કામરેજ: સુરતના કામરેજ નજીક આવેલા ખોલવડ ગામમાં સામાન્ય વાતમાં ભાઈના સાળાએ મહિલાને લાકડીનો સપાટો મારી દેતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ગાલ પર ફટકો વાગતા મહિલાને ફ્રેક્ચર થઈ ગયું હતું. મહિલાએ ભાઈના સાળા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઝઘડાનું કારણ ખૂબ જ સામાન્ય હતું. ખરેખર મોડી રાત્રે ભાઈનો સાળો ખેતરમાં ફરતો હોઈ મહિલાએ તેને તેમ નહીં કરવા કહ્યું હતું. મહિલાની વાત પસંદ નહીં પડતા ભાઈનો સાળો ઉશ્કેરાયો હતો અને લાકડી લઈ મહિલાને માર મારી તેને ફ્રેક્ચર કરી હોસ્પિટલ ભેગી કરી દીધી હતી.
મુળ સુરેન્દ્રનગર જિલ્લાના મંડારગંથ ગામના વતની અને હાલ કામરેજના ખોલવડ ગામે આવેલા ખેતીવાડી ફાર્મમાં લીલાબેન ઉર્ફે લાલી વેરસીભાઈ દેવીપૂજક રહે છે. એક મહિના અગાઉ મોડી રાત્રિના બાજુમાં રહેતા સગાભાઈ વળકુ કાળુભાઈ વાઘેલા (મુળ રહે.અમરેલી) બોલાચાલીનો અવાજ આવતા ઉઠીને ભાઈ પાસે જોવા ગયા હતા. ત્યાં ભાઈનો સાળો બોલાચાલી કરતો હોવાનું જોવા મળ્યું હતું.
ભાઈનો સાળો ગોવિંદ લલ્લુભાઈ પરમાર મોડી રાત્રિ સુધી ફરયા કરતો હોવાથી તે મામલે બોલાચાલી થતી હતી. લીલાબેનને જોઈ ભાઈનો સાળો ગોવિંદ તેમની પાસે ધસી આવતા બોલ્યો હતો કે, તું જ મારા માટે બધાને ચઢાવે છે તેમ કહીને ગાળો આપી લાકડીનો સપાટો ડાબા ગાલ ઉપર મારીને મારી નાંખવાની ધમકી આપી હતી. લીલાબેન ઈજાગ્રસ્ત થતા તે નાસી છુટયો હતો. લીલાબેનને ખોલવડની દિનબંધુ હોસ્પીટલમાં દાખલ કરતા ફેકચર થયુ હતું. જે અંગે કામરેજ પોલીસ મથકમાં એક મહિના બાદ ગોવિંદ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી.
કામરેજમાં 20 ફૂટ ઊંડા કુવામાં પડી જતા યુવકનું મોત
કામરેજ ચાર રસ્તા પાસે ઉહોલની બાજુમાં આવેલા પમ્પીંગની સાઈટ પર બાંધકામ ઉપર ગ્રીલ તેમજ પાઈપનુ કામ કરતો યુવાન અચાનક 20 ફુટ ઉંડા કુવામાં પડી જતા સારવાર દરમિયાન મોત નીપજયુ હતું.
મુળ બિહારના સિવાન જિલ્લાના બડકા ગામના રહેવાસી અને હાલ કામરેજ તાલુકાના કામરેજ ગામની હદમાં કામરેજ ચાર રસ્તા પાસે ઉમામંગલ હોલની બાજુમાં આવેલા સી-2 પમ્પીંગ સ્ટેશન પર કામ કરી ને ત્યાં જ રહેતા શૈલેષ લાલબાબુ યાદવ(રાય) ઉ.વ.32 જઓ બે દિવસ અગાઉ રાત્રિના 9.30 કલાકે પમ્પીંગની સાઈટ પર બાંધકામ ઉપર ગ્રીલ અને પાઈપ લગાવવાની કામગીરી કરતા અચાનક 20 ફુટ ઉંડા કુવામાં પડી જતાં માંથાના પાછળના ભાગે તેમજ શરીરે ઈજા થતાં સારવાર માટે 108 માં કામરેજ ચાર રસ્તા ખાતે ખાનગી હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર લઈ વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરતા સારવાર દરમિયાન ગુરુવારના રોજ બપોરે 2.45 કલાકે મોત નીપજતા કામરેજ પોલીસે મરનાર શૈલેષના નાનાભાઈ ગોવિંદની ફરિયાદ લઈ અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.