વડોદરા : સાત વર્ષ પૂર્વે ફ્લેટ બાંધકામ કરવા સાત કરોડની લોન બનાવટી દસ્તાવેજ આધારે લઈને છેતરપિંડી આચરનાર બિલ્ડર આરોપીને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો હતો. સયાજીગંજ પીઆઈ વી.બી.આલ તથા પીએસઆઈ એસ.ડી.ચૌધરીની ટીમે બાતમી મુજબ અલકાપુરી સોસાયટીમાં ફરતો સુકુમાર પ્રફુલચંદ જોષી (101, જ્ઞાનજીવન રેસી. કમલાપાર્ક સોસાયટી, ચંદ્રાવલી 5 રસ્તા પાસે, કારેલીબાગ) ઝડપી પાડ્યો હતો. ભેજબાજ ઠગે ગોત્રી વિસ્તારમાં ફ્લેટની સ્કીમનું આયોજન કર્યું હતું. જેમાં તેની પત્નીનો પાવર એટર્ની અને મિલકત સંબંધિત દસ્તાવેજના આધઆરે એક્સીસ બેંકમાંથી રૂપિયા 7 કરોડની લોન લીધી હતી. પત્નીના નામે ફ્લેટનું વેચાણ કરતા ગઠિયાએ ભૂતકાળમાં પણ ગોરખધંધા કરીને કમાણી કરી હતી.
તે જ મોડ્સ ઓપરેન્ડીથી લોકોને ઠગાઈના પાઠ ભણાવીને નાણાં ખંખેરતો હતો. તેની ઠગાઈનો પર્દાફાશ થતાં જ સયાજીગંજ પોલીસ મથકમાં છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો ઊભા કરવાનો ગુનો નોંધાતા જ ભેજાબાજ ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીના આશ્રયસ્થાનો સહિત અનેક જગ્યાઓ પર શોધખોળ આદરી હોવા છતાં પોલીસની આંખમાં ધૂળ નાંખીને નાસભાગ કરતો હતો. પોલીસે ધનિષ્ઠ પૂછપરછ આદરતાં છતાં કોઈ જ ફળદાયી હકીકત જણાવતો ન હતો. પોલીસ કસ્ટડીસ મય પૂર્ણ થયા બાદ પીએસઆઈ ચૌધરીએ આરોપીને કોર્ટમાં રજૂ કરતાં નામદાર અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા મિસ્ટર નટવરલાલ જેવા ગઠિયાને જેલમાં ધકેલી દેવા હુકમ કર્યો હતો.