પલસાણા: સુરત (Surat) જિલ્લાની કડોદરા (Kadodra) પોલીસે બાતમી આધારે વધુ એક કુટણખાનું ઝડપી પાડ્યું હતું. થોડા દિવસ અગાઉ પણ એક કૂટણખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. દેહવિક્રય (Prostitution) માટે બહારથી લલનાઓને બોલાવી ગ્રાહક દીઠ 1000 રૂ. લઈ આ વ્યાપાર ચલાવવામાં આવી રહ્યો હતો. પોલીસે (police) ઘટના સ્થળેથી એક ગ્રાહક સહિત ત્રણ વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. જ્યારે રૂમ ભાડે આપનાર માલિક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વોન્ટેડ જાહેર કરી કુલ રૂ.13,400નો મુદ્દામાલ કબજે કર્યો છે.
- પોલીસે ડમી ગ્રાહક મોકલી રેડ પાડતાં ગ્રાહક સહિત ત્રણ ઝડપાયા
- કૂટણખાનું ચલાવનાર ગ્રાહક દીઠ 1000 વસૂલતો હતો
- ગ્રાહક દીઠ યુવતીઓને રૂ.300 સાંજે હિસાબ અપાતો હતો
પલસાણા તાલુકાનું ઔદ્યોગિક હબ ગણાતા કડોદરા પંથકમાં દેહવિક્રયનો વ્યાપાર એ કંઈ નવી વાત નથી. થોડા દિવસ અગાઉ જ તાતીથૈયા વિસ્તારમાં ભગવાન નામના શખ્સના કૂટણખાના ઉપર રેડ કરી ગ્રાહકને ઝડપી પાડ્યો હતો. અગાઉ પણ આ વિસ્તારમાં સ્થાનિક પોલીસ રેડ કરી દેહવિક્રિયના ધંધાનો પર્દાફાશ કરી ચૂકી છે. ગત રવિવારે કડોદરા પોલીસની ટીમે બાતમી આધારે કડોદરા ખાતે આવેલા શ્યામ આર્કેડ કોમ્પ્લેક્સમાં બીજા માળે દુકાન નં.220માં રેડ કરી હતી.
એ દરમિયાન પોલીસે અહીં અન્ય રાજ્યમાંથી આવેલી બે યુવતીને દેહવિક્રયના વ્યવસાયમાંથી છોડાવી હતી પોલીસે રેડ દરમિયાન ગ્રાહક એવા જીવણ મધુ સોરઠિયા (રહે., પૂણા, માતૃશક્તિ સોસાયટી, સુરત શહેર, મૂળ રહે., સેવણા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી) તેમજ આ દેહવિક્ર્યનો વ્યવસાય ચલાવનાર સૈદુલ હસીમ રૂસ્ટમ શેખ (રહે., કડોદરા સરગમ સોસાયટી, તા.પલસાણા, મૂળ રહે., ગાટબાઉ, જિ.ઉત્તર ચોવીસ, પશ્ચિમ બંગાળ) તેમજ ધર્મેશકુમાર ગણપત ચૌધરી (રહે., વરેલી, દત્તકૃપા સોસાયટી, તળાવની બાજુમાં, તા.પલસાણા, મૂળ રહે., યુપી)ને ઝડપી પાડ્યા હતા.
કૂટણખાનું ચલાવનાર ગ્રાહક દીઠ રૂ.1000 વસૂલતો હતો અને ગ્રાહક દીઠ રૂ.300 યુવતીઓને સાંજે હિસાબ કરી આપતો હતો. આમ, સૈદુલ સહિત તેમના માણસો પોતાના અંગત સ્વાર્થ માટે રૂપિયા કમાવવા કુટણખાનું ચલાવતો હોવાનું ખૂલ્યું હતું. કડોદરા પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી કુલ રૂ.13,400નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હોટલ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
કડોદરા ખાતે આવેલા શ્યામ આર્કેડ કોમ્પ્લેક્સમાં આવેલી એક હોટલના રૂમમાંથી કૂટણખાનું ઝડપાયું છે. આ ઘટનામાં કોમ્પ્લેક્સમાં રુદ્રજ્યોત હોટલ ચલાવનાર યોગેશ વશરામ પટેલ (રહે., રત્નસાગર સોસાયટી, કાપોદરા, એસ.એમ.સી. પાર્ટી પ્લોટની બાજુમાં, વરાછા રોડ, સુરત શહેર)એ રૂમ ભાડે રાખનાર ગ્રાહકોના આધાર પુરાવા ન રાખી રૂમ ભાડે આપી કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં કડોદરા પોલીસે યોગેશ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.