પહેલી ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઇ રહ્યું છે ત્યારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ એક વર્ષ જેટલા સમયથી કોરોનાવાયરસના રોગચાળાનો માર વેઠી રહેલી દેશની જનતાને કેવી રાહતો આપે છે તેના પર આખો દેશ આશાભરી મીટ માંડીને બેઠો છે. બજેટ અંગે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે રોગચાળાનો માર વેઠી રહેલી સામાન્ય પ્રજાને રાહતો આપવાની સાથે બજેટમાં આરોગ્ય જાળવણી, ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ ખર્ચની ફાળવણી અર્થતંત્રને બેઠું કરવા માટે કરવામાં આવશે તથા પાડોશીઓ સાથે તનાવ વચ્ચે સંરક્ષણ માટે વધુ ભંડોળની ફાળવણી કરવામાં આવે તેવી આશા રાખવામાં આવે છે.
જ્યારે ભારત કોવિડ-૧૯ના રોગચાળાની કટોકટીમાંથી બહાર આવવા પ્રયાસો કરી રહ્યું છે ત્યારે એક વચગાળાના બજેટ સહિત મોદી સરકારના આ નવમા બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ બજેટમાં ખર્ચને વેગ મળે, વધુ પ્રમાણમાં નોકરીઓનું સર્જન થાય, ગ્રામ્ય ક્ષેત્રનો વિકાસ થાય અને સામાન્ય કરદાતાના હાથમાં ખર્ચવા માટે વધુ નાણા રહે તેવા પગલાં ભરવામાં આવશે, આ ઉપરાંત વિદેશી રોકાણને આકર્ષવા માટે પણ પગલાં ભરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણ કે જેમણે ૨૦૧૯માં પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું અને દાયકાઓથી બજેટના કાગળો લાવવા માટે જેનો ઉપયોગ કરવામાં આવતો હતો તે બ્રિફકેસની જગ્યાએ લાલ ખાતાવહીનો ઉપયોગ કર્યો હતો તેમણે જાન્યુઆરીની શરૂઆતમાં જણાવ્યું હતું કે એપ્રિલથી શરૂ થનાર નવા નાણાકીય વર્ષ માટેનું તેમનું બજેટ અગાઉ ક્યારેય જોવા નહીં મળ્યું હોય તેવું હશે. અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો કહે છે કે આ બજેટ કોવિડ-૧૯ના રોગચાળાથી સર્જાયેલી ખાનાખરાબીમાં ટુકડાઓ ભેગા કરીને ફરી બેઠા થવા માટેની શરૂઆત હશે અને આ બજેટ બહી-ખાતા(ખાતા વહી)થી કે પછી જૂની બોટલમાં નવો દારૂ ભરવા માત્રથી ઉપરવટ જશે. એવી આશા રાખવામાં આવે છે કે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રને ફરી પાટે ચડાવવા માટે આ બજેટ એક રોડમેપ સાબિત થશે, એક વિઝન સ્ટેટમેન્ટ બની રહેશે.
ગયા વર્ષના માર્ચ મહિનાના અંતભાગે રોગચાળાને અંકુશમાં લેવા માટે લાદવામાં આવેલા લૉકડાઉન પછી અગાઉથી જ મંદીનો માર ઝીલી રહેલા અર્થતંત્રની જે તબાહી થઇ તેમાંથી બહાર લાવવા માટે સરકારે એક મોટો ભાગ ભજવવાનો છે એવી વ્યાપક માન્યતા છે અને અર્થશાસ્ત્રીઓમાં એ બાબતે લગભગ સર્વસંમતિ છે કે નાણાકીય વર્ષ ૨૧માં દેશનું અર્થતંત્ર ૭થી ૮ ટકા જેટલું ઘટશે, જે વિકાસશીલ અર્થતંત્રોમાં સૌથી નબળા દેખાવોમાંનો એક છે ત્યારે હવે તમામ નજરો સોમવારના સામાન્ય બજેટ પર છે.