બદલે મુંબઇ-નાગપુર વચ્ચે બુલેટ ટ્રેન ચાલુ કરવાની તેમણે માગણી કરી હતી. ૨૦૨૧ ના સપ્ટેમ્બર સુધીમાં મહારાષ્ટ્રમાં માત્ર ૩૦% જમીન જ પ્રાપ્ત થઇ શકી હતી.

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય મંત્રી તરીકે તા. ૩૦ મી જૂને શપથગ્રહણ કર્યા છે. શિવસેનામાં બળવો થયા પછી રાજયમાં સત્તાપલટો થયો હતો. મોદીએ મહારાષ્ટ્રના આ બંને સૂત્રધારોને ખાસ કરીને જમીનપ્રાપ્તિનું કામ ઝડપી બનાવી પ્રોજેકટને ઝડપી બનાવવા સૂચના આપી છે. મોદીની ઇચ્છા મુજબ નવી સરકાર બહુ ઝડપથી બાંદ્રા-કુલા કોમ્પ્લેકસમાં પ્રોજેકટના ટર્મિનલ માટે ૪.૨ હેકટર જમીન હાંસલ કરી સોંપશે.

આ કોમ્પ્લેકસમાંથી હાઇસ્પીડ રેલલાઇન શરૂ થશે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં ગુજરાતમાં આઠ અને મહારાષ્ટ્રમાં ચાર સ્ટેશન હશે. સુરત, સાબરમતી અને થાણે ડેપો હશે. આ સ્ટેશનો છે: સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતી, બીલીમોરા, ભરૂચ, મુંબઇ, થાણે, વિરાર, બોઇસર અને વાપી. સાબરમતીથી ૫૦૮ કિલોમીટરનું અંતર બુલેટ ટ્રેન કલાકના ૩૫૦ કિલોમીટરની ઝડપે ૨ કલાક ૫૭ મિનિટમાં સુરત, વડોદરા અને અમદાવાદમાં મર્યાદિત રોકાણો સાથે દોડશે. અત્યારે આ અંતર કાપતાં ટ્રેનોને સામાન્ય રીતે સાત કલાક લાગે છે. વિમાન માર્ગે એક કલાકમાં જવાય છે.

મોટા ભાગની લાઇન જમીન પર (૪૬૩ કિલોમીટર) બંધાશે પણ વચ્ચે બોગદાં (૨૬ કિલોમીટર), પુલ (નવ કિલોમીટર) અને પાળા ૧૩ કિલોમીટર આવશે. મુંબઇ નજીક ૨૧ કિલોમીટર લાંબુ બોગદું આવશે, જેમાંથી ૧.૮ કિલોમીટર લાંબુ બોગદું દરિયાના તળિયાની નીચે હશે. આમ છતાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં, જમીનપ્રાપ્તિ મોટી સમસ્યા છે. અત્યાર સુધીમાં ૬૨% જમીન પ્રાપ્ત કરાઇ છે. જયારે ગુજરાતમાં ૯૮% થી વધુ જમીન પ્રાપ્ત કરી શકાઇ છે અને એની રકમ પણ ચૂકવાઇ ગઇ છે. મુંબઇ – અમદાવાદ વચ્ચેના આ ૫૦૮ કિલોમીટર લાંબા હાઇ-સ્પીડ રેલ પ્રોજેકટસથી ૩૪૮ કિલોમીટર ગુજરાતમાં, ચાર કિલોમીટર દાદરા-નગર હવેલીમાં અને બાકીના ૧૫૬ કિલોમીટર મહારાષ્ટ્રમાં છે. 

બાંદ્રા- કુલા – કોમ્પ્લેકસમાં ભૂગર્ભમાં ટર્મિનલ બનાવવા માટે નવેમ્બર ૨૦૧૯ માં બહાર પડાયેલ ટેન્ડર આ પ્રોજેકટનો અમલ કરનાર નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશને રદ કરવું પડયું હતું. મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારે ૨૦૧૮ ના ફેબ્રુઆરીમાં મંજૂરી આપેલી જમીન પણ નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના કહેવાથી ઉધ્ધવ ઠાકરેની સરકારે મંજૂર કરી ન હતી. ચૂંટણી પછી ઠાકરેની સરકાર આવી હતી અને તેણે આ બે પક્ષો સાથે ગઠબંધન કર્યું હતું. હવે મહારાષ્ટ્રમાં સત્તાપલટો થયો છે ત્યારે કેન્દ્ર સરકારે ખાસ કરીને ગુજરાતમાં આ પ્રોજેકટ જલ્દી પૂરો કરવા પર ધ્યાન આપ્યું છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગયા મહિને પ્રોજેકટની પ્રગતિની તપાસ કરી હતી અને નિર્દેશ આપ્યો હતો કે દેશની પહેલી બુલેટ ટ્રેન સુરત અને બિલીમોરા વચ્ચે ૨૦૨૬ માં દોડી શકે. અત્યારે તો આ રૂટ પર ૬૧ કિલોમીટર પર માત્ર થાંભલા મૂકાયા છે અને ૧૫૦ કિલોમીટરના અંતર માટે કામ ચાલુ છે.

વૈષ્ણવે સુરતના ચોર્યાસી તાલુકાના વકતાણા પાસે પ્રોજેકટના કાસ્ટીંગ યાર્ડની કામગીરી તેમજ અંત્રોલી રેલવે સ્ટેશને ચાલુ બાંધકામની પણ મુલાકાત લીધી છે. પછી તેમણે રેલવે રાજ પ્રધાન દર્શના જરદોશ સામે નવસારીના નસીલપોરમાં પ્રોજેકટના સ્થળની મુલાકાત લીધી છે. ગુજરાતની તમામ નદીઓ પર પુલ બાંધવાનું કામ શરૂ થયું છે અને ૨૦૨૪ સુધીમાં પૂરું થવાની ધારણા છે. જાપાનની શિંકનસેન ટેકનોલોજી પર આ ટ્રેનો દોડશે. જાપાનીઓએ ટ્રેકના બાંધકામ માટે એચ.એસ.આર. નામ હેઠળ પેટન્ટ કરાવેલી સ્લેબ ટ્રેક સિસ્ટમ હેઠળ બનેલા ખાસ ટ્રેક પર આ ટ્રેનો દોડશે. મોદી અને આબે સંમત થયા હતા કે આ પ્રોજેકટ ‘મેઇક ઇન ઇન્ડિયા’ અને ‘ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી’ હેઠળ સાકાર થશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top