Charchapatra

બ્રીટીશ ન્યાયાધીશો યાદ આવે છે

પહેલાં જજો પણ ભરોસો રહેતો, પરંતુ છેલ્લા દસેક વર્ષથી જજો પણ ‘માણસ’ જ બની ગયા છે, કોમવાદ, જ્ઞાતિવાદ, ભ્રષ્ટાચારની માયાજાળમાં એ પણ સપડાયા છે, વળી નિયમ એવા છે કે તેમણે મિલકતોના ના રીટર્નો ભરવા કે કેમ તે અંગે હજી ગૂંચવાડો પ્રવર્તે છે! ન્યાયતંત્રની વાત આવે એટલે આપણાં ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ મુનશી યાદ આવે. મુનશી મુંબઈ હાઈકોર્ટમાં પ્રેક્ટીસ કરે. એક કેસ એવો આવ્યો જેમાં પુરાણી ‘અનુલોમ’ પ્રથા હેઠળના લગ્નનો કિસ્સો હતો. મહિલા એવું કહેતી હતી કે મારા લગ્ન આની સાથે થયા જ નથી. હાઈકોર્ટમાં કેસ ચાલ્યો, કાજીજી નામના હિન્દી જજ હતા. ચૂકાદો જજે કોર્ટમાં સંભળાવવાની શરૂઆત કરી.

મુન્શીને પ્રથમથી જ શંકા હતી કે આ જજ પોતાની મહિલા અસીલ વિરૂધ્ધ ચુકાદો આપશે. તેથી જેમ જેમ મૌખિક ચુકાદો અપાતો ગયો એમ એમ મુન્શીએ ચુકાદાના અમુક અંશો એક કાગળ પર ઉતારતા ગયા. ચૂકાદો પુરો થયો એટલે જજે મુન્શીને કહ્યું ‘‘તમારી અસીલને રીસેસ પુરી થાય એટલે અહીં હાજર કરો, તેને તેના ધણીને સોંપી દેવાની છે.’’ ચૂકાદાની નકલ મળતા તો દિવસો નીકળી જાય. એટલે મુન્શી આ કાગળ લઈ પહોંચ્યા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી મેકલીયડ પાસે, કહે ‘‘સાહેબ, જ્યારે લગ્ન થયાની વાતને જ મારી અસીલ પડકારતી હોય તો તેનો કબ્જો તેના કહેવાતા ધણીને કેવી રીતે અપાય?

ચીફ જસ્ટીસે કેસની વિગતો બરાબર સાંભળી અને પેલો કાગળ મુન્શી પાસેથી લઈ તેના પર ‘‘અપીલ  દાખલ કરવામાં આવે છે’’ એવું લખી કલાર્કને બોલાવી એ કાગળ અપીલ તરીકે દાખલ કરી જસ્ટીસ કાજીજીના ચુકાદા સામે ‘સ્ટે ઓર્ડર’ ટાઈપ કરી લાવવા હુકમ કર્યો. રીસેસ પુરી થઈ, જસ્ટીસ કાજીજી મુન્શીને પૂછે છે ‘‘ તમારી અસીલને હાજર કરો માહિતેનો કબ્જો તેના ધણીને સોંપવાનો છે.’’ મુનશી જજ પાસે ગયા અને ‘‘સ્ટે ઓર્ડર’’ બતાવ્યો. જસ્ટીસ કાજીજી ભોંઠા પડી ગયા. આ વાત 1930ની છે.
સુરત     – ભરતભાઈ પંડયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top