Business

રજાનો દિવસ હોવા છતાં શનિવારે આ કારણોસર ચાલુ રહ્યું શેરબજાર, આ શેર્સમાં જોવા મળી ભારે તેજી

નવી દિલ્હી(NewDelhi): આજે પહેલીવાર શનિવાર રજાના દિવસે શેરબજાર (ShareBazar) ચાલુ રહ્યું હતું. શેરબજારમાં આજે સ્પેશિયલ બે ટ્રેડિંગ (Trading) સેશન રાખવામાં આવ્યા હતા. બજારમાં આજે પહેલીવાર ડિઝાસ્ટર રિકવરી (DR) પર લાઇવ ટ્રેડિંગ થયું હતું. બે ભાગના ટ્રેડિંગમાં આજે નિફ્ટી (Nifty) 50ના 6 શેર ઇન્ટ્રા-ડે એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

આજે ખાસ ટ્રેડિંગ સેશનમાં બીએસઈ (BSE) અને નિફ્ટી 50 સારા ઉછાળા સાથે રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા. એકંદર બજારને આજે મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર્સનો મજબૂત ટેકો મળ્યો હતો. શેરબજાર એક ટકાથી વધુના ઉછાળા સાથે બંધ થયું હતું. જોકે, નિફ્ટીના કોઈપણ સેક્ટરનો ઈન્ડેક્સ આજે રેડ ઝોનમાં નથી.

શનિવાર એટલે કે આજે શેરબજારમાં 2 વિશેષ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ સત્ર સવારે 9:15 થી 10 વાગ્યા સુધી ખુલ્લું હતું. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી રેકોર્ડ હાઈ પર પહોંચ્યા હતા. પ્રથમ સત્રના અંત પછી, BSE સેન્સેક્સ 114.91 પોઈન્ટ વધીને 73,860.26 પર હતો. બીજી તરફ NSE 0.25 ટકાના વધારા સાથે 22,395 પર હતો.

આજે સ્પેશિયલ ટ્રેડિંગ સેશન દરમિયાન નિફટીના 6 શેર નવી ઊંચાઈએ પહોંચ્યા હતા, જેમાંથી 4 ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યા હતા. ટાટા ગ્રૂપનો શેર ટાટા સ્ટીલ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો હતો જ્યારે ટાટા મોટર્સનો શેર 13 વર્ષની ટોચે પહોંચ્યો હતો. ટાટા સ્ટીલનો (Tata Steel) શેર 3.6 ટકાના વધારા સાથે રૂ. 155.35 પર બંધ રહ્યો હતો. જ્યારે તે ઇન્ટ્રા-ડેમાં રૂ. 156.2ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. આ સિવાય ટાટા ગ્રુપનો અન્ય એક સ્ટોક ટાટા મોટર્સ 13 વર્ષની ટોચે પહોંચ્યો હતો. ટાટા મોટર્સનો શેર આજે ઈન્ટ્રા-ડેમાં રૂ. 992.6ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. દિવસના અંતે તે 1.19 ટકાના ઉછાળા સાથે રૂ.989 પર બંધ રહ્યો હતો.

આ સિવાય એસબીઆઈ લાઈફનો (SBI Life) શેર પણ રૂ. 1569.40ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો અને દિવસના અંતે 0.31 ટકાના વધારા સાથે રૂ. 1546.90 પર બંધ થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસનો (Adani Enterprises) શેર ઇન્ટ્રા-ડે રૂ. 3348.70ની એક વર્ષની ટોચે પહોંચ્યો હતો અને દિવસના અંતે તે 0.41 ટકાના ઉછાળા સાથે રૂ. 3332.50 પર બંધ રહ્યો હતો.

આ બધા સિવાય રિલાયન્સ (Reliance) 0.11 ટકાના ઘટાડા સાથે રૂ. 2980.95 પર બંધ રહ્યો હતો જ્યારે તે ઇન્ટ્રા-ડેમાં રૂ. 3000.90ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ ઉપરાંત ગ્રાસિમનો (Grasim) શેર પણ 0.21 ટકાના ઘટાડા સાથે રૂ.2248 પર બંધ થયો હતો, જ્યારે ઈન્ટ્રા ડેમાં તે 2268.95ની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો.

આજે શા માટે ખાસ ટ્રેડિંગ સેશન રાખવામાં આવ્યું હતું?
સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) ઈચ્છે છે કે સ્ટોક એક્સચેન્જ, ક્લિયરિંગ હાઉસ, ડિપોઝિટરી સિક્યોરિટીઝ જેવા પ્લેટફોર્મ કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિ માટે તૈયાર રહે અને કોઈપણ અવરોધ વિના ટ્રેડિંગ ચાલુ રાખી શકાય. જો સરળ ભાષામાં સમજીએ તો સાયબર એટેક, સર્વર ક્રેશ અથવા અન્ય સંજોગોમાં ટ્રેડિંગ વિકલ્પો શોધવા માટે એક ખાસ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પગલાંથી શેર માર્કેટમાં સ્થિરતા જળવાઈ રહેશે અને રોકાણકારો તથા ટ્રેડિંગ પણ સરળ રીતે ચાલુ રહેશે. આ સિવાય ડેટા પણ સુરક્ષિત રહેશે. આ જ કારણોસર આજે શનિવારે રજાના દિવસે ખાસ ટ્રેડિંગ સેશન રાખવામાં આવ્યા હતા.

ખરેખર તો આજે જે ખાસ ટ્રેડિંગ થયું હતું તે જાન્યુઆરી મહિનામાં જ થવાનું હતું. આ માટે 20 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી હતી. જો કે, સોમવારથી શુક્રવાર સુધીના સામાન્ય દિવસોની જેમ આ દિવસે સામાન્ય વેપાર થયો હતો. આ અગાઉ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહના અવસર પર 22 જાન્યુઆરી, સોમવારે સ્ટોક એકસચેન્જો બંધ રાખવામાં આવ્યા હતા.

Most Popular

To Top