સુરત: (Surat) શહેરમાં કોરોનાની બીજી લહેર શરૂ થતાં સુરત મહાનગરપાલિકા સંચાલિત ઘણી સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. માર્ચ મહિનાની શરૂઆત થતા જ કોવિડનું સંક્રમણ ફરીવાર વધ્યું હતું. જેના કારણે મનપા દ્વારા બાગ-બગીચા, નેચરપાર્ક, ગોપીતળાવ, એક્વેરિયમ તેમજ બસ સુવિધા પણ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે શહેરમાં કોરોનાના કેસમાં ધીરે ધીરે ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેથી મનપા દ્વારા શુક્રવારથી બીઆરટીએસના (BRTS) બે રૂટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. જેમાં ઉધના દરવાજાથી સચીન જીઆઈડીસી રૂટ અને ઓએનજીસીથી ખરવરનગર રૂટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બન્ને રૂટો પર હાલ 23 બસો દોડાવવામાં આવશે. જે પૈકી ઉધના દરવાજા-સચીન જીઆઈડીસી રૂટ પર 13 અને ઓએનજીસીથી ખરવનગર રૂટ પર 10 બસ શરૂ કરવામાં આવી છે. આ રૂટ પર સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી બસો દોડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મનપા (Corporation) દ્વારા 17 મી માર્ચથી તમામ બસો બંધ કરી દેવાઈ હતી. જે હવે ધીરે ધીરે શરૂ કરાશે.
કોરોનાના કહેર વચ્ચે વિકાસનું કામ: બીઆરટીએસ રૂટ પર ભાઠેના જંકશન પર FOB બનશે
સુરત: સુરત શહેર બ્રિજ સીટી તરીકે ઓળખાય છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે મનપા દ્વારા શહેરમાં વધુને વધુ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. લિંબાયત ઝોનમાં ખરવરનગરથી પર્વતપાટીયા તરફ જતા બીઆરટીએસ રૂટ પર ભાઠેના જંક્શન પર બ્રિજ બનાવાશે. જે માટે ટીએસસીમાં 32.61 કરોડના અંદાજ સામે સૌથી લોએસ્ટ રચના કન્સ્ટ્રક્શન દ્વારા 37.33 કરોડનો ભાવ આપવામાં આવ્યો છે. જે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી.
મુંબઈ-અમદાવાદ-દિલ્હી નેશનલ હાઈવે પર આવવા-જવા વાહન ચાલકો કામરેજ તથા સુરત કડોદરા રોડનો ઉપયોગ કરે છે. સુરતથી મુંબઈ તથા બારડોલી-વ્યારા જતા આવતાં વાહનો આ રૂટનો ઉપયોગ કરે છે. સુરત-કદોડરા રોડથી ધુલિયા નવાગામ થઈ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જવા પણ વાહન ચાલકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. પરપ્રાંતના લોકોનો નોકરી ધંધા અર્થે શહેરમાં વસવાટ કરતાં તેમજ સ્થાનિક લોકો દૈનિક આ રસ્તાનો વધુ ઉપયોગ કરતાં હોય છે. તેથી નોંધપાત્ર ટ્રાફીકનું ભારણ વધ્યું છે.
શહેર અને શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં સીધી અવરજવર પણ આ રસ્તા થકી થઈ શકતી હોઇ પીક અવર્સમાં ભાઠેના જંકશન પર ભારે ટ્રાફિક જામના બનાવો બને છે. તેમજ રીંગરોડ કિન્નરી સિનેમાની સામેનો 80 ફૂટ પહોળાઈનો રસ્તો પણ કેનાલ જંકશન પાસેથી ક્રોસ થતો હોય ફ્લાય ઓવર બ્રિજની જરૂરિયાતમાં ઉભી થઈ છે. જેથી અહી હવે બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાશે. જેમાં પુલની લંબાઈ અંદાજીત 600 મીટર છે. અને પર્વત પાટીયાથી ખરવરનગર સુધી 2 લેન અને ખરવરનગરથી પર્વત પાટીયા તરફ 2 લેન બનાવવામાં આવશે. જેનો લાભ આ વિસ્તારના અંદાજીત 5 લાખ લોકોને થશે.