ભરૂચ: ભરૂચના મહિલા પોલીસમથકમાં ફરિયાદીએ વાગરા વસ્તી ખંડાલી ગામના સાસરિયાઓ સામે ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી છે, જેમાં પરિણીતાના પતિને જેઠાણીએ ગાલ ઉપર કિસ કરી હતી. તે બાબતની જાણ કોઈને કરશે તો દવા પીવડાવી મારી નાંખવાની ધમકી આપવા સાથે ત્રાસ ગુજારતાં આખરે ફરિયાદીએ ભરૂચના મહિલા પોલીસમથકમાં પતિ સહિત સાસરિયા સામે ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી હતી.
ભરૂચ મહિલા પોલીસમથકમાં ફરિયાદી જૈનબ દાદા પટેલે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણી આક્ષેપ કર્યા હતા કે, વસ્તી ખંડાલીના સાકીબ દાદા પટેલ સાથે સમાજના રીતિ-રિવાજ મુજબ લગ્ન થયાં હતાં. બે મહિના બાદ મહિલાને ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. એકવાર પરિણીતાની પિતરાઈ મોટી ભાભી મહિલાના પતિને ગાલો ઉપર કિસ કરતી હોવાથી પરિણીતાએ જોઈ લેતાં આ બાબતે પતિને ટોકતાં આ બાબતે જો કોઈને જાણ કરશે તો ઝેરી દવા પીવડાવી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. પરિણીતાની ફોઈ સાસુ તથા જેઠ-જેઠાણી સતત કોઈ ને કોઈ બાબતે ત્રાસ આપતાં હતાં. પિતરાઈ જેઠે તું મારી પત્નીને બદનામ કરે છે તેમ કહી તેનું ગળું પકડી માર મારી તેની પાછળ પેચિયું લઈ મારવા દોડતાં આખા ફળિયામાં દોડીને આખરે 181ને જાણ કરી દેતાં અભયમની ટીમે દોડી આવી કાઉન્સિલિંગ કરતાં ફરિયાદણના પતિએ અલગ ભાડાના મકાનમાં લઈ જવાની બાંયધરી આપી હતી.
અભયમ ટીમના કાઉન્સિલિંગ બાદ પણ બે મહિના થઈ જવા છતાં પરિણીતાને તેના સાસરિયાં તેડવા રાજી ન હોય અને પતિ પણ ધમકીઓ આપતો હોય, જેથી હાલ કોઠી મુકામે ઓશિયાળુ જીવન ગુજારતી પરિણીતાએ ભરૂચ મહિલા પોલીસમથકમાં તેના પતિ સાકીબ હાફિઝ સબ્બીર દાદા પટેલ, સાસુ સારા સબીર પટેલ, ફોઈસાસુ મહેરુન દાદા પટેલ, પિતરાઈ જેઠ નાસીર પટેલ, દિયર સાબીર દાદા પટેલ તેમજ પિતરાઈ જેઠાણી મોહસીના નાસીર પટેલ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઘરેલુ હિંસા તથા દહેજ ધારા એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.