આણંદ : રાજ્ય સરકાર દ્વારા રાતોરાત જંત્રી બે ગણા કરી દેવાનો નિર્ણય લેતા બિલ્ડર્સ ગ્રુપ ચોંકી ગયું છે અને આ નિર્ણયમાં યોગ્ય કરવા માટે મુખ્યમંત્રી સાથે બેઠક યોજી રજુઆત કરી હતી. જેમાં વિવિધ મુદ્દાની ચર્ચા કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં બે ગણો વધારો કરવામાં આવ્યો છે. જેને અનુલક્ષીને બિલ્ડર્સ ગ્રુપ દ્વારા તાત્કાલીક અસરથી અમલી બનાવવામાં આવેલી જંત્રીનો અમલ 1લી મે,2023થી કરવા માગણી કરી હતી. જેમાં સીજીડીસીઆર મુજબ પેઇડ એફએસઆઈમાં જંત્રીના 40 ટકાના બદલે નવી જંત્રીના 20 ટકા કરી આપવામાં આવે, નવી શરતમાંથી જુની શરતમાં જમીન ફેરવવા માટે પ્રિમિયમના દર જંત્રીના 40 ટકાના બદલે નવી જંત્રીના 20 ટકા કરી આપવામાં આવે તેવી માગણી કરી હતી.
આ અંગે મુખ્યમંત્રી સાથે બેઠકમાં બિલ્ડર્સ એસોસીએશને રજુઆતમાં જણાવ્યું હતું કે, કોઇ પણ વિસ્તારની બજાર કિંમત નક્કી કરવા માટે છેલ્લા ત્રણ વર્ષના વેચાણ વ્યવહારોને વેલ્યુ ઝોન વાઇઝ વહેંચીને દરેક વેલ્યુ ઝોનની બજાર કિંમત કાઢીને તે બજાર કિંમતને જંત્રી વેલ્યુ તરીકે આખરી કરવી જોઈએ. આથી એડહોક 100 ટકાનો વધારો ન કરી સાયન્ટીફીક રીતે જંત્રી કરી આપવા વિનંતી છે. આ ઉપરાંત રહેણાંક ફ્લેટ, દુકાનની જંત્રીમાં જુની જંત્રી ઉપર ફક્ત 20 ટકાનો જ વધારો કરવો જોઈએ. 2011માં એફએસઆઈ 1.8 / 2.25 સુધીની જ હતી. 2023માં એફએસઆઈ 2.7 / 4/ 5.4 સુધીની મળવાપાત્ર છે. જેની મકાનોની કિંતમાં કોઇ ખાસ વધારો થયો નથી. તેથી રહેણાંક ફ્લેટ, દુકાનની જંત્રીમાં જુની જંત્રી ઉપર ફક્ત 20 ટકાનો જ વધારો કરવો જોઈએ. તેવી જ રીતે એફોર્ડેબલ હાઉસીંગના કિસ્સામાં જ્યારે યુનિટનો પ્રથમ વેચાણ કરવામાં આવે તેવા કિસ્સામાં એક ટકા સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી આપવા વિનંતી કરી હતી.
ડેવલપર્સ – ગ્રાહક વચ્ચે વિવાદ થવાનો ભય
જંત્રી વધારાનો અમલ થતાં ડેવલપર્સ અને ગ્રાહકો વચ્ચે વિવાદ ઉભો થવાનો ભય ઉભો થયો છે. અનેક વ્યવહારો પૂર્ણતાના આરે છે અથવા તો અધૂરા છે. તેવા કિસ્સામાં સામાન્ય માણસ ઉપર આકસ્મિક વધારો બોજા સમાન બની રહેશે. ઘણા કિસ્સામાં ડેવલપર્સ દ્વારા વેચાણ વખતે સ્ટેમ્પ ડ્યુટી, જીએસટી વિગેરે સાથે ગણી ચોક્કસ રકમથી વેચાણ કરેલી હોય છે. તેવામાં જંત્રી વધી જવાથી ડેવલપર્સ અને ગ્રાહક વચ્ચે વિવાદ થઇ શકે છે. આથી, આ પ્રકારના વ્યવહારો નિયત સમયે પૂર્ણ થાય તે માટે પુરતો સમય મળી રહે તેવા હેતુને ધ્યાને રાખીને નવી જંત્રીનો અમલ 1લી મે, 2023થી કરવામાં આવે તે જરૂરી છે.
સામાન્ય પ્રજા પર બોજ પડશે
રાજ્યમાં જંત્રીમાં વધારો થાય તો જીએસટી, સ્ટેમ્પ ડ્યુટી, કેપીટલ ગેઇન ટેક્ષ વિગેરેમાં ધરખમ વધારો સામાન્ય પ્રજા પર પડે છે. હાલમાં સરકાર દ્વારા મકાનોની જંત્રીમાં કરવામાં આવેલા સો ટકા વધારો થતાં માર્કેટ વેલ્યુ કરતા પણ વધારે જંત્રી થઇ ગઇ છે. સરવાળે આ બધો બોજ સામાન્ય પ્રજા પર પડશે.