National

ઉત્તરકાશી ટનલના રેટ માઇનરના ઘરે બુલડોઝર ચલાવાયું, ગવર્નરે કહ્યું…

નવી દિલ્હી: દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA)ની ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન એક રેટ માઇનરના (Rate Miner) ઘર ઉપર પણ બુલડોઝર (Bulldozer) ચલાવવામાં આવ્યું હતું. આ માઇનર ગયા વર્ષે ઉત્તરાખંડમાં ઉત્તરકાશીની (Uttarkashi) સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોના જીવ બચાવનારા લોકોમાંના એક હતા.

DDA એ બુધવારે દિલ્હીના ખજુરી ખાસમાં ઘણા મકાનો તોડી પાડ્યા હતા. આ ડિમોલિશન દરમિયાન રેટ માઇનર વકીલ હસનને પણ બેઘર કરવામાં આવ્યો હતો. એક વીડિયો સંદેશમાં હસને સત્તાવાળાઓ પર કોઈપણ સૂચના વિના તેનું ઘર તોડી પાડવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે મારું ઘર એક જ વસ્તુ હતું જે મેં ઈનામ તરીકે (ઉત્તરાખંડ બચાવ કામગીરી માટે) માંગ્યું હતું. પરંતુ ડીડીએએ કોઈ સૂચના આપ્યા વિના મારું ઘર તોડી પાડ્યું.

હસને ઉત્તરકાશીના શિલક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોના જીવ બચાવ્યા હતા. ખજુરી ખાસ વિસ્તારના શ્રીરામ કોલોનીમાં રહેતા રેટ માઇનર વકીલ હસનનો આરોપ છે કે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ કોઈપણ સૂચના આપ્યા વિના ઘરોને જમીનદોસ્ત કરી દીધા હતા. દરમિયાન ઘરોને જમીનદોસ્ત કર્યા પછી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, બીજેપી સાંસદ મનોજ તિવારી અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે.

બીજેપી સાંસદ મનોજ તિવારીએ કહ્યું, ‘હું ખૂબ જ દુઃખી છું. એ અલગ વાત છે કે તેમનું ઘર ગેરકાયદે હતું. તેમજ હસન પાસે એક જ ઘર હતું. તેમણે દેશ માટે ખૂબ સારું કામ કર્યું છે. અમે લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના વીસી સાથે પણ વાત કરી હતી, પરંતુ તેમનું ઘર તોડી પાડવામાં આવ્યા બાદ જ માહિતી મળી હતી. અમે તેમને પીએમ આવાસ યોજના હેઠળ ઘર આપીશું.

તે જ સમયે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું, ‘ગત વર્ષે નવેમ્બરમાં, તેમની ટીમ સાથે ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે સન્માનિત રેટ માઇનર વકીલ હસનના ઘરને બુલડોઝ કરવામાં આવ્યું હતું. મને આ વિશે જાણ કરવામાં આવી છે અને અમે ચોક્કસપણે વળતર આપીશું. તેમજ તેમને ઘર પણ આપવામાં આવશે.

AAP નેતા અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું, ‘જ્યારે બધાની નજર ઉત્તરાખંડ પર હતી, ત્યારે આ ઉંદર ખાણિયાઓ (રેટ માઇનર) એ પોતાનો જીવ જોખમમાં મૂકીને ટનલ કામદારોનો જીવ બચાવ્યો હતો. ત્યારે ભાજપના તમામ નેતાઓ શ્રેય લેવા તેમના ઘરે ગયા હતા. ગઈકાલે કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતી ડીડીએ એ તેમાંથી એક રેટ માઇનરનું ઘર તોડી પાડ્યું હતું. આ એક ઘરની વાત નથી, છેલ્લા દોઢ વર્ષમાં લાખો લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે. આ લોકો ક્યાં જશે? લોકોને વિકલ્પ તરીકે કંઈ આપ્યા વિના રસ્તા પર છોડી દેવામાં આવ્યા છે.

દરમિન ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સપાના વડા અખિલેશ યાદવે કહ્યું, ‘જે લોકોએ લોકોને બચાવ્યા અને ઘણા ઘરોને બરબાદ થતા અટકાવ્યા તેમના ઘરોને તોડી પાડવું સારું નથી. શું ભાજપ સરકાર આ રીતે સારા કામનો પુરસ્કાર આપે છે?

Most Popular

To Top