સુરત: નવું બુલેટ (Bullet) મોટર સાઈકલ ખરાબ થઈ જતાં ફરિયાદીએ કંપની (Company) પાસેથી નવું બુલેટ અથવા રૂપિયા (Money) પરત માંગ્યા હતા. કંપની અને ડિલરે (Dealer) કોઈ જવાબ ન આપતા ફરિયાદીએ ગ્રાહક કોર્ટમાં (Consumer Court) ફરિયાદ કરી હતી. ગ્રાહક કોર્ટે બુલેટની રકમ પરત કરવા કંપની અને ડિલરને હુકમ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે ઉધનામાં રહેતા મોહંમદ એઝાઝ શેખે અડાજણમાં રોયલ એનફિલ્ડના ઓથોરાઈઝડ ડિલર જે.એસ.એન મોટર્સમાંથી 29 સપ્ટેમ્બર 2018માં રૂપિયા 1,37,575 માં બુલેટ મોટર સાઈકલ ખરીદી હતી. જે 10 જ દિવસમાં બગડી જતાં ડિલરને જ રિપેરિંગ માટે આપ્યું હતું. પરંતુ ડિલરે ત્રણ મહિના સુધી તેમને સંતોષકારક જવાબ આપ્યો નહતો. એઝાજે નવું બુલેટ માંગ્યું અથવા રૂપિયા 1, 37, 575 રૂપિયા પરત માંગ્યા હતા.
આ બાબતે રોયલ એનફિલ્ડ ઇન્ડિયા લિમિટેડની ચેન્નાઈ ખાતે આવેલી હેડ ઓફિસમાં પણ રજૂઆત પણ કરી હતી. પરંતુ કોઈ સંતોષજનક જવાબ ન મળતા એડવોકેટ ભુપેન્દ્રભાઈ સોલંકી મારફત રોયલ એનફિલ્ડના ઓથોરાઈઝડ ડિલર જે.એસ.એન મોટર્સ અને રોયલ એનફિલ્ડ ઇન્ડિયા લિમિટેડ કંપની વિરુદ્ધ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી.
ગ્રાહક કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ફરિયાદી મોહમદ એઝાઝની ફરિયાદ મંજૂર કરીને બુલેટની કિંમતની રકમ 1,37, 575 ફરિયાદની તારીખથી 9 ટકા વ્યાજ સાથે સામેવાળી બંને કંપનીઓને ચૂકવવા માટે હુકમ કર્યો હતો. સાથે માનસિક ત્રાસના 5 હજાર રૂપિયા અને અરજીના ખર્ચના 3 હજાર રૂપિયા પણ ચૂકવવા હુકમ કર્યો હતો.
ચેક રિટર્નના કેસમાં આરોપી હાજર નહીં રહેતાં ધરપકડ વોરંટ ઇસ્યુ
સુરત: ચેક રિટર્નના કેસમાં આરોપી હાજર ન રહેતા કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યું કર્યું હતું. તેના આધારે પોલીસ આરોપીને હરિયાણાથી પકડીને સુરત લઈ આવી હતી. ત્યાર બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને લાજપોર જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે રિંગ રોડ પર શ્રી સુમતીનાથ સિલ્ક મિલ્સ પ્રા.લિમિટેડ કંપની પાસેથી હરિયાણાની ઓક્સિઝન ટ્રેડિંગ કંપનીના ડિરેક્ટરો વિભોર મોદી અને અરવિંદ મોદીએ સાડીઓ ખરીદી હતી. તેના બાકી નીકળતા 56.53 લાખ રૂપિયાની ચૂકવણી માટે આરોપીઓએ શ્રી સુમતીનાથ સિલ્ક મિલ્સના ડિરેક્ટર પ્રમોદકુમાર જૈનને 42,18,767 રૂપિયાના 9 ચેકો આપ્યા હતા. પ્રમોદકુમાર જૈને બેંકમાં ચેક જમા કરાવતા રિટર્ન થયા હતા. તેથી પ્રમોદકુમાર જૈને એડવોકેટ નરેશ ગોહિલ મારફત ચાર કોર્ટમાં ચાર કેસ કર્યા હતા. તેમાં એક કેસમાં આરોપીઓએ વકીલ રોક્યા બાદ જાતે હાજર રહ્યાં ન હતાં. તેથી ટ્રાયલ ખોરંભે પડી હતી.
ફરિયાદ પક્ષે આરોપીઓની વર્તણૂક કોર્ટના ધ્યાન પર લાવીને આરોપીઓ ખોટી રીતે કેસ લંબાવતા હોવાની દલીલ કરી હતી. કોર્ટે આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યું કર્યું હતો. તેના આધારે સલાબતપુરા પોલીસે આરોપી અરવિંદકુમાર મોદીની હરિયાણાના ફરીદાબાદથી ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીને લાજપોર જેલ મોકલી આપ્યો હતો.