પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિતના ઉત્તર ભારતીય રાજ્યોમાં કપાસનો પાક ગુલાબી બોલવર્મ (ઇયળ) ના ગંભીર હુમલાનો સામનો કરી રહ્યો છે. બીટી કપાસ (બોલગાર્ડ-II) નામની આનુવંશિક રીતે સુધારેલી જંતુપ્રતિરોધક જાત પણ આ જીવાતોથી સુરક્ષિત રહી નથી. આ બીટી કોટન માત્ર આ જંતુઓ સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવ્યું હતું. ભારતના ગરીબ કિસાનો દ્વારા બીટી કપાસના બીજ પાછળ અબજો રૂપિયાનો વ્યય કરવામાં આવ્યો હતો. ભારતની લાખો એકર જમીનમાં બીટી કપાસ ઉગાડવામાં આવી રહ્યો છે. કમનસીબે આ જીવાતોના હુમલાથી માત્ર પાકને જ મોટું નુકસાન થતું નથી, તે હજારો ખેડૂતોને આત્મહત્યા તરફ પણ ધકેલી રહી છે.
રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લાના એક ગામમાં ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ કંઈક આવું જ બન્યું હતું. ૪૦ વર્ષીય શમશેર સિંહે બપોરના ૩.૩૦ વાગ્યે શાક અને રોટલીનું સામાન્ય ભોજન લીધું હતું. તેના પરિવારજનોને ખ્યાલ નહોતો કે આ છેલ્લી વખત તેઓ તેને જોઈ શકશે. તેની પત્ની જસવિન્દર કૌર અને તેમનાં ત્રણ બાળકો, ૧૭ વર્ષીય પુત્ર જસવિન્દર અને ૧૧ અને ૧૪ વર્ષની બે પુત્રીઓ, જેમનાં નામ જસપ્રીત અને પુષ્પા કૌર છે. સાંજે ૪.૩૦ વાગ્યાના સુમારે તે પોતાની મોટર સાયકલ પર ખેતરમાં જવા નીકળ્યો હતો અને તેણે ટ્યુબવેલની ચેમ્બરમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો.
કિશોર જસવિન્દરની છેલ્લી સ્મૃતિ પંપ સેટના દોરડાથી લટકેલા તેના પિતાના નિર્જીવ શરીરની છે. તેના પુત્રએ કહ્યું કે ‘‘શરૂઆતમાં અમને લાગ્યું કે તેઓ કોઈ મિત્રને મળવા અથવા ખેતરમાં ગયા હતા. પરંતુ જ્યારે તેઓ રાબેતા મુજબ સાંજે ૫.૩૦ થી ૬ વાગ્યાની વચ્ચે ઘરે ન પહોંચ્યા, ત્યારે અમે ચિંતા કરવા લાગ્યા.’’ જસવિન્દર તેના પિતાને ફોન કરવા લાગ્યો, પરંતુ તેણે જવાબ ન આપ્યો. જસવિન્દરે તરત જ તેના પડોશીઓ પાસેથી એક મોટરસાઇકલ ઉછીની લીધી અને ખેતર તે તરફ ભાગ્યો, જ્યાં તેને ખબર પડી કે તેના પિતાનું કરૂણ મૃત્યુ થયું હતું.
શમશેર સિંહના પરિવાર પર દેવું હતું, જેના કારણે આર્થિક દબાણને કારણે તેણે આત્મહત્યા કરવી પડી હતી. આ વિસ્તારના લોકોના જણાવ્યા અનુસાર તેનું મૃત્યુ એ એક દાયકા કરતાં વધુ સમયમાં જિલ્લામાં ખેડૂતની આત્મહત્યાની પ્રથમ ઘટના છે. તેના મોટા ભાઈ બલવિંદર સિંઘે જણાવ્યું કે ‘‘શમશેરની સમસ્યાઓ ત્યારે શરૂ થઈ જ્યારે ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ ભારે વરસાદને કારણે તેના ૧૬.૨૪ એકરના કપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે તેમના જીવનમાં ઉથલપાથલ મચી ગઈ.
અડધી ખેતી ભાડે લીધેલી જમીન પર હતી, જ્યારે બાકીની તેની પોતાની હતી. વરસાદ પછી શમશેર સિંહ ચિંતિત જણાતો હતો. તે અને હું તેની સાથે ખેતરોમાં નુકસાનનું નિરીક્ષણ કરવા ગયા હતા. જ્યારે ૨૪ સપ્ટેમ્બરે શમશેર તેના ખેતરોમાં પાછો ફર્યો ત્યારે તેને જાણવા મળ્યું કે વરસાદને કારણે થયેલા નુકસાન ઉપરાંત સમગ્ર પાકને પિંક બોલવોર્મ (ઇયળ) નો ચેપ લાગ્યો હતો. તેને સમજાયું કે તેનો આખો પાક બરબાદ થઈ ગયો છે, પણ આટલું નુકસાન મર્યાદિત નહોતું. છેલ્લાં ત્રણ વર્ષથી વધી રહેલાં દેવાંમાં તેને કારણે ઉમેરો થયો હતો.’’
અગાઉનાં વર્ષોમાં પણ શમશેરે હંમેશની જેમ બીટી કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ ૨૦૨૧માં ગુલાબી બોલવોર્મના ઉપદ્રવને કારણે તેને નુકસાન સહન કરવું પડ્યું હતું. ૨૦૨૨માં કપાસના ખેતરો પર સફેદ માખીના હુમલાને કારણે પાકને ફરી એકવાર નુકસાન થયું હતું, જેના કારણે ફરી એકવાર દેવું કરવું પડ્યું હતું. કમનસીબે, ૨૦૨૩ માં પણ ગુલાબી બોલવોર્મના કારણે તેનો પાક ફરી એક વખત બરબાદ થઈ ગયો હતો. સફેદ માખીની ઘણી પ્રજાતિઓ કપાસ પર હુમલો કરે છે, જે સામાન્ય રીતે છોડના પાંદડાના નીચેના ભાગને ખાય છે.
શમશેરની પત્ની જસવિંદર કૌરનું કહેવું છે કે ‘‘ત્રણ વર્ષમાં તેના પર લગભગ આઠ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. અમે કરિયાણાની દુકાનના માલિક, નાણાં ધીરનાર, બેંકો અને અન્ય ઘણા લોકોના દેવાદાર છીએ. મારી સાસુને શ્વાસ લેવામાં તકલીફ છે, જેના કારણે વધારાના ખર્ચની જરૂર હતી. અમે રવી મોસમમાં ઉત્પાદિત સરસવ અને ઘઉં પર માંડ માંડ જીવીએ છીએ. શમશેર સિંહે મારી સાથે ક્યારેય તેની ચિંતાઓ અથવા દેવા વિશે વાત કરી નથી. તે ખુશ હતો અને તેણે રાબેતા મુજબ તેના પરિવાર સાથે વાતચીત કરી હતી. તેણે ૨૫ સપ્ટેમ્બરે પણ તેણે વિચિત્ર વર્તન કર્યું ન હતું.’’ શમશેર સિંહના ભાઈ બલવિંદરે કહ્યું કે ‘‘૧૫ સપ્ટેમ્બર પછી શમશેર ઘણી વાર તેના ખેતરને થયેલા નુકસાન અને નાણાંકીય સમસ્યાઓ વિશે ચર્ચા કરતો હતો. તેણે પડોશમાં અને તેના મિત્રો સાથે તેની સમસ્યાઓની ચર્ચા કરી હતી.’’
પંજાબના મૌજગઢના અન્ય એક ખેડૂત અશ્વિની કુમાર કહે છે કે તેઓ ખૂબ જ દુઃખી છે અને નિરાશા અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું કે ‘“મેં સ્થાનિક પંચાયત પાસેથી આઠ એકર જમીન લીઝ પર ૫૦,૦૦૦ રૂપિયા પ્રતિ એકરના ભાવે લીધી હતી. મેં આ આખી જમીન પર કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ હવે તે બધું જ ખતમ થઈ ગયું છે.’’ આ સતત બીજું વર્ષ છે કે તેને ભારે નુકસાન થયું છે. હવે તેની પાસે બીજો પાક વાવવા માટે પણ પૈસા બચ્યા નથી. તેને ઉત્પાદન વેચીને ૮૦,૦૦૦ રૂપિયાની કમાણી થવાની અપેક્ષા હતી, પરંતુ હવે તેના પર છ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે.
ગ્રામીણ કિસાન મજદૂર સમિતિના જિલ્લા પ્રમુખ હરજિન્દર માન કહે છે કે ‘“એ ચિંતાનો વિષય છે કે આ વિસ્તારના અન્ય ઘણા ખેડૂતો પણ આવી જ મુશ્કેલીમાં છે. મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોથી વિપરીત, જ્યાં ખેડૂતોની આત્મહત્યા સામાન્ય છે, આ પ્રદેશમાં દેવાંને કારણે ભાગ્યે જ કોઈ આત્મહત્યા થાય છે. આ પ્રદેશમાં આવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે. તેનું કારણ એ છે કે ખેડૂતો પરંપરાગત રીતે થતાં નુકસાનનો સામનો કરવામાં સક્ષમ છે અને થોડાં વર્ષોમાં તેમની મૂડી પાછી મેળવી લે છે; પરંતુ વારંવારના નુકસાનથી સમગ્ર પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ખેડૂતો જે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે, તેવો તેમણે અગાઉ ક્યારેય અનુભવ કર્યો ન હતો. એક દાયકામાં દેવાંને કારણે આ કદાચ પ્રથમ ખેડૂતની આત્મહત્યા છે, પરંતુ દુઃખની વાત એ છે કે તે છેલ્લી હોવાની શક્યતા નથી. ઘણા ખેડૂતો ભારે નુકસાન અંગે પોતાનું દુઃખ વ્યક્ત કરીને મારી પાસે પહોંચ્યા છે.
આ સિઝનમાં હરિયાણા, રાજસ્થાન અને પંજાબના ખેડૂતોને તેમના પાકમાં ગુલાબી ઇયળને કારણે ભારે નુકસાન થયું છે. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ (CICR) ના ડિરેક્ટર વાય.જી. પ્રસાદના જણાવ્યા અનુસાર હરિયાણા અને પંજાબમાં નુકસાન લગભગ ૬૫ ટકા હોવાનો અંદાજ છે, જ્યારે રાજસ્થાનમાં સ્થિતિ વધુ ખરાબ છે. રાજસ્થાન સરકાર દાવો કરે છે કે નુકસાન ૯૦ ટકા સુધી હોઈ શકે છે અને તેણે ૮ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ રાહત ફંડ તરીકે ૧,૧૨૫ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. પત્રકારોએ જેમની સાથે વાત કરી અને જેમનાં ખેતરોની મુલાકાત લીધી તેઓએ જણાવ્યું કે ઓછામાં ઓછું ૯૦ ટકા નુકસાન થયું છે. સ્થિતિ એવી છે કે ઘણા ખેડૂતોએ કપાસની પ્રથમ લણણી પણ ન કરી હોવાના કારણે ઉપજ ઓછી થઈ છે અને મજૂરોએ ખેતરમાં કામ કરવાની ના પાડી દીધી હોવાનું જણાવ્યું હતું. આ ગંભીર રોગને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને તેમનાં દેવાંનો બોજ ઘણો વધી ગયો છે. પરિણામે તેઓ આત્મહત્યાના આરે પહોંચી ગયા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.