કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અને VIP સંસ્કૃતિ સામેના અભિયાન વચ્ચે ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL)ના ડિરેક્ટર (CFA) વિવેક બંસલની પ્રયાગરાજ મુલાકાતને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઓફિસ ઓર્ડર બાદ કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એ કડક વલણ અપનાવી અધિકારીને નોટિસ ફટકારી છે. તારીખ 25-26 ફેબ્રુઆરી, 2026 માટે પ્રસ્તાવિત પ્રયાગરાજ મુલાકાત માટે સ્થાનિક કચેરી દ્વારા વિગતવાર આદેશ જારી થયો હતો. બે દિવસની મુલાકાત દરમિયાન ડિરેક્ટરના “આરામ અને કાળજી” માટે આશરે 50 અધિકારીઓ-કર્મચારીઓને તૈનાત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. લીક થયેલા દસ્તાવેજ મુજબ, સંગમ સ્નાન માટે ખાસ “બાથ કીટ” તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી, જેમાં ટુવાલ, ચંપલ, સાબુ, શેમ્પૂ, વાળનું તેલ, કાંસકો, અરીસો અને અંડરગાર્મેન્ટ્સનો સમાવેશ હતો. છ પુરુષ અને બે મહિલાઓ માટે કીટ તૈયાર કરવાની નોંધ પણ હતી. આ ઉપરાંત સર્કિટ હાઉસ અને હોટલમાં સ્વાગત માટે ડ્રાયફ્રૂટ્સ, ડાર્ક ચોકલેટ, તાજા ફળો અને શેવિંગ કીટની વ્યવસ્થા કરાઈ હતી. કાર્યક્રમમાં સંગમ બોટિંગ તેમ જ બડા હનુમાન મંદિર, અક્ષયવત અને પાતાલપુરી મંદિરોની મુલાકાતનો સમયપત્રક પણ સામેલ હતો, જે વ્યાવસાયિક પ્રવાસ કરતાં વધુ “રાજકીય મહેમાનગતિ” જેવું લાગતું હતું.

મામલો ચર્ચામાં આવતાં જ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ વર્તનને નિયમો અને પરંપરાઓનું ઉલ્લંઘન ગણાવ્યું. તેમણે જણાવ્યું કે આ ઘટના અસ્વીકાર્ય અને આઘાતજનક છે. ડિરેક્ટરને 7 દિવસમાં સ્પષ્ટીકરણ આપવા માટે કારણદર્શક નોટિસ પાઠવાઈ છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. વિવાદ વધતા વિવેક બંસલની મુલાકાત તાત્કાલિક રદ કરવામાં આવી. BSNLએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે સત્તાવાર પ્રવાસ માટે નિર્ધારિત નિયમો છે અને આ ઘટના તે ધોરણોથી વિપરીત છે. ભવિષ્યમાં આવા “VIP કલ્ચર” અથવા સરમુખત્યારશાહી વલણને સહન કરવામાં આવશે નહીં, એમ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું. આ ઘટનાએ સરકારી તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી અંગે ફરી ચર્ચા જગાવી છે.