ભારતમાંથી બીફના રૂપમાં ભેંસના બદલે ગાયના માંસની નિકાસ થાય છે? – Gujaratmitra Daily Newspaper

Columns

ભારતમાંથી બીફના રૂપમાં ભેંસના બદલે ગાયના માંસની નિકાસ થાય છે?

કોઈ પણ ઇંગ્લીશ ડિક્શનરીમાં ‘બીફ’ શબ્દનો અર્થ ‘ગોમાંસ’ એવો જ કરવામાં આવે છે, પણ ભારત સરકાર જ્યારે બીફની નિકાસ કરવાની વાત આવે ત્યારે તેનો અર્થ ‘ભેંસનું માંસ’ એવો કરે છે. ભારતનાં ૧૦૦ કરોડ હિન્દુઓ ગાયને પવિત્ર ગણતાં હોવાથી ભારતનાં મોટાં ભાગનાં રાજ્યોમાં ગોવંશની કતલ પર પ્રતિબંધ છે, તેમ છતાં આ રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં બીફની નિકાસ થાય છે. હકીકતમાં બીફની નિકાસ બાબતમાં ભારત દુનિયાનાં ટોચના સ્થાને પહોંચી ગયું છે. ભાજપની સરકાર એક બાજુ ગાયને પવિત્ર ગણે છે.

ગાયની હત્યા કરનારને હિન્દુ કટ્ટરતાવાદીઓ કાયદો હાથમાં લઈને દેહાંતદંડની સજા આપવા સુધી પહોંચી જાય છે. તેમ છતાં ભારતમાંથી બીફની નિકાસ વધી રહી છે તેનો બચાવ કરતાં ભાજપના નેતાઓ કહે છે કે હકીકતમાં બીફના રૂપમાં ભેંસના માંસની નિકાસ વધી રહી છે. જો કે જીવદયાનું કામ કરતાં વાપીના હિંસા નિવારણ સંઘના અધ્યક્ષ રાજેશ હસ્તિમલ શાહ કહે છે કે હકીકતમાં ભેંસના માંસના નામે ગાયના માંસની જ નિકાસ થઈ રહી છે. જે કતલખાનાંઓમાં ભેંસની કાયદેસર કતલ કરવામાં આવે છે, તેની બહાર ગોવંશની ગેરકાયદે કતલ કરવામાં આવે છે અને તેનું માંસ કન્ટેનરમાં ભરીને નિકાસ માટે રવાના કરવામાં આવે છે.

વાપીના હિંસા નિવારણ સંઘ દ્વારા પકડવામાં આવેલા બીફનું ફોરેન્સિક પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેમાંથી ગોમાંસ મળી આવ્યું હતું. આ ગોમાંસનો નાશ કરવાની ફરજ પાડવામાં આવી હતી. તેનું કારણ એ છે કે ગાયનું માંસ અને ભેસનું માંસ દેખાવમાં સરખા દેખાય છે. તેને લેબોરેટરીમાં તપાસવામાં ન આવે ત્યાં સુધી તેની અસલિયત ખબર પડતી નથી. ભારતમાં ભેંસની વસતિ ૧૧.૫ કરોડ જેટલી છે. શહેરના તબેલાઓમાં દૂધ માટે ભેંસ લાવવામાં આવે છે. આ ભેંસ દૂધ આપતી બંધ થાય ત્યારે તેની કતલ કરીને માંસની નિકાસ કરી દેવામાં આવે છે. ભારતમાંથી દર વર્ષે આશરે ૩૦ હજાર કરોડ રૂપિયાના ૧૫.૩ લાખ મેટ્રિક ટન જેટલા બીફની નિકાસ કરવામાં આવે છે.

ઇ.સ. ૧૭૬૦ માં રોબર્ટ ક્લાઈવે કોલકત્તામાં દેશનું સૌથી પહેલું કતલખાનું બનાવ્યું હતું. આ કતલખાનામાં તે વખતે રોજની ૩૦ હજાર ગાયો અને અન્ય પશુઓ કપાતાં હતાં. આઝાદી વખતે ભારતમાં માત્ર ૩૦૦ કતલખાનાં હતાં; પરંતુ આજે દેશમાં ૩૬ હજારથી વધારે નાના-મોટા કતલખાનાં અસ્તિત્વમાં છે. આ સિવાય ગેરકાયદેસરનાં કતલખાનાં પણ મોટા પ્રમાણમાં છે. દેશમાં ગાયો અને ગોવંશમાં ૮૦ ટકાનો ઘટાડો આઝાદી પછી નોંધાયો છે. જે કામ મોગલો અને અંગ્રેજોના કાળમાં થયું ન હતું, તે આઝાદ ભારતના શાસકોએ કર્યું છે.

દેશમાં હાલ ગાયોના ૭૦ નસ્લોમાંથી માત્ર ૩૩ નસ્લો જ બચી છે. દેશનાં ૩૬ હજારથી વધારે કતલખાનાંઓમાંથી ૧૦ મોટાં અને અત્યાધુનિક કતલખાનાં છે. હૈદરાબાદના અલ-કબીર કતલખાનાને દર વર્ષે ૬ લાખ પશુઓની કતલ કરવાનો પરવાનો અપાયેલો છે. મુંબઈના દેવનાર કતલખાનામાં દર વર્ષે ૬૦,૦૦૦ ભેંસોની કતલ કરવામાં આવે છે. કોલકત્તામાં દર વર્ષે ૧૨ લાખ ગાયો અને ભેંસોની કતલ થાય છે.

૧૯૫૧ માં દર હજાર માણસે ૪૩૦ ગાયો હતી, ૧૯૬૧ માં દર હજાર માણસે ૪૦૦ ગાયો, ૧૯૭૧ માં દર હજાર માણસે ૩૨૬ ગાયો, ૧૯૮૧ માં દર હજાર માણસે ૨૭૮ ગાયો, ૧૯૯૧ માં દર હજાર માણસોએ ૨૦૨ ગાયો, ૨૦૦૧ માં દર હજાર માણસોએ ૧૧૦ ગાયો હતી. ભારતના ઉદારીકરણ અને વૈશ્વિકીકરણમાં આ સૌથી મોટી પ્રગતિ છે. ભારતમાં ૪૮ કરોડ એકર ખેતીલાયક જમીન છે. આ સિવાય ૧૫ કરોડ ૮૦ લાખ એકર બંજર ભૂમિ છે. ભારતમાં ખેતી માટે ૧૦ કરોડ બળદોની જરૂરિયાત છે. પરંતુ દેશમાં હાલ ટ્રેક્ટરોનું ચલણ વધી રહ્યું છે. ૧૯૫૧ માં દેશમાં માત્ર ૯ હજાર ટ્રેક્ટરો વપરાશમાં હતાં. ૧૯૬૧ માં ૩૧ હજાર ટ્રેક્ટરોનું ઉત્પાદન થયું. ૧૯૭૧ માં વધીને ૧.૪૦ લાખ ટ્રેક્ટરો ઉપયોગમાં આવ્યાં.

૧૯૯૧ માં ૫.૨૦ લાખ ટ્રેક્ટરો થયાં. ૧૯૯૧ ના વર્ષમાં ૧૪.૫૦ લાખ ટ્રેક્ટરો અને ૨૦૦૧ ના વર્ષમાં ૨૭ લાખ ટ્રેક્ટરોનું ઉત્પાદન થયું છે. હાલ ભારતમાં ૪૦ લાખથી વધારે ટ્રેક્ટરો ખેતીકામમાં ઉપયોગમાં લેવાય છે. આ ટ્રેક્ટરોની કિંમત લગભગ ૫૦ હજાર કરોડ રૂપિયા થાય છે. ટ્રેક્ટર દ્વારા ભારતની માત્ર ૫૦ ટકા ખેતીલાયક જમીન પર જ ખેતી થઈ રહી છે. બાકીની ૨૪ કરોડ એકર જમીન પર બળદ વડે ખેતી થઈ રહી છે. દેશની ટ્રેક્ટર લોબી માટે ગોહત્યા પ્રતિબંધ નુકસાનીનો ધંધો છે, કારણ કે ટ્રેક્ટર વગર ખેતી બળદોથી થાય છે. જો દેશમાં સંપૂર્ણ ગોહત્યાબંધી કરવામાં આવે તો ખેતી માટે ઉપયોગી બળદોનો પુરવઠો વધી જાય અને ટ્રેક્ટરની માંગ ઘટી જાય. આથી ટ્રેક્ટર લોબી ગોઆધારિત ખેતીને આગળ વધવા દેવા તૈયાર નથી.

૧૯૬૧ માં વિશ્વમાં માંસની કુલ માંગ ૭ કરોડ ટન હતી. જે ૨૦૦૮ માં ચાર ગણી વધીને ૨૮ કરોડ ટન થઈ ગઈ. આ દરમિયાન પ્રતિ વ્યક્તિએ માંસની ખપત બેગણી થઈ છે. ખાદ્ય ઉત્પાદનમાં પશુ ઉત્પાદનનો હિસ્સો લગભગ ૪૦ ટકાએ પહોંચી ગયો છે. વિશેષજ્ઞોનું આકલન છે કે ૨૦૫૦ સુધીમાં પશુ ઉત્પાદનોની માગણી ૧૦ ગણીથી વધારે થઈ જશે. ભારતમાં પણ માંસાહારનું પ્રમાણ વધી રહ્યું છે. એક સમય હતો કે જ્યારે ભારતમાં ૬૮ ટકા લોકો શુદ્ધ શાકાહારી હતા, પરંતુ અત્યારે ભારતની કુલ વસ્તીના માત્ર ૩૦ ટકા લોકો વિશુદ્ધ શાકાહારી છે. જો કે ૨૫ ટકા લોકો ઘણાં ઓછા પ્રસંગે માંસાહાર કરે છે. બાકીના ૪૫ ટકા લોકો માંસાહાર અને શાકાહાર બંનેનો ઉપયોગ કરે છે. એક સમય હતો કે જ્યારે દેશી રિયાસતો વખતે વર્ષમાં ૧૦૬ દિવસ કતલખાનાં બંધ રહેતાં હતાં, પરંતુ હવે પર્યુષણ અને રામનવમી જેવા તહેવારોમાં પણ કતલખાનાં બંધ રહેતાં હોવા છતાં બજારમાં જેનું ચાહો તેનું માંસ ઉપલબ્ધ થઈ જાય છે.

ભારતના એક કૃષિ મંત્રીનું માનવું હતું કે અન્ય વસ્તુઓના ઉત્પાદનમાં ઘણો ખર્ચ થાય છે, પરંતુ માંસ એક એવો વેપાર છે કે તેમાં આપણું કંઈ પણ ખર્ચાતું નથી. પશુને કતલખાને મોકલો તેટલી વાર છે, બસ પછી તો ડોલર, યૂરો અને રૂપિયાના વરસાદથી ઝોળી ભરાઈ જાય છે. મુંબઈના એક મોટા માંસ નિકાસકારના માનવા પ્રમાણે, વિપુલ સંખ્યામાં પશુધન ભારત માટે પેટ્રોલનો કૂવો છે. જ્યારે ઈચ્છો ત્યારે તેનો ઉપયોગ કરો. ભારતમાં પશુધન સંદર્ભે સરકારની શું નીતિ હશે, તેનો સંકેત ભારત સરકારના એક મોટા અધિકારીએ જીનિવા સંમેલનમાં આપેલા ભાષણ પરથી સમજી શકાય તેમ છે. ખુરોદીએ જીનિવા સંમેલનમાં કહ્યું હતું કે ભારતના ૮૦ ટકા પશુધનને નષ્ટ કરી દેવું જોઈએ, પણ પશુધનને સમાપ્ત કરતી વખતે ભારતીયોની ધાર્મિક ભાવનાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ. વર્તમાન સરકાર આ નીતિને અનુસરી
રહી છે.

વર્તમાનમાં જગતમાં જે વેગાનનો પ્રચાર ચાલી રહ્યો છે, તેનો મૂળ ઉદ્દેશ પણ દુનિયામાંથી પશુને નામશેષ કરવાનો છે. આ કારણે તેઓ પશુના માંસ ઉપરાંત દૂધનો પણ વિરોધ કરી રહ્યા છે. પશુના દૂધને બદલે તેઓ ફેક્ટરીમાં ઉત્પન્ન કરવામાં આવેલું કૃત્રિમ દૂધ પીવાનો અનુરોધ કરી રહ્યા છે. જો તેમ કરવામાં આવશે તો પશુપાલનથી ગુજરાન ચલાવતા કરોડો માલધારીઓ બરબાદ થઈ જશે. તેવી જ રીતે તેઓ ફેક્ટરીમાં ઉત્પન્ન કરવામાં આવતું માંસ ખાવામાં કંઈ ખોટું જોતા નથી. જેમને દૂધ પીવામાં પાપ દેખાય છે, તેમને ફેક્ટરીમાં ઉત્પન્ન થયેલું માંસ ખાવામાં પાપ દેખાતું નથી. જો દુનિયામાં પશુઓ જ ખતમ થઈ જશે તો માનવજાત ઉદ્યોગપતિઓની ગુલામ બની જશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top