Dakshin Gujarat

બુલેટ ટ્રેન માટે 50 વીઘાં જમીનનું સંપાદન

બુલેટ ટ્રેનનું સપનું સાકાર કરવા સરકાર મરણિયા પ્રયાસ કરી રહી છે. ત્યારે તરસાડી ખાતે બુલેટ ટ્રેન માટે સંપાદિત કરેલી જમીનનું યોગ્ય વળતર નહીં મળતાં ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી વિરોધ કરી રહ્યા છે. દોઢ મહિના પહેલાં પણ અધિકારીઓની ટુકડી તરસાડીની જમીન સંપાદન કરવા માટે આવી હતી. પરંતુ યોગ્ય વળતર નહીં મળતાં ખેડૂતોએ હલ્લાબોલ કરી જમીન સંપાદન નહીં કરવા દેતાં બુધવારે જમીન સંપાદન અધિકારીઓ, પ્રાંત અધિકારી જનમ ઠાકોર અને માંગરોળ મામલતદાર ડી.કે.વસાવા, કોસંબા પોલીસ સહિત 50થી 60 જેટલો વધારાનો મોટો પોલીસનો કાફલો તરસાડી ખાતે ઉતારી દઇ ખેડૂતોના ભારે વિરોધ વચ્ચે આશરે 50 વીઘાં જેટલી જમીન સંપાદન કરી લેવામાં આવી હતી.

જમીન સંપાદન અધિકારીઓ, પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ કાફલો બુધવારે 11 વાગ્યાના સમયે તરસાડી ખાતે આવી પહોંચ્યાની જાણ થતાં જ ખેડૂતો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને જંત્રીનો ભાવ ઓછો પડતાં તેમજ યોગ્ય વળતર નહીં મળતાં ખેડૂતોએ વિરોધ નોંધાવી જણાવ્યું હતું કે, અમે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને મેટર પેન્ડિંગ છે. ખેડૂતોએ એક તબક્કે હલ્લાબોલ કર્યો હતો. પરંતુ કાયદાની મર્યાદામાં રહીને અધિકારીઓએ ગુરુવારે ખેડૂતોને દાદ આપ્યા વિના આખરે જમીન સંપાદન કરી લીધી હતી.
આ બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમારી ફળદ્રુપ જમીન પર બુલેટ ટ્રેન પસાર કરવા સરકાર દ્વારા સરવે કરાયો છે.

પરંતુ ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, જંત્રીના ભાવ પ્રમાણે અમને વળતર મળ્યું નથી. જ્યારે નજીકમાં જ આવેલા કુંવારદાના ખેડૂતોને જંત્રી પ્રમાણે કિંમત વધારે મળી છે. આથી ઓછી રકમ મળતાં ખેડૂતોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. આ બાબતે કેટલાક ખેડૂતોએ હાઈકોર્ટમાં ફરિયાદ પણ દાખલ કરી છે. જે મેટર પણ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે તેવું જણાવીને બુધવારે કબજો લેવા આવેલા અધિકારીઓનો ખેડૂતોએ ઉઘડો લઈ વિરોધ નોંધાવ્યો હતો. અને જણાવ્યું હતું કે, જ્યાં સુધી જમીનનું પૂરેપૂરું વળતર નહીં મળે ત્યાં સુધી જમીનનો કબજો કોઈપણ ભોગે આપીશું નહીં. પરંતુ બુધવારે જમીનનો કબજો લેવા અધિકારીઓએ પોલીસના મોટા કાફલા વચ્ચે ઊતરી આવી આશરે 50 વીઘાં જેટલી જમીનનો બળજબરીથી કબજો લઈ લીધો હતો.

Most Popular

To Top