હમણાં બીલીમોરા રેલવે જંક્શનથી વઘઇ સુધી દોડતી નેરોગેજ ટ્રેનમાં મુસાફરીનો આહ્લાદક અનુભવ થયો. ઇ.સ. 1913માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે શરૂ કરેલ આ ટ્રેનની મુસાફરી હાલની ચોમાસાની ઋતુમાં અત્યંત મનમોહક બની રહે છે. એક ડબામાં 32 બેઠક ધરાવતી ટ્રેન એક એસી કોચ સાથે કુલ પાંચ ડબા છે. બીલીમોરા સ્ટેશનથી સવારે 10:20 કલાકે ઉપડી વઘઇ સુધીનું 63 કિલોમીટરનું અંતર લગભગ 20 થી 25 કિલોમીટરની ઝડપે ત્રણ કલાકમાં પૂર્ણ કરે છે. વઘઇ પહોંચ્યા બાદ ત્યાંથી બપોરે 2:30 કલાકે ઉપડી બીલીમોરા સ્ટેશને સાંજે 6:00 કલાકે ટ્રેન પરત ફરે છે.
બીલીમોરા જંક્શનથી ગણદેવી, ચીખલીરોડ, રાનકૂવા, ધોળીકૂવા, અનાવલ, ઉનાઇ-વાંસદા રોડ, કેવડી રોડ, કાલાઆંબા તથા ડુંગરદા જેવાં સ્ટેશનો પરથી પસાર થઇ વઘઇ પહોંચતી આ ટ્રેન અંતરિયાળ વિસ્તારના આદિવાસીઓને શહેર સાથે જોડે છે. પ્રકૃતિપ્રેમી પર્યટકોને બેસુમાર આનંદ આપતી મુસાફરી જીવનભરનું સંભારણું બની રહે છે. કેરી તથા ચીકુની વાડીઓ, વિવિધ પ્રકારનાં વૃક્ષો તથા ધરતીપુત્રોની મહેનતથી લહેરાતા ડાંગરનાં લીલાંછમ પાક મન હૃદયને શાતા આપે છે. દૂર દૂર દેખાતા પર્વતોની હારમાળા અને ત્યાર બાદ આવી પહોંચે છે ગાઢ જંગલો. અતિ ગાઢ જંગલોમાંથી ટ્રેન જયારે પસાર થાય છે ત્યારે થોડી મિનિટોમાં વરસાદી વાતાવરણમાં ટ્રેનના દરેક ડબ્બામાં જાણે કે આછો અંધકાર છવાઇ જાય છે!
ખૂબજ ધીમી ગતિથી ચાલતી ટ્રેન જાણે કે આપણને કુદરતની બિલકુલ નજીક લાવવા માટે જ દોડતી હોય એવો અહેસાસ થયા વિના રહેતો નથી! કોઇપણ સ્ટેશન પર નાસ્તો ચા-પાણી કે ભોજનનું વેચાણ થતું નથી. આથી માત્ર કુદરતી સૌંદર્યને માણવાના આશયથી જનાર યાત્રીઓએ પોતાની સાથે જરૂરી નાસ્તો-પાણી લઇ જવું હિતાવહ રહે છે. શહેરી ઝાકમઝોળ અને કૃત્રિમતાથી અલગ અનુભવ મેળવવા, કુદરતી સૌંદર્યને મન ભરીને માણવા તથા પ્રકૃતિને પામવા આ ટ્રેનની મુસાફરીનો લહાવો અવશ્ય લેવા જેવો.
જહાંગીરાબાદ, સુરત- પ્રફુલ્લ એમ. રાઠોડ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.