સુરત: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સિવિલ વર્ક ડિપાર્ટમેન્ટમાં વર્ષોથી જામી પડેલા અધિકારીઓનો ભ્રષ્ટાચાર છતમાંથી ટપકતાં ઠેર ઠેર ડોલ મૂકવાનો વારો આવ્યો છે. સુરત એરપોર્ટનાં બંને તરફ વિસ્તરેલા ટર્મિનલ બિલ્ડિંગની વચ્ચેના ટર્મિનલમાં કુલ 4 સ્થળોએ સામાન્ય વરસાદમાં પાણી ટપકતાં વર્ષે મેઇન્ટેનન્સ પાછળ થતાં લાખોનાં ખર્ચ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. ટપકતાં પાણી અને મુકાયેલી ડોલનાં વિડિયો વાઇરલ થયા પછી એરપોર્ટ ઓથોરિટીની અને સરકારની ભારે ફજેતી થઈ છે.
- સુરત એરપોર્ટ પર એરપોર્ટ ઓથોરિટીનો ભ્રષ્ટાચાર છતમાંથી ડોલ સુધી ટપકી રહ્યો છે
- વર્ષે મેઇન્ટેનન્સ પાછળ લાખોનાં ખર્ચ પછી પણ સુરત એરપોર્ટનાં ટર્મિનલ બિલ્ડિંગમાં પાણી ટપકતાં બેરિકેડ લગાવી 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કરવો પડ્યો
- ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યા પછી ટપકતું પાણી બંધ કરવાને બદલે પેસેન્જર એરિયા બંધ કરી AAIનાં અધિકારીઓએ અક્કલનું પ્રદર્શન કર્યું
સુરત એરપોર્ટનાં ટર્મિનલ બિલ્ડિંગમાં પાણી ટપકતાં બેરિકેડ લગાવી 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કરવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે, ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યા પછી ટપકતું પાણી બંધ કરવાને બદલે પેસેન્જર એરિયા બંધ કરી AAIનાં અધિકારીઓએ અક્કલનું પ્રદર્શન કર્યું છે.
જૂના ટર્મિનલની છતની નબળી જાળવણીને કારણે લીકેજની સમસ્યા ઊભી થઈ છે. વળી આ ટર્મિનલ 40/50 જેટલું જૂનું પણ નથી. 2009માં કેન્દ્રનાં નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલે આ ટર્મિનલનું ઉદઘાટન કર્યું હતું. સુરત એરપોર્ટનો આ પેસેન્જર ઓપરેશનલ એરિયા આમ પણ નાનો પડતો હતો.
કારણકે, બ્યુરો ઓફ સિવિલ એવીએશન સિક્યોરિટીએ નવા વિસ્તરણ પામેલા ટર્મિનલ બિલ્ડિંગનાં મોટાભાગના વિસ્તાર માટે સિક્યોરિટી કલિયરન્સ આપ્યું નથી. જૂના ટર્મિનલનાં ફસ્ટ ફ્લોર અને એરોબ્રીજની લોબી પાસેનો 2000 સ્ક્વેર ફૂટ એરિયા બેરિકેડ કરી બ્લોક કરવાને લીધે પેસેન્જરોની અગવડ વધશે.
એરપોર્ટ ઓથોરિટીનો લૂલો બચાવ: જૂનું ટર્મિનલ રિનોવેટ કરવા વર્ક ઓર્ડર આપી દેવાયો છે.
સુરત એરપોર્ટનાં ટર્મિનલ બિલ્ડિંગનાં પેસેન્જર સર્વિસ એરિયામાં ટપકતાં વરસાદી પાણી માટે ડોલ મૂકવાનો વિડીયો વાઇરલ થયા પછી એરપોર્ટ ઓથોરિટીનાં અધિકારીઓ એવી લૂલો બચાવ કરી રહ્યાં છે કે, બે તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગનો વચ્ચેનો ભાગ રીનોવેટ કરવા ટેન્ડર ઇસ્યુ થયા પછી વર્ક ઓર્ડર આપી દેવાયો છે.
એ પછી આ પાણી નહીં ટપકે, જૂના ટર્મિનલની બંને તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગનાં કેટલાક ભાગને BCAS દ્વારા હજી મંજૂરી આપવા આવી નથી ત્યારે જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં રીનોવેશનનું કામ વરસાદની સીઝનમાં શરૂ થવાની શક્યતા નહિવત છે, ત્યારે ટપકતાં પાણી માટે ડોલ મૂકવાનો ઉપાય યોગ્ય છે? એવા સવાલનો તેઓ પાસે કોઈ ઉત્તર નથી. એટલે કે આખું ચોમાસું ટપકતાં પાણી લીધે 2000 સ્ક્વેર ફૂટનો વિસ્તાર બેરીકેડથી બ્લોક રહેશે.