સુરતઃ (Surat) શહેરના મહિધરપુરા ખાતે આવેલા હીરા બજારમાં (Diamond Market) છેલ્લા ત્રણેક દિવસથી સતત પોલીસ અને વેપારી તથા દલાલોની વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. આજે પણ કેટલીક ઓફિસો ખૂલતાં હીરા દલાલ અને વેપારીઓના (Brokers and traders) ટોળા જોવા મળતા મહિધરપુરા પોલીસે 13 જણાની સામે ગુનો દાખલ કર્યો હતો.
કોરોનાની મહામારી ઉપર કાબુ મેળવવા રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. ગઈકાલથી કર્ફ્યૂની તારીખ 12 મે સુધી લંબાવવામાં આવી છે. સાથે જ 29 ને બદલે 36 શહેરોમાં લાગુ કરવામાં આવ્યું છે. મહિધરપુરા પોલીસની હદમાં આવેલા હીરા બજારમાં સતત હીરા બજારના વેપારી અને દલાલોની સાથે પોલીસનું ઘર્ષણ જોવા મળી રહ્યું છે. છેલ્લા બે દદિવસથી પોલીસ દ્વારા ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. આજે પણ મહિધરપુરા હીરા બજારમાં વેપારીઓ દલાલોની ચહેલ પહેલને પગલે સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હતી. મહિધરપુરા પોલીસે આજે સવારે હીરા બજારમાં અનેક લોકો સામે અટકાયતી પગલા લીધા હતા. ત્યારબાદ પોલીસે કલમ 188 મુજબના 13 ગુના દાખલ કર્યા હતા. આ સિવાય ઘણાની સામે દંડ વસૂલી છોડવામાં આવ્યા હતાં.
કાપડ માર્કેટમાં અસમંજસની સ્થિતિ
શહેરમાં કોરોના વકરતા રાજ્ય સરકાર દ્વારા મીની લોકડાઉન 12 તારીખ સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે ત્યારે જથ્થાબંધ કાપડના કેટલાક વેપારીઓ માર્કેટ ખૂલે તેવું ઇચ્છે છે જ્યારે કેટલાક વેપારીઓનું કહેવું છે કે અન્ય રાજ્યોમાં પણ લોકડાઉન હોવાથી દુકાનો શરૂ કરવાનો કોઇ મતલબ નથી. તેથી રિસ્ક લેવાનો કોઇ મતલબ નથી અને તેઓ દુકાન બંધ રાખવા માંગે છે. ફોસ્ટા 12મી મે સુધી માર્કેટ બંધ રાખવાના પક્ષમાં છે, તો કાપડ વેપારીઓના અન્ય સંગઠનો તથા ચેમ્બર ઓફ કોમર્સ ઓડ ઈવન સિસ્ટમથી માર્કેટ ખોલવાના પક્ષમાં છે. જે અંગે બંને સંગઠનો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પોલીસ કમિશનરે કોઇ નિર્ણય લીધો નહતો.
કાપડ માર્કેટમાં અલગ-અલગ વેપારી સંસ્થાઓના મત અલગ-અલગ છે. સુરત મર્કેન્ટાઇલ એસોસિયેશનના સભ્યો કાપડ માર્કેટ શરૂ થાય તેવું ઇચ્છે અને તેમણે ચેમ્બરમાં આ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે માંગણી પર કરી હતી. જેને ધ્યાને રાખી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટેક્સટાઇલ તમામ ફિરકાઓના આગેવાનોને ભેગા કરી ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. જેની આજે મીટિંગ મળી હતી અને ફોસ્ટા સિવાયના તમામ સંગઠનો દ્વારા માર્કેટ સવારે 10થી 4 વાગે શરૂ કરવામાં આવે તેવો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેના આધારે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયા અને અન્ય પદાઘિકારીઓએ પોલીસ કમિશનરને ઓડ ઇવન પદ્ધતિ થી સવારે 10થી સાંજે 4 વાગે સુધી માર્કેટ શરૂ કરવા માટેની પરવાનગી માટે રજૂઆત કરી હતી. જોકે બીજી બાજુ ફોસ્ટાના પદાધિકારીઓ માર્કેટમાં 12 તારીખ સુધી બંધ દરમિયાન બેંકિંગ કામકાજ અને ઓર્ડરના પાર્સલો રવાના કરવામા માટે અમુક કલાકની જ છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી હતી. જોકે પોલીસ કમિશનર તરફથી આ અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નહતા.. આ દરમિયાન સુરત મર્કન્ટાઇલ એસોસિયેશન દ્વારા માર્કેટોમાં સવારે 10થી 4 વાગે સુધી માર્કેટ ખોલવા અંગેની રજૂઆતના મેસેજ વાયરલ થયા હતા. જેને લીઘે વેપારીઓ પણ અવઢવમાં મુકાયા હતા.
ફોસ્ટા અને ચેમ્બરના પદાધિકારીઓ વચ્ચે રકઝક
બુધવારે સાંજે ચાર વાગે જ્યારે ચેમ્બર અને ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સના સદસ્યો પોલીસ કમિશનરને રજૂઆત કરવા ગયા હતાં, ત્યાં ફોસ્ટાના પદાધિકારીઓ પહેલાથી જ હાજર હતા અને તેમણે અમુક કલાક માટે જ બેંકિંગ કામ તેમજ પાર્સલ રવાના કરવા માટે માર્કેટ ખોલવાનો સમય માંગ્યો હતો. જ્યારે ચેમ્બર દ્વારા માર્કેટો 10થી 4 વાગે ખોલવા માટેની રજૂઆત અંગે જણાવવામાં આવતા ચેમ્બરના પદાધિકારીઓ અને ફોસ્ટાના પદાધિકારીઓ વચ્ચે રકઝક પણ થઇ હતી. ફોસ્ટાના રંગનાથ શારડાએ કહ્યુ કે વેપારીઓની સંસ્થા ફોસ્ટા છે, માર્કેટ બંધ રહેશે કે ચાલુ રહેશે તે ફોસ્ટા નક્કી કરશે. જોકે ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે રકઝક થઇ હોવાનું ઇન્કાર કર્યુ હતું.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કુમાર (કાનાણી) તથા ધારાસભ્યો હર્ષ સંઘવી, વી.ડી. ઝાલાવાડીયા, કાંતિ બલર અને પ્રવિણ ઘોઘારી તેમજ વિનુ લીંગાડાને ટેકસટાઇલ માર્કેટની હાલમાં જે પરિસ્થિતિ છે તેનાથી તથા ચેમ્બરની ટેકસટાઇલ ટાસ્ક ફોર્સ દ્વારા ઓડ ઇવન પધ્ધતિ થી સવારે 10 થી સાંજે 4 વાગે સુધી માર્કેટની દુકાનો ખોલવા અંગેના લેવાયેલા નિર્ણય અંગે વાકેફ કરવામાં આવ્યા હતાં. ચેમ્બર દ્વારા સમગ્ર પરિસ્થિતિ અંગે સરકારને રજૂઆત કરી યોગ્ય નિર્ણય લેવા માટે વિનંતી કરવામાં આવી હતી.