સુરત શહેર પોલીસ ડ્રગ્સને બદીને ડામવા સતત પ્રયાસો કરી રહી છે ત્યારે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએથી એમડી ડ્રગ્સ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યું છે. એમડી ડ્રગ્સ સહીત પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે અને એમડી ડ્રગ્સના જથ્થા સાથે કુલ 9 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગઈ તા. 25 જાન્યુઆરીના રોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં રાંદેર રોડ અમર ચિલ્ડ્રન હોસ્પિટલ સામે જાહેર સર્વિસ રોડ પરથી મોપેડ પર એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવનાર આરોપી ફહદ સઈદ શેખ અને સાહિલ અલ્તાફ શેખને ઝડપી પાડ્યા હતા.
પોલીસે તેઓની પાસેથી 5,38,200 રૂપિયાની કિંમતનું 53.820 ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડા રૂપિયા 13,100 અને મોપેડ મળી કુલ 7,16,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા બંને આરોપીઓના કબ્જામાંથી મળી આવેલો એમડી ડ્રગ્સનો જથ્થો સોહાન હજીફુલ્લા ખાન પાસેથી વેચાણ અર્થે મંગાવતા તેણે તેના અન્ય સાગરિત મારફતે આ ડ્રગ્સનો જથ્થો રાંદેર તીનબત્તી પાસે આવી આપી ગયા હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે તે બંનેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી.
તે દરમ્યાન 26 જાન્યુઆરીના રોજ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી સોહાન હજીફુલ્લા ખાનને તેના ઘરેથી ઝડપી પાડયો હતો અને તેના કબ્જામાંથી 2,63,200 રૂપિયાની કિમંતનું 26.320 ગ્રામ એમડી ડ્રગ્સ તથા શંકાસ્પદ ક્રિસ્ટલ પદાર્થ જેનું કુલ વજન 1840 ગ્રામ તથા ડ્રગ્સમાં મિશ્રણ કરવા માટે રો મટીરીયલ્સ તરીકે ઉપયોગ કરવા લાવેલા મેગ્નેશિયમ સલ્ફેટનો જથ્થો તથા અન્ય મુદામાલ મળી કુલ 2,72,950 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીના જણાવ્યા મુજબ આરોપી ફહદ શેખ ધો.10 સુધી ભણેલો છે અને છેલ્લાં ચારેક વર્ષથી ટુ-વ્હીલર તથા ફોરવ્હીલર ગાડી લે વેચ કરે છે તથા ઓનલાઇન બુટ, ચપ્પલ વગેરે વસ્તુઓનું વેચાણ કરે છે. આરોપી સાહિલ સૈયદ ધો.8 સુધી ભણેલો છે અને છેલ્લાં ચારેક વર્ષથી ટુ-વ્હીલર તથા ફોરવ્હીલર ગાડી લે વેચ કરે છે.
આરોપી સાહિલે અગાઉ વર્ષ 2019માં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના સાગરીતો સાથે મળીને પોતાના સગા કાકાનું ખૂન કર્યું હતું, જે ગુનામાં 6 માસ જેલમાં રહ્યો હતો અને તે પછી પાસામાં સાત મહિના જેલ ભોગવી ચુક્યો છે. આ ઉપરાંત પણ પોતે બે વખત રાંદેર પોલીસ મથકમાં મારામારીના ગુનામાં પકડાઈ ચુક્યો છે.
આરોપી ફહદ શેખ તથા સાહિલ સૈયદ સાળો બનેવી થાય છે. બંને આરોપી અગાઉ વર્ષ 2022 માં પુણા પોલીસ મથકમાં 39.10 લાખની કિંમતના 39.100 ગ્રામ કોકેઇન ડ્રગ્સના ગુનામાં પકડાઈ ચુક્યા છે. આરોપી સોહાન ધો.6 સુધી ભણેલો છે અને પોતે અલગ અલગ જગ્યાએ ફૂટપાથ ઉપર કપડા વેચવાનું કામ કરે છે.
આરોપી સોહાન એમડી ડ્રગ્સના ધંધામાં વધુ નફો કમાવવા સારું ડ્રગ્સમાં વજન વધારી ગ્રાહકોને વેચવા માટે તેમાં મેગ્નેશિયમ સેલ્ફેટના ક્રિસ્ટલ તથા પાવડર સ્વરૂપનો પદાર્થ મિશ્રણ કરીને વધુ વજન કરી વેચાણ કરતો હતો. આરોપી સોહાન પકડાયેલો એમડી ડ્રગ્સનો જથ્થો તથા આ ડ્રગ્સના જથ્થામાં મિશ્રણ કરવા માટે પકડાયેલ મેગ્નેશિયમ સલ્ફેટના પેકેટોનો જથ્થો ગત 24 જાન્યુઆરી 2025ના રોજ મુંબઈ ખાતે રહેતા પોતાના સાગરીતો પાસે મંગાવતા તે સુરત આવી આપી ગયો હોવાનું જણાવ્યું હતું.
હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને 8,01,400 રૂપિયાની કિમંતનું 80,140 ગ્રામ એમડી ડ્રગ્સ તથા શંકાસ્પદ ક્રિસ્ટલ પદાર્થ વજન 1840 ગ્રામ તથા ડ્રગ્સમાં મિશ્રણ કરવા માટે રો મટીરીયલ્સ તરીકે ઉપયોગ કરવા લાવેલા મેગ્નેશિયમ સલ્ફેટનો જથ્થો તથા અન્ય મુદામાલ મળીને કુલ 9,89,250 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો અને એક જ દિવસમાં એનડીપીએસ હેઠળ બે અલગ અલગ કેસો કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને 8,01,400 રૂપિયાની કિમંતનું 80,140 ગ્રામ એમડી ડ્રગ્સ તથા શંકાસ્પદ ક્રિસ્ટલ પદાર્થ વજન 1840 ગ્રામ તથા ડ્રગ્સમાં મિશ્રણ કરવા માટે રો મટીરીયલ્સ તરીકે ઉપયોગ કરવા લાવેલા મેગ્નેશિયમ સલ્ફેટનો જથ્થો તથા અન્ય મુદામાલ મળીને કુલ 9,89,250 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો અને એક જ દિવસમાં એનડીપીએસ હેઠળ બે અલગ અલગ કેસો કરીને વધુ તપાસ હાથ ધરી છે.