ઝઘડીયા: ઝઘડીયાના સંજાલી પાસે કરૂણ ઘટના બની છે. બહેનના મૃત્યુ બાદ ભારે હૃદયે તેની અંતિમવિધિમાં જતા ભાઈની જીપ સંજાલી પાસે પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ભાઈએ પણ જીવ ગુમાવ્યો છે. એક સાથે બે મોત થતાં પરિવારજનો શોકમાં સરી પડ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના ગુંડેચા-2 ગામના જયંતીભાઇ ધુળાભાઇ વસાવાએ સંજાલી ગામે રહેતી તેની બહેન શનીબેન વસાવાનું મરણ થયું હોવાથી તા 18મી એપ્રિલે તેઓની અંતિમક્રિયામાં પોતાની જીપ ગાડી નં-GJ-16,BN-7756 તેમની પત્ની અને ફળિયાની અન્ય મહિલાઓને લઈને બહેનો સાથે ગયા હતા.
બપોરના ચારેક વાગ્યે અંતિમવિધિ પતાવીને તેઓ પરત ઘરે આવવા નીકળ્યા હતા. એ વેળા સંજાલી ગામે તેમની જીપ ગાડી બગડી જતા તેમના પત્ની અન્ય વાહનમાં બેસીને ઘરે ગયા હતા. સંજાલી ગામે બંધ પડી બાદ જીપ ગાડીને જયંતીભાઇએ એક ટ્રેકટર ચાલકની મદદ લઇને દોરડાથી ફોર વ્હિલને ટ્રેકટર સાથે બાંધીને બહાર લાવતા હતા.
ત્યારે અચાનક દોરડું તુટી જતા જયંતીભાઇથી ફોર વ્હિલ કાબુમાં ના રહેતા તે રોડની બાજુમાં પલટી ખાઈ ગઇ હતી. આ ઘટનામાં જીપ ચાલક જયંતીભાઇ વસાવાને છાતીના ભાગે માર વાગ્યો હતો. ઇજાગ્રસ્ત જયંતીભાઇને ચક્કર આવીને ગભરામણ થતા અર્ધબેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. જયંતીભાઇને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જતા તબીબે મરણ જાહેર કર્યા હતા.આ ઘટના સંદર્ભે મૃતકના પુત્ર જીગ્નેશભાઇ જયંતીભાઇ વસાવા ઉમલ્લા પોલીસમાં ફરિયાદ આપતા પોતાના મૃતક પિતા સામે ગુનો નોંધાવ્યો હતો.
માંગરોળના ગળકાછ નજીક વળાંકમાં બે બાઈક સામસામે ભટકાતાં ચાર બહેનોના એકના એક ભાઈનું મોત
વાંકલ: માંગરોળના (Mangrol) મોસાલી (Mosali) ચાર રસ્તા વાંકલ-ઝંખવાવ રાજ્ય ધોરી માર્ગ પર ગળકાછ ગામના ટર્નિંગ નજીક બે બાઈકચાલક સામસામે ભટકાતાં (Bike Accident) સ્થળ ઉપર જ એક યુવક સહિત બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતાં યુવક સારવાર હેઠળ છે. ગળકાછ ગામના જુવાનજોધ યુવકનું મોત થતાં તેના પિતા અને સમગ્ર પરિવારના માથે દુઃખનું આભ તૂટી પડ્યું હતું.
ગળકાછ ગામના વતની અને મોસાલી ચાર રસ્તા ખાતે ચા નાસ્તાની દુકાન ચલાવતા શાંતુભાઇ વિશ્રામભાઇ વસાવાને સંતાનમાં ચાર દીકરી અને સૌથી નાનો એક દીકરો આશિષ છે. જે સાંજના સમયે તેના પારિવારિક મિત્ર વિશાલ મુકેશ વસાવા સાથે બાઈક પર ગળકાછ ગામથી નીકળી મોસાલી ચાર રસ્તા ખાતે ગયા હતા.
અને ત્યાંથી ચા-નાસ્તો કરી ફરી તેઓ ગળકાછ ગામે બાઇક પર બંને મિત્રો જવા માટે નીકળ્યા હતા. ત્યારે ગળકાછ ગામ પાસેના ટર્નિંગ નજીક સામેથી એક બાઈકચાલક રોંગ સાઈડ પર ગફલતભરી રીતે પૂરપાટ ઝડપે આવતાં બંને બાઈક સામસામે ભટકાઈ હતી, જેમાં બાઈક પર પાછળ બેઠેલા આશિષને માથામાં ગંભીર ઇજા થતાં તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.
બાઈક ચલાવનાર વિશાલ મુકેશ વસાવાને ગંભીર ઇજાઓ થઈ હતી તેમજ બીજા બાઈકચાલક હીરા દલસુખ વસાવા (ઉં.વ.42)ને પણ ગંભીર ઇજા થતાં તેનું મોત થયું હતું. રસ્તેથી પસાર થતા વાહનચાલકોએ મદદે આવી 108ને બોલાવી બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમજ માંગરોળ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. મરણ જનાર હીરા વસાવા માંગરોળના વકીલપરા ગામનો વતની છે અને હાલ તે વાલિયાના ભરાડિયા ગામે સાસરીમાં રહેતો હતો. મરણ જનાર યુવક આશિષના પિતા શાંતુભાઇ વસાવાએ માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.