સુરત: શહેરના ખજોદ ગામના દરિયાકાંઠા વિસ્તારમાં ગેરકાયદે રીતે વિકસાવવામાં આવેલા ઝીંગા તળાવો પર શુક્રવારે મજુરા મામલતદાર કચેરીએ મોટું બુલડોઝર ચલાવ્યું હતું અને કરોડોની કિંમત ધરાવતી 1 લાખ ચોરસમીટર જમીન મુક્ત કરાઈ હતી.
- સુરત એરપોર્ટ પાસે ગેરકાયદેસર ઝીંગા તળાવો પર ગાજ
- સરકારી માલિકીની જમીન પર ગેરકાયદે કબ્જો કરી ઝીંગા ઉછેરનો વેપલો કરતાં તત્ત્વોમાં ફફડાટ
- પાંચથી વધુ તળાવો તોડી પડાયા, ટૂંકમાં જ અન્ય તળાવો પણ તોડાશે
સરકારી જમીન પર દબાણ હટાવવાની ઝુંબેશ અંતર્ગત મજુરા મામલતદાર પંકજ મોદી, નાયબ મામલતદાર સહદેવસિંહ ચાવડા અને અનિલ ગોસ્વામીની ટીમે વહેલી સવારે જ આ કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી ખજોદ વિસ્તારની બ્લોક નં. 177માં સરકારી માલિકીની 1 લાખ ચોરસમીટર જમીન પર કરવામાં આવી હતી જેની બજાર કિંમત કરોડો રૂપિયાની ગણાય છે. અહીં ગેરકાયદે રીતે 5 થી 7 તળાવો ખોદીને ઝીંગા ઉછેર ચાલી રહ્યો હતો. બુલડોઝરની મદદથી તળાવોની પાળ તોડી દેવામાં આવી, જેથી તેમાં ભરેલું પાણી દરિયામાં વહેતા મૂકી દેવામાં આવ્યું હતું.
આ કાર્યવાહીથી ખજોદ અને આસપાસના ડુમસ વિસ્તારમાં ગેરકાયદે જમીન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. મજુરા મામલતદાર કચેરી દ્વારા સંકેત આપવામાં આવ્યો છે કે નજીકના દિવસોમાં આસપાસના અન્ય ગેરકાયદે તળાવો પણ તોડી પાડવામાં આવશે. આથી કેટલાય ઝીંગા ઉછેરકો ત્યાંથી પલાયન કરતા જોવા મળ્યા. આ કાર્યવાહી સાથે સરકારી જમીન પરનું દબાણ હટાવી સુરત શહેર અને જિલ્લાની ભૂમિ સુરક્ષિત કરવાનો સરકારનો પ્રયાસ વધુ મજબૂત બન્યો છે.
એરપોર્ટ ઓથોરિટીને મોટી રાહત, બર્ડ હિટની સમસ્યા ઘટશે
ખાસ કરીને ખજોદ અને ડુમસ વિસ્તારમાં પક્ષીઓના કારણે સુરત એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનાઓ વારંવાર સર્જાતી હતી. પ્લેન્સ સાથે પક્ષીઓ અથડાવાના કારણે એરપોર્ટ ઓથોરિટી કરોડો રૂપિયાનો ખર્ચ પક્ષીઓ ઉડાડવા પાછળ કરી રહી હતી. ગેરકાયદે ઝીંગા તળાવો તોડી પાડવામાં આવતા હવે એરપોર્ટ ઓથોરિટી માટે પણ મોટી રાહત થશે અને ભવિષ્યમાં બર્ડ હિટની સમસ્યામાં ઘટાડો થવાની શક્યતા છે.
