Gujarat

બજેટના કદમાં 23.38 ટકા વધારા સાથે 3.01 લાખ કરોડનું કદ રખાયું છે : કનુ દેસાઈ

ગાંધીનગર: વિધાનસભામાં નાણાં વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટના (Budget) અંદાજો રૂ. ૩૦૧૦૨૧.૬૧ કરોડના રાખવામાં આવેલ છે. જે વર્ષ ૨૦૨૨-૨૩ ના અંદાજો રૂા. ૨,૪૩,૯૬૪.૭૩ કરોડની સામે રૂા. ૫૭,૦૫૬.૮૮ કરોડનો વધારો દર્શાવે છે, તે ૨૩.૩૮ % નો વધારો સૂચવે છે. મૂડી ખર્ચમાં ૯૧% જેટલો વિક્રમી વધારો સૂચવવામાં આવ્યો છે. આ અંદાજપત્રમાં સરકારે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના સૂત્ર સાથે આગળ વધતા આગામી પાંચ વર્ષ માટે પાંચ સ્તંભો દ્વારા વિકાસનું વિઝન સાકાર કરવા વિવિધ અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરેલ છે. જેના દ્વારા આગામી પાંચ વર્ષમાં ગુજરાતનું સકલ ઘરેલુ ઉત્પાદન (GSDP) રૂ.૪૨ લાખ કરોડ કરતાં વધુ લઇ જવા અમે કાર્યરત છીએ.

તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૩-૨૪ નું અંદાજપત્ર રૂ. ૯૧૬.૮૭ કરોડની “એકંદર પુરાંત” તેમજ રૂા. ૯૦૩૮.૩૦ કરોડની “મહેસૂલી પુરાંત” દર્શાવે છે. “મહેસૂલી પુરાંતવાળુ” આ સતત બારમું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. અગાઉ વર્ષ ૨૦૨૨-૨૦૨૩ની જોગવાઇઓ સામે આગામી વર્ષે સાયન્સ અને ટેકનોલોજીની જોગવાઇઓમાં ૨૨૭%, બંદરો અને વાહનવ્યવહારની જોગવાઇઓમાં ૧૩૩%, માર્ગ અને મકાનની જોગવાઇઓમાં ૭૧ %, નર્મદા અને જળસંપત્તિની જોગવાઇમાં ૪૩ %, અન્ન અને નાગિરક પુરવઠાની જોગવાઇમાં ૪૧ %, શ્રમ અને રોજગારની જોગવાઇઓમાં ૩૮ %, શહેરી વિકાસની જોગવાઇઓમાં ૩૭ %, શિક્ષણ વિભાગની જોગવાઇઓમાં ૨૫ %, આરોગ્યની જોગવાઇઓમાં ૨૪ %, મહિલા અને બાળવિકાસની જોગવાઇઓમાં ૨૨ % નો વધારો કર્યો છે. આમ, રાજયનું અંદાજપત્ર તૈયાર કરતી વખતે સમાજના તમામ વર્ગો, મહિલાઓ અને બાળકો, જરૂરિયાતમંદો, ખેડૂતો તેમજ યુવા રોજગાર ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલ છે.

રાજ્ય માટે વિકાસના કાર્યો કરવા માટે નિયત કરેલી માત્રામાં દેવા દ્વારા નાણા ઉભા કરવાની મર્યાદાના માપદંડો “રાજવિત્તીય અધિનિયમ, ૨૦૦પ” માં નિયત કરવામાં આવ્યા છે. જેની મર્યાદામાં રહીને રાજયની મહેસૂલી ખાધ ક્રમશઃ નાબૂદ કરીને સુદ્રઢ રાજવિત્તીય વ્યવસ્થાતંત્ર અને રાજવિત્તીય સ્થિરતા સુનિશ્ચિત કરવામાં અમારી સરકારો સફળ રહી છે. રાજ્યનું દેવું રાજ્યના વિકાસકાર્યો (મૂડી ખર્ચ) માટેનું એક સંશાધન છે.

તેમણે કહ્યું હતું કે જાહેર દેવા દ્વારા ઊભા કરવામાં આવેલ સંસાધનોનો ઉપયોગ રાજય સરકાર દ્વારા વિકાસ કાર્યો માટે કરવામાં આવે છે, રાજયનો ઊંચો વિકાસ દર અને તે અન્વયે ઊંચુ એકંદર ઘરગથ્થુ ઉત્પાદન આ વાતની પુષ્ટિ કરે છે. દેશની ૫% વસ્તી ધરાવતું ગુજરાત દેશના જી.ડી.પી.માં ૮.૩૬%નો ફાળો આપે છે. છેલ્લાં દશકામાં ગુજરાતે સરેરાશ ૧૨% થી વધારે વિકાસદર નોંધાવી આ બાબત પુરવાર કરેલ છે. આથી જ આજે ગુજરાતના GDPમાં મેન્યુફેક્ચરીંગ સેકટરનો ફાળો સૌથી વધારે છે. દેશની કુલ નિકાસમાં ૩૩% હિસ્સા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદનના (GSDP) પ્રમાણમાં રાજવિત્તીય ખાધનું (Fiscal Deficit) “પ્રમાણ વર્ષ ૨૦૨૨-૨૩ (સુધારેલા અંદાજો)” અને “વર્ષ ૨૦૨૩-૨૪ (અંદાજ)” મુજબ નિયત કરેલી ૩% ની મર્યાદા સામે અનુક્રમે ૧.૪૮% અને ૧.૭૫% જેટલું નીચું અંદાજેલ છે.રાજ્યનું અર્થતંત્ર સાતત્યપુર્ણ રીતે વિકસી રહેલ છે. ચાલુ ભાવે રાજ્યનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન (GSDP) નાણાકીય વર્ષ ૨૦૧૧-૧રમાં રૂ. ૬,૧૫,૬૦૬ કરોડ હતું તે વધીને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના અગ્રિમ અંદાજ મુજબ રૂ. ૨૨,૬૧,૭૧૫ કરોડ અદાંજેલ છે.

વન ટેક્સના સિદ્ધાંતથી રાજ્યો વચ્ચેની સ્પર્ધાનો અંત આવ્યો
નાણાં મંત્રીએ કહ્યું હતું કે વેટઅમલી બનતા રાજયો વચ્ચે પણ થતી બિનજરૂરી હરિફાઇનો અંત આવ્યો છે. વ્હીકલમાં ઈઁધણ તરીકે વપરાતા સી.એન.જી. પર તા. ૧૮/૧૦/૨૦૨૨ થી વેરાનો દર ૧૫% થી ઘટાડીને ૫% કરેલ છે જેનો સીધો ફાયદો સી.એન.જી. વાહન ધારકોને મળે છે. રાજ્યમાં ઘરગથ્થું વપરાશ માટેના પી.એન.જી.નાં વેચાણો પર તા. ૧૮/૧૦/૨૦૨૨ થી વેરાનો દર ૧૫% થી ઘટાડીને ૫% કરેલ છે જેનો સીધો ફાયદો ગૃહિણીઓને મળે છે.આમ, રાજ્ય સરકારે સીએનજી અને પીએનજીમાં ઘટાડેલ વેરાના દરના પરિણામે અંદાજિત રકમ રૂ. ૧૦૦૦ કરોડનો વેરો જતો કરેલ છે. સરકારે પેટ્રોલ અને ડીઝલમાં તા.૪/૧૧/૨૦૨૧ના રોજ વેટમાં ખૂબ મોટો ઘટાડો કર્યો હતો. જેનાથી અમે અંદાજે રૂા.૧૦,૦૦૦ કરોડનો વેરો જતો કરીને પ્રજાને સીધો ફાયદો પહોંચાડેલ છે.

૧૨,૦૦૦ સુધીની માસિક આવક ધરાવનારને વ્યવસાય વેરામાંથી મુક્તિ અપાઇ છે
બજેટની મહત્વની જોગવાઈ અંગે તેમણે કહ્યું હતું કે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ થી રૂ.૧૨,૦૦૦/- સુધીની માસિક આવક ધરાવતાં પગારદારોને વ્યવસાય વેરા કાયદા હેઠળ વ્યવસાય વેરો ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરા સમાધાન યોજના, ૨૦૨૨ જારી કરીને વિવિધ વ્યવસાયીઓ તેમજ નિયોક્તાઓને વ્યાજ અને દંડકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. રૂ.૧૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારીઓ માટે E-invoice ની સુવિધા ચાલુ કરેલ છે જેથી ઇ-વે બિલ. GSTR-1 તેમજ GSTR-3B ભરવામાં વેપારીઓને સરળતા રહે. માસ દરમ્યાન ટર્નઓવર ન હોય અને વેરાકીય જવાબદારી ન આવતી હોય તેવા નાના કરદાતાઓ SMS થી પત્રક ભરી શકાય તેવી સુવિધા કરવામાં આવી છે.

ગયા વર્ષે ગુજરાતની પ્રજાએ જીએસટી અને વેટના ૧ લાખ કરોડ ચૂકવ્યા
• કનુભાઇ દેસાઇએ કહ્યું હતું કે, “બાયોમેટ્રીક પદ્ધતિ” થી જીએસટી હેઠળ રજિસ્ટ્રેશન આપવા માટેની સુવિધા ઊભી કરવા સારૂ જીએસટી કાઉન્સિલ દ્વારા ગુજરાત રાજ્યને “પાયલોટ પ્રોજેકટ” તરીકે પસંદ કરેલ છે.
• GST હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ માં એપ્રિલ-૨૦૨૨ થી ફેબ્રુઆરી – ૨૦૨૩ સુધી ૭૧,૪૧,૬૧૮ GSTR-3B પત્રક ભરવામાં આવ્યા છે.
• રાજ્યવેરા વિભાગ હેઠળ લગભગ બધી કામગીરી ફેસલેસ કરવામાં આવી છે. એટલેકે નવી નોંધણી, નોંધણીમાં સુધારા-વધારા, રીફંડ માટેની અરજી, માસિક કે વાર્ષિક પત્રકો ભરવા જેવી તમામ કામગીરી “ઓનલાઇન” કરવામાં આવે છે.
• ગુજરાત કોરોનાની મહામારીની અસરોમાંથી ખૂબ ઝડપથી બહાર આવી રહ્યું છે. રાજ્યને થતી વેરાકીય આવકમાં થયેલો વધારો તેનો સબળ પુરાવો છે. ગુજરાત સરકારમાં નાણા વિભાગ હેઠળ કાર્યરત રાજય કર ખાતું જી.એસ.ટી. તેમજ વેટ વસુલવાનું કામ કરે છે. આજ રોજ રાજય કર ખાતા દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટે વસુલવામાં આવેલ “જી.એસ.ટી. તેમજ વેટની આવક રૂા. ૧ લાખ કરોડને આંબી ગયેલ છે.”
• રાજ્યના અંદાજીત ૪,૯૯,૫૨૭ પેન્શનરોને દર માસે અંદાજે ૧૭૦૦ કરોડ રૂપિયા પેન્શનનું ચુકવણુ તિજોરી કચેરીઓ દ્વારા ઇ-પેમેન્ટથી સીધે સીધુ પેન્શનરના ખાતામાં સમયસર જમા કરવામાં આવે છે.
• ગુજરાત સામુહિક જુથ (જનતા) અકસ્માત વીમા યોજના હેઠળ કુલ ૩.૯૧ કરોડથી વધારે લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે. આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂત તેના પતિ/પત્નિ તથા તેમના તમામ સંતાન, અસંગઠિત શ્રમિકો, ગુજરાતના પ્રાથમિક થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ, વિધવા, વિકલાંગ, હિરાઘસુ કારીગરો જેવા લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
• GIFT IFSC ખાતેથી કાર્યરત કંપનીઓ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ ના જાન્યુઆરી, ૨૦૨૩ સુધીમાં રૂપિયા ૮૮૪૧ કરોડની નિકાસ (એક્સપોર્ટ) થયેલ છે જે અગાઉના વર્ષમાં રૂપિયા ૩૪૦૨ કરોડ હતી.

Most Popular

To Top