Business

આ સ્કીમ હેઠળ હવે BSNL સુરત-ભરૂચની જમીનોનું વેચાણ કરશે

સુરત: BSNL આગામી 3-4 વર્ષમાં BSNL સાથેના કુલ 15000 લેન્ડ (Land) પાર્સલમાંથી લગભગ 3000 લેન્ડ પાર્સલનું ઓનલાઇન હરાજીથી, ટેન્ડર સિસ્ટમથી વેચાણ કરશે. શુક્રવારે સુરત BSNL ભવનમાં યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા કંપનીના નવી દિલ્હી (New Delhi) સ્થિત ડિરેક્ટર-HR અરવિંદ વડનેરકરે જણાવ્યું હતું કે, મોનેટાઇઝેશન ઓફ લેન્ડ સ્કીમ હેઠળ BSNL સુરત-ભરૂચની જમીનોનું વેચાણ કરશે. સુરત શહેરના કરીમાબાદ, ઘોડદોડ રોડ પાંજરાપોળની સામે આવેલી 5,359 સ્ક્વેર મીટર રેસિડેન્સિયલ ઝોનની જમીન ટેન્ડર પ્રોસેસથી 38.89 કરોડની તળિયા કિંમતથી હરાજીમાં વેચાશે.

શુક્રવારે એ અંગે શહેરના 15 બિલ્ડરને ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. એવી જ રીતે ભરૂચના કણબીવાડ આવેલો bsnl બીટીએસનો 5200 સ્ક્વેર મીટરનો કોમર્શિયલ પ્લોટ 25.23 કરોડની તળિયા કિંમતે હરાજીથી વેચાશે. BSNL મુદ્રીકરણ કરવાની દરખાસ્ત કરી રહ્યું છે, જેમાંથી 7-8 હજાર કરોડ રૂપિયાની પ્રાપ્તિ થવાની સંભાવના છે. હાલમાં ગુજરાતમાં સુરત અને ભરૂચ ખાતે બે જમીનનાં પાર્સલ અનુક્રમે રૂ.40 કરોડ અને 25 કરોડની મૂળ કિંમત સાથે હરાજી માટે મૂકવામાં આવ્યાં છે. હરાજી MSTC સાઇટ પર ઓનલાઈન યોજાશે. ટાઇટલ ક્લિયર સાથે સરકારની મંજૂરી લઈ આ પ્રક્રિયા કરવામાં આવી છે. પત્રકાર પરિષદમાં કંપનીના અમદાવાદ સ્થિત ચીફ જનરલ મેનેજર સંદીપ સાવરકર હાજર રહ્યા હતા.

સુરત, તાપી, વલસાડ, ડાંગ અને સેલવાસમાં નેટવર્ક નહીં હોય એવાં 140 ગામમાં મોબાઈલ ટાવરો ઊભા કરશે
બીએસએનએલના ચીફ જનરલ મેનેજર સંદીપ સાવરકરે જણાવ્યું હતું કે, સુરત, તાપી, વલસાડ, ડાંગ અને સેલવાસમાં મોબાઈલ સિગ્નલ નેટવર્ક નહીં હોય એવાં ગામોમાં મોબાઈલ ટાવરો ઊભા કરશે. નવેમ્બર સુધીમાં ગુજરાતનાં સિગ્નલવિહોણાં 380 ગામમાં 280 ટાવર ઊભા કરાશે. સેલવાસનાં 65 ગામોમાં 40 ટાવર, તાપી જિલ્લામાં 30 ટાવર ઊભા થઇ રહ્યા છે. બાકીના ટાવરો નર્મદા, ભરૂચ, વલસાડ, ડાંગ જિલ્લામાં ઊભા થઈ રહ્યા છે. સૌથી વધુ ડાંગ, સેલવાસ સહિત દક્ષિણ ગુજરાતનાં 140 ગામમાં મોબાઈલ ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે.

ભારત સરકારના આદેશ મુજબ BSNL એ ગુજરાત અને DDNHના આશરે 555 ગામડાંને આવરી લેવા માટે ભારતીય નિર્મિત 4G પ્રદાન કરવું જરૂરી છે, જ્યાં હાલમાં કોઈપણ ઓપરેટરનું નેટવર્ક ઉપલબ્ધ નથી. આ ખુલ્લાં ગામોને આવરી લેવા માટે BSNL સમગ્ર ગુજરાતમાં 242 નવા ટાવર સ્થાપિત કરવા જઈ રહ્યું છે. આમાંના મોટા ભાગના ટાવર સોલાર ઓપરેટ કરવામાં આવશે. ગ્રામ પંચાયતની જમીનોના જંગલમાં સ્થાપિત કરવામાં આવશે. જેના માટે સંપાદન અંતિમ તબક્કામાં છે.

ડાયમંડ બુર્સ અને સેલવાસ સ્માર્ટ સિટીમાં BSNLનું નેટવર્ક
BSNLના અમદાવાદ સ્થિત ચીફ જનરલ મેનેજર સંદીપ સાવરકરે કહ્યું હતું કે, સુરત ડાયમંડ બુર્સ અને સેલવાસ સ્માર્ટ સિટીમાં મોબાઈલ કનેક્ટિવિટી માટે બીએસએનએલ છેલ્લા એક વર્ષથી કામ કરી રહ્યું છે. અહીં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક ઊભું કરવાનું કામ BSNLને મળ્યું છે.

Most Popular

To Top