વડોદરા: વડોદરા પાલિકા દ્વારા વર્ષ 2023 – 24 માટે રૂ. 4830.75 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું . શહેરના સર્વાંગી વિકાસના આયોજન સાથે બજેટ રજુ કરવામાં આવી રહ્યું છે. સોમવારે બજેટલક્ષી મળેલ અંતિમ સામાન્ય સભા પૂર્ણ થઇ હતી જેમાં બજેટમાં લેવાયેલ તમામ મુદ્દાઓને મંજુર કરવામાં આવ્યા હતા. વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીના જોરે આ બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. બજેટમાં 1500 કરોડના રિવાઇસના કામો લેવામાં આવ્યા છે તો 2600 કરોડ જેટલા નવા કામો લેવામાં આવ્યા છે. જો કે આ બજેટમાં શહેરીજનો પર બોજો નાખવામાં આવ્યો છે.
ખાસ કરીને સફારી પાર્કના મુદ્દે ભારે ચર્ચા જોવા મળી હતી આ ઉપરાંત અટલ બ્રિજ કે જે હાલમાં જ નવનિર્માણ પામ્યો છે એને તેને ગુજરાતનો સૌથી લાંબો ફ્લાય ઓવર માનવામા આવે છે તે મુદ્દાએ પણ ભારે ચર્ચા જોવા મળી હતી. પાલિકા દ્વારા કોર્પોરેશન હેઠળની જમીન અતાપીને સસ્તા ભાવે આપી છે અને કોર્પોરેશન હાલમાં માત્ર અંદાજિત 25 લાખ જેટલું ભાડું વસુલે છે જેની સામે જે તે એજન્સી સતત ભાવ વધારો કરી વર્ષે 10 કરોડ જેટલી કમાણી કરી રહી છે. તેની જ બાજુમાં સફારી પાર્ક માટે જગ્યા આપી છે જો કે તેમાં હાલ સુધી કોઈ કામ થયું નથી ત્યારે હાલ પૂરતું આ કામ પણ બંધ કરાવી તેને ટર્મિનેશન લેટર આપવાનું નક્કી કરાયું હતું.
અને ત્યાર બાદ તેની સાથે ચર્ચા કરવામાં આવશે. આ સિવાય મનપા દ્વારા આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં મનપા દ્વારા પાલતુ કુતરા વેરો વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં દર 3 વર્ષે 1000 રૂપિયા નક્કી કરાયા હતા. જો કે આ અંગે પશુ પ્રેમીઓ નારાજ થયા હતા અને આ મુદ્દો મુખ્ય પ્રધાન સુધી પણ પહોંચ્યો હતો જેના કારણે આ સભામાં આ વેરો નાબૂદ કરવાની જાહેરાત મેયર દ્વારા કરવામાં આવી હતી. સામાન્ય સભામાં અન્ય એક એજન્સી સુજલ એડવર્ટાઈઝમેન્ટ કે જેને ડિવાઈડર ગ્રીન માટેની પણ કામગીરી સોંપવામાં આવી હતી પરંતુ આ એજન્સી દ્વારા વડાપ્રધાનની મુલાકાત વખતે ડિવાઇડરને ગ્રીનરી કરી ન હતી અને જે તે સમયે કોર્પોરેશને 40 થી 50 લાખ ખર્ચવા પડ્યા હતા.
વ્હાઇટ હાઉસ મુદ્દે જેઓએ 6 મહિના પહેલા જાણ કરી તેઓ હાલમાં જેલમાં છે : ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થું)
સામાન્ય સભામાં શરૂઆતમાં વિપક્ષના ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે વ્હાઇટ હાઉસનો મુદ્દો ઉઠાવ્યો હતો તેઓએ મ્યુનિસિપલ કમિશ્નરને પૂછ્યું હતું કે જે અમલદારોએ 6-7 મહિના અગાઉ કલેક્ટરમાં લખીને આપ્યું હતું કે આ તમામ દસ્તાવેજો ખોટા છે. અને જેઓના મોંએથી અમોને પણ જાણવા મળ્યું હતું કે કઈંક ખોટું થયું છે અને અમોએ લડત શરુ કરી હતી. જો કે તેમાં મેયર સહીત તમામે અમોને સાથ સહકાર આપ્યો પરંતુ તાપસ બાદ આ અમલદારો જેલમાં છે. શું તેઓની અટકાયત મુદ્દે આપને જાણ કરવામાં આવી હતી? મનપા આવા અમલદારોની સાથે કેમ નથી. અને જે લોકો ખરેખર કસૂરવાર છે તેઓ હાલ બિન્દાસ્ત રીતે બહાર ફરી રહયા છે. તો મનપા દ્વારા શું જે લોકો ખરેખર કસૂરવાર છે તેઓને છાવરવામાં આવી રહ્યા છે? તેઓને ખુલ્લા પાડવાના પ્રયાસો કરવા જોઈએ તેમ તેઓએ ઉમેર્યું હતું.
અટલ બ્રિજનો બાકીનો બોજો મનપા ઉપર : વિપક્ષનો આક્ષેપ
વડોદરા ખાતે નિર્માણ પામેલ સૌથી લાંબા અટલ અંગે મુદ્દે સામાન્ય સભામાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો વિપક્ષે કહ્યું હતું કે આ બ્રિજ માટે સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે તેવી જે તે સમયે જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હાલ સુધીમાં 230 કરોડના આ બ્રિજ માટે રાજ્ય સરકારે માત્ર 76 કરોડની ફાળવણી કરી છે. બાકીના નાણાં મનપાએ ભોગવ્યા છે. જેના કારણે મનપાને ખોટ ગઈ છે. ત્યારે સરકાર બાકીના પૈસા ક્યારે આપશે તે પ્રશ્ન ઉઠાવાયો હતો. જો કે સત્તા પક્ષે સરકાર ટૂંક સમયમાં 100 કરોડ આપશે તેમ જણાવ્યું હતું.