બારડોલી: સુરતના (Surat) બારડોલીના (Bardoli) વઢવાણિયા ગામે જમીન માલિકે દલાલો (Brokers) સાથે મળી ત્રણ વીઘાં જેટલી જમીન ચાર વખત બોગસ દસ્તાવેજ કરી વેચી દેતાં જમીનમાલિક અને દલાલો સહિત કુલ 17 જણા વિરુદ્ધ બારડોલી ગ્રામ્ય પોલીસમથકમાં (Police Station) ગુનો નોંધાયો છે. કોર્ટમાં કરેલી અરજીના આધારે બારડોલી કોર્ટના હુકમ બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના વઢવાણિયા ગામે મૂળ માલિક રણછોડભાઈ નારણભાઈ માહ્યાવંશી અને છગનભાઈ નારણભાઈ માહ્યાવંશીના નામે સરવે નં.117, 118, 119, 116 પૈકીનો બ્લોક નંબર 180થી નોંધાયેલી બિન ખેતી પ્રીમિયમ પાત્ર અંદાજિત ત્રણ વીઘાં જમીન ચાલી આવી હતી. આ જમીન સુરતના ખજોદ ખાતે રહેતા જાગૃતિ મિતેશ પટેલે વર્ષ-2011માં 22.11 લાખે વેચાણથી રાખી હતી. 28મી મે-2011ના રોજ રણછોડ માહ્યાવંશી અને છગન માહ્યાવંશી સોદા ચિઠ્ઠી વખતે હાજર ન હોય તેમના વતી રણછોડભાઈની પત્ની દક્ષાબેને સહી કરી જમીન વેચાણ અંગે 1.11 લાખ રૂપિયા સ્વીકારી હતી. ત્યારબાદ 12 લાખ રૂપિયા રોકડા આપી બાકીની રકમ 9 લાખ રૂપિયા શરતોને આધીન ચૂકવણી કરવાનું નક્કી થયા બાદ સાટાખત બનાવી તેની નોંધણી કરવામાં આવી હતી.
બંને જમીન માલિકોએ દલાલ બાલુ ડાહ્યા રાઠોડ (રહે.,વઢવાણિયા) અને પ્રવીણ જી. સોલંકી (રહે., મરોલી, તા.જલાલપોર, જિ.નવસારી) સાથે મળી જાગૃતિને જમીન વેચાણ દસ્તાવેજ બનાવી આપવાનો ભરોસો આપ્યો હતો. અમે તા.18/7/2013ના રોજ બારડોલીના વ્હોરવાડમાં રહેતા સોહેલ કમરુદ્દીન શેખે રકમ ચૂકવણી અંગેનો કરાર સહી કરાવી નોંધણી કરાવી હતી. ત્યારબાદ જમીન માલિકો અને બંને દલાલોએ મહાત્મા શેખર શિવદાસ (રહે., મહાત્માવાડી, સલાબતપુરા, સુરત)ના નામે વેચાણ દસ્તાવેજ કરાવી આપ્યો હતો, જેમાં સાક્ષી તરીકે નિતેશ નટવર દેસાઇ (રહે., કારેલી, તા.પલસાણા, જિ.સુરત) અને અન્સારી અજીજ રહેમાન (રહે., સુરતી ઝાંપા, બારડોલી)એ સહી કરી હતી. બાદ બીજો વેચાણ દસ્તાવેજ ફારૂક ઉસ્માન મેમણ (રહે.,આશિયાનાનગર, બારડોલી)ને કરી આપ્યો હતો. જે તા.25/9/2013ના રોજ બારડોલી સબ રજિસ્ટ્રારમાં નોંધ કરાવી તેમાં કમલેશ હસમુખલાલ પારેખ (રહે., પારસીવાડ, બારડોલી) અને જિગ્નેશ જમનાદાસ ટેલર (રહે., ગાયત્રી ચેમ્બર્સ, બારડોલી)એ સાક્ષી તરીકે સહી કરી હતી.
આ બોગસ દસ્તાવેજ કર્યા બાદ ફરી એક વખત કડોદના તરવેરા બજારમાં રહેતા યાકુબ નૂરમહમદ બાંગીના નામનો ત્રીજો બોગસ દસ્તાવેજ કરી તા.4/3/2014ના રોજ બારડોલી સબ રજિસ્ટ્રારમાં નોંધણી કરાવી હતી, જેમાં આશીફ નૂરમહમદ મેમણ (રહે., તરવેરા બજાર, કડોદ) અને કમલેશ હસમુખ પારેખે સાક્ષી તરીકે સહી કરી હતી. ત્રણવાર બોગસ દસ્તાવેજ કર્યા હોવા છતાં આ ટોળકીએ ફરી એક વખત રમેશભાઈ જીવણભાઈ પટેલ (રહે., હરિપુરા, તા.બારડોલી)ના નામે વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. જેમાં નીલ રમેશભાઈ પટેલ (રહે., હરિપુરા) અને રાહુલ સુરેન્દ્રસિંહ ધરિયા (રહે., હરિપુરા)એ સાક્ષી તરીકે સહી કરી હતી.
આમ એક જ જમીનના ચાર અલગ અલગ જણાના નામે બોગસ વેચાણ દસ્તાવેજ કરી પ્રથમ ખરીદનાર સાથે છેતરપિંડી કરી હતી. આ અંગે જે તે સમયે બારડોલી પોલીસમથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ ગુનો નહીં નોંધાતાં અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. અદાલતે એફઆઇઆર નોંધી આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ આપતાં બારડોલી ગ્રામ્ય પોલીસે 17 આરોપી સામે ગુનો નોંધ્યો છે.
ફરિયાદી જાગૃતિબેનના કાયદેસરના સાટાખત લખાણ અને અવેજની પૂરેપૂરી રકમ મેળવવા છતાં સોહેલ કમરુદ્દીન શેખે જાગૃતિબેન તેમજ તેમની બહેન ગીતાબેન શાંતિલાલ પટેલને લોભ લાલચ આપી 2014માં કુલ 7.89 લાખ રૂપિયા વધારાના પડાવ્યા હતા. જમીનના કુલ 22.11 લાખ તેમજ ગીતાબેન પાસેથી લીધેલા 7.89 લાખ મળી કુલ 30 લાખ રૂપિયા ચૂકવવા છતાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. બાદ રૂપિયાની પરત માંગણી કરતાં સોહેલે 30 લાખ રૂપિયાનો ચેક લખી આપ્યો હતો. જે ચેક પરત થયો હતો. જે અંગે સોહેલનો સંપર્ક કરતાં તેણે ગાળો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે બારડોલી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓનાં નામ
રણછોડભાઈ નારણભાઈ માહ્યાવંશી, છગનભાઈ નારણભાઈ માહ્યાવંશી, બાલુભાઈ ડાહ્યાભાઈ રાઠોડ, પ્રવીણભાઈ જી. સોલંકી, મહાત્મા શેખર શિવદાસભાઈ, નિતેશ નટવર દેસાઇ, અન્સારી અજીજ રહેમાન, ફારૂક ઉસ્માન મેમણ, કમલેશ હસમુખ પારેખ, જિગ્નેશ જમનાદાસ ટેલર, યાકુબ નૂરમહમદ બાંગી, આશીફ નૂરમહમદ મેમણ, કમલેશ હસમુખભાઈ પારેખ, રમેશભાઈ જીવણભાઈ પટેલ, નીલ રમેશ પટેલ, રાહુલ સુરેન્દ્રસિંહ ધરિયા, સોહેલ કમરુદ્દીન શેખ