નવી દિલ્હી(NewDelhi): સત્તાપક્ષ ભાજપ (BJP) સામે એકજૂટ થઈ લડવા માટે તમામ રાજકીય જૂથોએ ભેગા થઈ I.N.D.I.A. સંગઠન બનાવ્યું પરંતુ લોકસભાની ચૂંટણી (LokSabhaElection) જાહેર થાય તે પહેલાં જ તેમાં તિરાડ પડવા લાગી છે. બસપા (BSP) સુપ્રીમો માયાવતીએ (Mayavati) પોતાના 68માં જન્મદિવસે (BithDay) મીડિયા સમક્ષ જાહેર કર્યું કે તે I.N.D.I.A. સંગઠનમાં જોડાશે નહીં. આગામી લોકસભાની ચૂંટણી તેઓ એકલા હાથે લડશે. આ સાથે જ માયાવતીએ પોતાના પૂર્વ સાથી સપા (SPA) પ્રમુખ અખિલેશ યાદવ (AkhileshYadav) અને સત્તા પક્ષ ભાજપ પર આકરાં પ્રહારો કર્યા હતા.
પોતાના 68માં જન્મદિવસે બસપા સુપ્રીમો માયાવતીએ પાર્ટી કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતી વેળા મોટી જાહેરાત કરતા કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણી તેઓ એકલા હાથે લડશે. પોતાના જૂના સાથી સપા પ્રમુખ અખિલેશ યાદવ પર માયાવતીએ આકરાં પ્રહાર કરતા કહ્યું કે, તે કાચિંડાની જેમ રંગ બદલે છે. તેની પર વિશ્વાસ કરી શકાય નહીં. આવા વ્યક્તિથી દૂર રહેવું જોઈએ. મારી નિવૃત્તિની ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે, પરંતુ હું નિવૃત્ત થવાની નથી.
ભાજપ પર પણ કર્યા આક્ષેપ
માયાવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે લોકોને મફત અનાજ આપીને ગુલામ બનાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અમારી અગાઉની સરકારો દરમિયાન અમે સર્વજન હિતાયા અને સર્વજન સુખાય માટે કામ કર્યું હતું. અમારી પછી આવેલી સરકારો અમારી યોજનાઓની નકલ કરીને લોકોનું શોષણ કરવામાં વ્યસ્ત છે. આમ છતાં જ્ઞાતિવાદી, મૂડીવાદી અને સંકુચિત માનસિકતાના કારણે લોકોને આ યોજનાઓનો પૂરેપૂરો લાભ મળી રહ્યો નથી.
સરકાર ધર્મની આગમાં રાજકારણ કરી રહી છે, માયાવતીનો આક્ષેપ
માયાવતીએ વધુમાં કહ્યું કે, અમારી સરકાર હતી ત્યારે અમે લોકોને તેમનું સ્વાભિમાન વધારવાની તક આપી હતી. પરંતુ વર્તમાનમાં એવું નથી. હાલની કેન્દ્ર અને રાજ્યની સરકાર ધર્મ અને સંસ્કૃતિના નામ પર રાજનીતિ કરી રહી છે, જેના લીધે લોકશાહી નબળી પડી રહી છે.
આ કારણે માયવતી મહાગઠબંધનમાં જોડાવા માંગતા નથી
માયાવતીએ પણ મહાગઠબંધનમાં સામેલ ન થવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે ગઠબંધન કરવાથી પાર્ટીને ફાયદો ઓછો અને નુકસાન વધુ થાય છે. અમારી વોટ ટકાવારીમાં ઘટાડો થાય છે અને અન્ય પક્ષોને ફાયદો થાય છે. તેથી મોટાભાગની પાર્ટીઓ બસપા સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા માંગે છે. અમારી પાર્ટી આ લોકસભા ચૂંટણીમાં એકલા હાથે લડીને વધુ સારા પરિણામો લાવશે.
માયાવતીએ કહ્યું કે બસપાએ યુપી વિધાનસભાની ચૂંટણી પણ એકલા હાથે લડી છે. બસપા કોઈને મફતમાં સમર્થન નહીં આપે પરંતુ ચૂંટણી પછી ગઠબંધન વિશે વિચારી શકે છે. માયાવતીએ કહ્યું કે અમારી પાર્ટી દલિતો, આદિવાસીઓ, અત્યંત પછાત મુસ્લિમો અને લઘુમતીઓના બળ પર એકલા હાથે ચૂંટણી લડશે.