SURAT

સુરતમાં BRTS બસની હડતાળ, લોકો હેરાન થયા

સુરત: સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસના સંચાલનમાં છાશવારે વિવાદોમાં સપડાતી હોય છે. પગારથી માંડીને કર્મચારીઓના શોષણ સહિતના મુદ્દે બસ ડ્રાઈવરો અને કન્ડક્ટરો દ્વારા કરવામાં આવતી વિજળીક હડતાળને પગલે નોકરી-ધંધા માટે નીકળેલાં નાગરિકોને ભારે હાલાકી 7 ભોગવવાનો વારો આવતો હોય છે.

આજે તા. 22 જૂનને શનિવારે પણ સવારથી શહેરની 100 ઓરેન્જ બીઆરટીએસ બસના ચાલકોને હડતાળને પગલે સેંકડો શહેરીજનોને નાછૂટકે નોકરી-ધંધાના સ્થળે પહોંચવા માટે રિક્ષાઓનો આશરો લેવો પડ્યો હતો. હડતાળ પર ઉતરેલાં બસ
ચાલકોએ પગાર સહિતના મુદ્દે કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે, બપોર બાદ બસ ચાલકો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે સમાધાન થતાં બસો પુનઃ રસ્તા પર દોડતી દેખાઈ હતી.

શહેરમાં ભેસ્તાન ખાતે આવેલ બીઆરટીએસ બસ ડેપો ખાતે વહેલી સવારથી 100 જેટલી ઓરેન્જ બસના ચાલક હડતાળ પર ઉતર્યા હતા. અચાનક હડતાળ પર ઉતરેલા બસ ચાલકોએ કોન્ટ્રાક્ટર દ્વારા પગાર સહિતના મુદ્દે શોષણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો કર્યા હતા.

રોષે ભરાયેલા ચાલકોએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાનો પગાર હજી સુધી થયો નથી. જેને કારણે પરિવારનું ભરણ પોષણથી માંડીને મકાનનું ભાડું ભરવામાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા ભાગના બસ ચાલકો પરપ્રાંતિય હોવાને કારણે તેઓ ભાડાના મકાનમાં રહેતા હોય છે અને અનિયમિત પગારને કારણે મકાન માલિકો પણ ગમે ત્યારે મકાન ખાલી કરવાની ધમકી આપતાં હોય છે.

આ સિવાય કોન્ટ્રાક્ટર દ્વારા બસ ચાલકોને ચુકવવામાં આવતાં પગારમાં ઈએસઆઈસીની કપાત કરવામાં આવે છે પરંતુ તેના કાર્ડ અત્યાર સુધી ચાલકોને આપવામાં આવ્યા નથી. જેને કારણે બસ ચાલકોનો કેટલો પીએફ જમા થયો છે તે અંગેની પણ જાણ તેઓને નથી.

બીજી તરફ ચાલકો દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા પીએફના રૂપિયા જમા ન કરાવવામાં આવી રહ્યા હોવાની ભીતિ પણ વ્યકત કરવામાં આવી રહી છે. બસ ચાલકો દ્વારા આજે સવારથી જ વિજળીક હડતાળ પર ઉતરી જતાં નોકરી -ધંધા માટે નીકળેલા શ્રમજીવી અને મધ્યમ વર્ગીય નોકરિયાતોની હાલત કફોડી થવા પામી હતી.

બસોની હડતાળને પગલે નાછૂટકે મોંઘું ભાડુ ચુકવીને રિક્ષામાં નોકરી -ધંધા માટે રવાના થયા હતા. બીજી તરફ બપોર બાદ કોન્ટ્રાક્ટર અને બસ ચાલકો વચ્ચે પગાર મુદ્દે સમાધાન થતાં ઓરેન્જ બસો પુનઃ રસ્તા પર દોડતી દેખાઈ હતી.

Most Popular

To Top