ત્યારે હું બ્રાઇન ડસ્ટન હતો. ૨૨ વર્ષની ઉંમર હતી. કટોવા જિલ્લાના બહેરામપુર ગામમાં જલંગી નદીના કાંઠે આશ્રમ બાંધી રહેતાં અને લોકોમાં ‘બાદામી બાઉલ’ તરીકે પ્રસિદ્ધ બાબુ બાઉલે વાત માંડી. મારા ગુરુ સુજા બાઉલે પ્રારંભમાં મને કાસમ નામે એક માછીમાર પાસે મોકલ્યો. કહ્યું કે જા આખો દિવસ માછીમારી શીખજે અને આપણા પૂરતી તાજી માછલી લઇ ઘરે આવજે. મેં પહેલાં તો કાસમને પૂછ્યું, ‘‘આ પુકુર(તળાવ)માં માછલી છે, તે ખબર કેવી રીતે પડે? આટલા મોટા તળાવમાં માછલી પકડવા શું કરો? માછલી રુઈ છે કે પુનો (મીઠી કે ફિક્કી) છે કેમ ખબર પડે? તેને આકર્ષવા શું કરવું?’’
– કાસમ મારી સામે જોઈ હસ્યો. બોલ્યો કે, ‘‘માછલી પકડવા આવ્યો છો કે મને પકડવા? અજાણ્યું તળાવ હોય તો પણ જ્યાં પંખીઓ બગલા, ધોમડા બેઠાં હોય ત્યાં માછલી હોય જ. તે જ જીવનની નિશાની છે. વધુ માછલી પકડવી હોય તો જાળ નાખો પછી કંઈ જ ન કરતા હો તે રીતે શાંતિથી બેસી રહો. હલનચલન કરશો, જાળને હલાવશો તો માછલી ભાગી જશે. બાંસી (કાંટા)થી પકડવી હોય તો માછલીને આકર્ષે તેવો ચારો હુકમાં ભરાવીને નાખો. બન્ને પદ્ધતિમાં ધીરજ રાખશો તો માછલી પકડાશે જ.’’ કાસમ પ્રખર તાપમાં સાંજ સુધી માછીમારી કરતા રહ્યા. સાંજે મારા ભાગમાં આવતી અડધા ભાગની વીસ કિલો જેટલી માછલી મળી. મને એમ થતું હતું કે ગુરુ રાજી થશે. માછલી લઈને હું આશ્રમે પહોંચ્યો. માછલીને રસોડામાં રાખી દીધી. સાંજનું ભોજન પૂરું થઈ ગયું હતું. મારા માટે રાખેલ હતું તે ભોજન મેં લઈ લીધું. પછી હું ગુરુ પાસે ગયો.
તેમણે મને આખા દિવસની ચર્યા પૂછી. મેં બધી વાત કરી, પકડેલો માછલીનો જથ્થો બતાવ્યો. પછી ગુરુએ કહ્યું તે ખાસ સાંભળવા જેવું છે. તે બોલ્યા કે, ‘‘બાબુ કાસમ સાથે ચૂપચાપ દિવસ કાઢવાનો હતો. જાણવા માટે પૂછા(અધીરાઈ) અને મૂછા (અહંકાર)મૂકવાં પડે.મત્સ્યને ન પકડી શકે તે (જીવનના)સત્યને ક્યાંથી પકડી શકે? માછલી પકડવી તે ધૈર્યનું કામ છે. માનુષ તો તેના કરતાં પણ વધારે ધૈર્ય માગે!
હવે ઊઠ અને આ બધી માછલીને પેલા સપ્તપર્ણીના ખામણામાં નાખી દે!’’ હું તો જોતો રહ્યો! ગુરુ આગળ બોલ્યા, ‘‘મેં તને કહ્યું હતું આપણા પૂરતી તાજી માછલી લઈ ઘરે આવજે! આપણે આશ્રમની ત્રણ વ્યક્તિને કેટલી માછલી જોઈએ? છ પાઉં! તું લાવ્યો વીસ કિલો! નાહક ભાર વેંઢાર્યો! વળી સાંજ પડી એટલે તે માછલી પણ બગડી ગઈ અને અમે ખાલી ભાત ખાઈને સૂઈ ગયા!
બેટા, મત્સ્ય મીશે પરમ સત્ય પરખવા તને મોકલ્યો હતો, ધૈર્ય ધરવું, અપરિગ્રહ રાખવો, જરૂર પૂરતું જ લેવું, સમય અને સાધનાનું સંતુલન કેળવવું. નહીંતર અત્યંત શ્રમ અને સાધના પછી પણ આપણું પ્રાપ્ત કરેલું આપણું ફળ તો જાય ખાતર થઈ પેલા કાલરૂપ સપ્તપર્ણના ખામણામાં. ‘બાદામી બાઉલ’ ના ચહેરા પરના ભગવા રંગને અમે ભાળતા જ રહ્યા.