Comments

બુલડોઝર ‘ન્યાય’ કે બુલડોઝર ‘અન્યાય’

શું રાજ્યસત્તા પાસે કોઈના પણ ઘરને બુલડોઝર ફેરવી તોડી પાડવાનો અધિકાર હોવો જોઈએ? આ સવાલ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટે દેશમાં ચાલી રહેલી પ્રથા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, કારણકે, ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટ અને ઘણી હાઇકોર્ટે આવાસના અધિકારને માણસના જીવન જીવવાના મૂળભૂત અધિકાર સાથે સાંકળ્યો છે. અને કોઈ પણ મકાન/ વસ્તી ખાલી કરાવતા પહેલા પુન:વસન ની જવાબદારી સરકારને સોંપી છે.

પણ, આપણે જોઈએ છીએ કે ૨૦૧૭ પછી મકાનો પર બુલડોઝર ફેરવી દેવાના કિસ્સા વધ્યા છે– એ વિકાસના કાર્યોમાં વચ્ચે આવતા બાંધકામ હોય કે પછી કોઈક ગુનાની સજા હોય! સુપ્રીમ કોર્ટે આ સંદર્ભે નિર્દેશિકા તૈયાર કરવાની દરખાસ્ત કરી છે. શરૂઆત ઉત્તરપ્રદેશથી થઈ. ત્યાર પછી મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત જેવા ભાજપ કે બિનભાજપ શાસિત રાજ્યોમાં બુલડોઝરનો ઉપયોગ થઈ રહ્યો છે. ગેરકાનૂની દબાણ હટાવવાથી માંડીને નાના-મોટા ગુનાની શિક્ષા રૂપે પ્રશાસન આ કીમિયો વાપરી રહી છે. એ હદે કે આ વિભાવના નું નામ જ પડી ગયું છે – ‘બુલડોઝર જસ્ટિસ’!

વિકાસના કામોમાં ઘરો વચ્ચે આવે છે – બુલડોઝર ફેરવો. વસ્તીમાં ‘બાંગ્લાદેશી’ કે ‘રોહીનગ્યા’ રહેતા હોવાની ‘શંકા’ છે જે ‘સંભવિત’ ગેરકાનૂની પ્રવૃત્તિ કરી શકે છે – આખી વસ્તી જ તોડી પાડો. વસ્તીમાં રમખાણ થયા – શંકાસ્પદ લોકોના ઘર તોડી નાખો. કોઇકના ઘરના ફ્રિજમાં ગૌ માસ મળ્યું – ઘર તોડી પાડો! આવાસના અધિકાર માટે કાર્યરત એક બિન સરકારી સંસ્થાએ કરેલા અભ્યાસ પ્રમાણે ૨૦૨૨ અને ૨૦૨૩દરમ્યાન દેશ ભરની સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે કુલ ૧,૫૩,૮૨૦ ઘરો તોડી પાડયા જેને કારણે ૭,૩૮,૪૩૮ લોકો વિસ્થાપિત થયા. ૨૦૧૯ માં ૧,૦૭,૬૨૫ કિસ્સાનોંધાયા હતા જે વધીને ૨૦૨૨ માં ૨,૨૨,૬૮૬ અને ૨૦૨૩ માં ૫,૧૫,૭૫૨ થયા.

જ્યારે જ્યારે સરકારની બુલડોઝર કાર્યવાહી સામે સવાલ ઉઠયા છે ત્યારે બચાવ કરવામાં આવે છે કે જે ગેરકાનૂની દબાણ છે એ મકાનો જ તોડી પાડવામાં આવે છે! જો બાંધકામ ખરેખર ગેરકાનૂની હોય તો પણ યોગ્ય નોટિસ વગર એને તોડી પાડી શકાય નહીં. એ માટે જરૂરી કાનૂની પ્રક્રિયાની રૂપરેખા છે. વળી, ઘણાં કિસ્સા માં તો લોકો એ સ્થળ પર ત્રીસ-ચાલીસ વર્ષોથી રહેતા હોય છે તેમને રાતોરાત કી રીતે બેઘર કરી શકાય? ઉપરાંત, શિક્ષાત્મક પગલાં તરીકે પણ બુલડોઝર જસ્ટિસ સમસ્યારૂપ છે.

માની લઇએ કે જેમના ઘર તોડવામાં આવ્યા તેઓ એક યા બીજા પ્રકારના ગુનામાંસંડોવાયેલા હતા. પણ, પોલીસ અને પ્રશાસનનું કામ કોર્ટમાં ગુનો સાબિત કરવાનું છે. સજા આપવાની સત્તા એમના હાથમાં નથી. વળી, કાયદામાં પ્રમાણસરતાનો સિધ્ધાંત છે. ગુનાની ગંભીરતા પ્રમાણે સજા વધુ – ઓછી હોય. કોઈના ઘરમાં ગૌમાસ હોવાની શંકા ના આધારે એનું ઘર તોડી પાડવું કેટલું વાજબી ગણાય? જ્યારે ઘર તોડવામાં આવે છે ત્યારે આખા કુટુંબને સજા મળે છે. કોર્ટે પણ એ સવાલ કર્યો કે દીકરાના ગુનાની સજા પિતાને શું કામ મળવી જોઈએ?

દુ:ખદ આશ્ચર્ય એ થાય છે કે બુલડોઝર ગતિવિધિની સામે સવાલ કરનારો વર્ગ ખૂબ નાનો છે. મોટાભાગના લોકો ક્યાં તો એને મૂક સંમતિ આપે છે અથવા એમને આ વિષયે કશું કહેવાનું નથી. એ વાત સાચી છે કે કાનૂની પ્રક્રિયાની અતિશય ધીમી પ્રક્રિયાથીથાકેલા લોકો જ્યારે ત્વરિત ન્યાયની વાત આવે છે ત્યારે રાજી થાય છે. આ અભિપ્રાય ઘડવામાંહિન્દી ફિલ્મોના કેટલાક કિરદારોએ તેમજ મીડિયાએ પોતાની ચર્ચાઓ થકી મહત્વની ભૂમિકા ભજવી છે. આ તબક્કે નાગરિક ભાવે આત્મચિંતન કરવા જેવું છે કે ઝટપટ પગલાં ક્યાંક અન્ય વર્ગ પ્રત્યેના દ્વેષ થી પ્રેરિત નથી? અને એ ન્યાય કરે છે કે અન્યાય માટે માર્ગ મોકળો કરે છે?

બીજો પ્રશ્ન એ પણ ઉઠે છે કે ગેરકાનૂની દબાણ હટાવા માટે બંદૂકનુંનાળચું ગરીબ, વંચિત કે લઘુમતી તરફ જ કેમ તકાયેલું રહે છે?વડોદરામાં તાજેતરમાં આવેલ પુરથી એ સાબિત થઈ ગયું કે વિશ્વામિત્રીના કિનારે કેટલાય ધનાઢ્ય લોકોના બંગલા અને ‘વિકાસ’ના પ્રતિક સમા મોટા મોટા મોલ બની ગયા છે જે પાણીને વહી જતાં રોકે છે અને ભારે વરસાદના સમયે ખાનાખરાબી કરે છે. આમાંના ઘણાં બાંધકામને ગેરકાનૂની માંથી કાનૂની બનાવવા ઝોનનો પ્રકાર બદલી દેવામાં આવ્યો!

આ સહુલતોવંચિતોને તો નથી મળતી! વડોદરામાંમચેલી તબાહી પછી લોકોના વધતાં દબાણની વચ્ચે ગુજરાત સરકારે વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવાની યોજનાને પુનર્જીવિત કરવાની જાહેરાત કરી છે. આ યોજના છેક ૨૦૦૮ માં તૈયાર થઈ હતી જે કોઈ મોટી તબાહીની રાહ જોઈ રહી હતી! જો એનો યોગ્ય અમલ થાય તો નદીનો પટ પહોળો થશે, યોગ્ય અંતરે પાળા બનશે તેમજ નદીના મેદાની ભાગ ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામ હટાવાશે, જે નદીના પ્રાકૃતિક પ્રવાહને રોકે છે.
જોવાનું રહેશે ‘ગેરકાયદેસર’ દબાણની વ્યાખ્યામાં કોણ કોણ આવશે અને ક્યાં ક્યાં બુલડોઝર ફરશે.
નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top