નવી દિલ્હીઃ રિટેલ વેપારીઓને વધુ પડતા સટ્ટાખોરીથી બચાવવા અને બજારને સ્થિર રાખવા માટે સેબીએ ગયા મહિનાથી કેટલાક નવા નિયમો જારી કર્યા હતા. જેમાં NSE અને BSEને દરેક માત્ર એક ઈન્ડેક્સની વીકલી એક્સ્પાયરી ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી હતી. આ નિયમ ગયા મહિનાથી અમલમાં આવ્યો છે.
હવે માત્ર નિફ્ટી50 અને સેન્સેક્સની વીકલી એક્સપાયરી બાકી છે. આ ફેરફારોની અસર ટ્રેડિંગ વોલ્યુમ પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જો સંપૂર્ણ ડેટા પર નજર કરવામાં આવે તો તે સ્પષ્ટ થાય છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ને ટ્રેડિંગ વોલ્યુમના સંદર્ભમાં આ નિયમથી ફાયદો થયો છે, જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ને નુકસાન થયું છે.
નવા ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) નિયમોના અમલ પછી નિફ્ટી અને સેન્સેક્સમાં સરેરાશ દૈનિક વોલ્યુમ ટ્રેડિંગ (ADVT)માં ભારે વધારો થયો છે. તેનાથી વિપરીત, બેન્ક નિફ્ટી અને બેન્કેક્સ જેવા સેગમેન્ટમાં ભારે ઘટાડો નોંધાયો હતો.
બેન્ક-નિફ્ટીના ટ્રેડર્સ નિફ્ટીમાં શિફ્ટ થયા
ગયા સપ્તાહે બેન્ક નિફ્ટીનું દૈનિક સરેરાશ ટર્નઓવર રૂ. 18,250 કરોડથી ઘટીને માત્ર રૂ. 12,259 કરોડ થયું હતું. બેન્ક નિફ્ટી NSE નો એક સેગમેન્ટ છે. તે જ સમયે બીએસઈના બેન્કેક્સમાં આ ઘટાડો વધુ હતો. તે રૂ. 1,927 કરોડથી ઘટીને માત્ર રૂ. 41 કરોડ થયો હતો.
જો આપણે સંપૂર્ણ આંકડાઓ પર નજર કરીએ તો નિફ્ટીનું સરેરાશ ટર્નઓવર રૂ. 29,474 કરોડથી વધીને રૂ. 41,301 કરોડ અને સેન્સેક્સનું ટર્નઓવર રૂ. 7,301 કરોડથી વધીને રૂ. 8,314 કરોડ થયું છે. એકંદરે NSE પર વિકલ્પોનું વોલ્યુમ રૂ. 59,615 કરોડથી વધીને રૂ. 62,511 કરોડ થયું હતું, જ્યારે BSE પર રૂ. 9,228 કરોડથી ઘટીને રૂ. 8,355 કરોડ થયું હતું.
ફેરફારો પાછળ શું કારણ?
એક્સિસ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ અક્ષય ચિંચલકરના જણાવ્યા અનુસાર આ ઘટાડા પાછળ ઘણા કારણો છે. નવા નિયમો હેઠળ ટ્રેડિંગ ઈન્સ્ટ્રુમેન્ટ અને એક્સપાયરી ઓપ્શન્સની સંખ્યામાં ઘટાડો થયો છે. આ સાથે કોન્ટ્રાક્ટનું કદ વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવ્યું હતું અને લઘુત્તમ માર્જિન પણ વધારવામાં આવ્યું હતું.
આ સિવાય સપ્ટેમ્બરથી માર્કેટમાં કરેક્શન અને ઉચ્ચ વોલેટિલિટીના કારણે વેપારીઓના ઉત્સાહમાં ઘટાડો થયો છે. વર્ષના અંતે વિદેશી વેપારીઓ દ્વારા તેમની પોઝિશનમાં ઘટાડો અને નીચા વોલ્યુમ પણ આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ હતું.
લોકોનો મનપસંદ ઓપ્શન સમાપ્ત
ગયા અઠવાડિયે બેંક નિફ્ટી વીકલી ઓપ્શન પૂરા થયા જે 2016 થી રિટેલ લોકોની પસંદ હતો. રિટેલ વેપારીઓની વધુ પડતી ભાગીદારીને નિયંત્રિત કરવા અને બજારમાં સ્થિરતા લાવવા માટે સેબીએ આ પગલું ભર્યું હતું. હવે નવા નિયમો અનુસાર દરેક એક્સચેન્જ પર માત્ર એક સાપ્તાહિક એક્સપાયરી જ માન્ય રહેશે. નિફ્ટી અને સેન્સેક્સને પ્રાથમિકતા મળવાને કારણે વેપારીઓએ તેમની વ્યૂહરચના ફરીથી બનાવવી પડી રહી છે.