વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની બજેટ લક્ષી સામાન્ય સભા આજે બીજા દિવસે પણ યથાવત રહી હતી. મહાનગરપાલિકાની આ સભા ભારે હોબાળા વચ્ચે યોજાઈ હતી. વિપક્ષે અનેક મુદ્દાઓ સાથે સત્તાધારી પક્ષને ભીંસમાં લેવાના પ્રયાસો કર્યા હતા. ઉપરાંત શહેરીજનો ઉપર વધેલા બોજ સામે પણ વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2023-24 માટે રૂ. 4830.75 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. સ્થાયી સમિતિ દ્વારા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ચર્ચા વિચારણા તેમજ મંજૂરી માટે આ બજેટ મુકવામાં આવ્યું હતું. જેમાં આજે બીજા દિવસે પણ ચર્ચા કરવામાં આવી હતી.
વડોદરાને સ્માર્ટ સીટી બનાવવા તરફ પ્રયાસો તો થઇ રહ્યા છે અને તે જ દિશામાં બજેટ પણ રજુ કરવામાં આવે છે પરંતુ દર વર્ષે બજેટમાં જે મંજૂરી મળે છે તેટલા વપરાતા નથી અને દર વર્ષે શહેરીજનો માટે સ્માર્ટ સિટીનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ બનીને રહી જાય છે. મેયર કેયુર રોકડીયા અને મ્યુ. કમિશ્નરની અધ્યક્ષતામાં મળેલ સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓ ઉપર હોબાળો મચાવવામાં આવ્યો હતો.
મનપા દ્વારા શહેરીજનો ઉપર રૂ. 80 કરોડનો વધારાનો બોજો નાખવામાં આવ્યો છે જે મુદ્દે વિપક્ષના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તો રેલવે સ્ટેશનની પાછળ ફરામજી કમ્પાઉન્ડના વિવાદને લઈને પણ વિપક્ષે સત્તાધારી પક્ષને ભીંસમાં લેવાના પ્રયાસો કર્યા હતા. સભામાં એવો પણ સુર ઉઠવા પામ્યો હતો કે ગત વર્ષોમાં જે કામો નથી થયા તેને જ આ બજેટમાં ઉમેરીને મોટું બજેટ બનાવવામાં આવ્યું છે. પહેલા જુના કામો પૂર્ણ કરવા જોઈએ. જો કે આજની સામાન્ય સભામાં મોટા ભાગના કામો બહુમતીના જોરે મંજુર કરવામાં આવ્યા હતા.
5 વર્ષના બજેટના લેખા જોખા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ બીજા દિવસે બજેટ લક્ષી સામાન્ય સભા મળી હતી. જો કે આ વખતે બજેટમાં મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે પાંચ વર્ષના બજેટ ઉપર જો નજર કરીએ તો જે પ્રકારે બજેટ મંજુર કરવામાં આવે છે તે જોતા એમ લાગે કે એક જ વર્ષમાં વડોદરા સ્માર્ટ સીટી બની જશે. પરંતુ વર્ષના અંતે એમ લાગે કે બજેટ એ માત્ર જાહેરાત જ છે. છેલ્લા પાંચ વર્ષના આંકડો જોઈએ તો જે બજેટ મંજુર કરવામાં aઆવ્યું હતું તેમાંથી માત્ર 35 થી 50 ટકા જ બજેટ વપરાયું છે. જયારે મનપાને ખબર છે કે તેની પાસે પૂરતું બજેટ વાપરવા માટે આયોજન નથી અથવા તો ક્યાંક ને ક્યાંક કચાશ રહી જાય છે તો આટલું મસમોટું બજેટ મંજુર કરવાનું શું કામ ? એમ પણ ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષની આંકડાકીય માહિતી આ મુજબ છે.