World

14 વર્ષ બાદ બ્રિટનમાં સત્તા પરિવર્તન: ઋષિ સુનકની હાર, લેબર પાર્ટીના કીર સ્ટાર્મર બન્યા 58માં વડાપ્રધાન

બ્રિટનમાં (Britain) આજે સામાન્ય ચૂંટણીના (Election) પરિણામો આવ્યા છે જેમાં વિપક્ષી લેબર પાર્ટીએ 650 બેઠકો ધરાવતી બ્રિટિશ સંસદ (હાઉસ ઓફ કોમન્સ)માં 410 બેઠકો સાથે જંગી જીત નોંધાવી છે. વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે બ્રિટનની રાજનીતિમાં મોટો બદલાવ આવ્યો છે. કીર સ્ટાર્મર હવે બ્રિટનના 58માં વડાપ્રધાન બનશે. તેમનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે સુનકથી વિરુદ્ધ છે. સુનકે એક ભારતીય તરીકે પોતાને ધાર્મિક ગણાવ્યા છે, જ્યારે એક સમયે વેશ્યાલયની છત પર ભણેલા લેબર પાર્ટીના કીર સ્ટાર્મર ભગવાનમાં માનતા જ નથી. સુનકે આ હાર બાદ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.

બ્રિટનના લોકો 14 વર્ષ પછી કીર સ્ટાર્મરને નવા વડાપ્રધાન તરીકે જોશે. તે જ સમયે કન્ઝર્વેટિવ વડા પ્રધાન ઋષિ સુનકનો 18 મહિનાનો કાર્યકાળ હવે સમાપ્ત થઈ ગયો છે. યુકેની ચૂંટણીના પરિણામો દરમિયાન ઋષિ સુનકે હારની જવાબદારી લીધી હતી. તેમણે કહ્યું કે હું આ હારની જવાબદારી લઉં છું અને કિઅર સ્ટારમરને જીત માટે અભિનંદન આપું છું.

લેબર પાર્ટીએ 1997ની ઐતિહાસિક જીતનું પુનરાવર્તન કર્યું હતુ. 1997માં લેબર પાર્ટીને અત્યાર સુધીની સૌથી મોટી જીત મળી હતી. તે સમયે પાર્ટીના નેતા ટોની બ્લેર હતા. તે સમયે પાર્ટીએ 419 બેઠકો જીતી હતી જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટી 165 બેઠકો સુધી મર્યાદિત હતી. હવે 2024માં પાર્ટીની આ જંગી જીત બાદ કીર સ્ટાર્મર મીડિયાને સંબોધતા કહ્યું કે અમે આ કરી બતાવ્યું છે. આ તે છે જેના માટે તમે પ્રચાર કર્યો, આ તે છે જેના માટે તમે લડ્યા. તમે આને મત આપ્યો અને હવે તેના પરિણામો બધાની સામે છે. પરિવર્તનની લહેર હવે શરૂ થઈ છે. સાચું કહું તો આ એક બદલાયેલી લેબર પાર્ટી છે, જે દેશની સેવા કરવા તૈયાર છે.

આજે સત્તા બદલાશે- ઋષિ સુનક
ઋષિ સુનકે કહ્યું કે આજે સદ્ભાવનાથી, શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સત્તા પરિવર્તન થશે. સુનકે કહ્યું કે આ જ એક એવી વસ્તુ છે જેના દ્વારા આપણા દેશને સ્થિરતા અને ભવિષ્યમાં આપણને બધાને વિશ્વાસ મળવો જોઈએ. તમને જણાવી દઈએ કે બ્રિટનમાં લગભગ 14 વર્ષ સુધી કન્ઝર્વેટિવ પાર્ટી સત્તા પર હતી. જો કે હવે લેબર પાર્ટીને મોટી જીત મળી છે.

કીર સ્ટાર્મર કોણ છે?
કીર સ્ટાર્મર 61 વર્ષીય લેબર પાર્ટીના નેતા છે. તેમનો જન્મ 2 સપ્ટેમ્બર 1962ના રોજ ઓક્સ્ટેડ, સરેમાં એક મજૂર-વર્ગના પરિવારમાં થયો હતો. તેની માતા એક નર્સ હતી જે સંધિવાથી પીડાતી હતી. સ્ટાર્મરના પિતા ટૂલ મેકર તરીકે કામ કરતા હતા. કીર સ્ટાર્મરે રીગેટ ગ્રામર સ્કૂલમાં અભ્યાસ કર્યો. તેઓ તેમના પરિવારમાંથી યુનિવર્સિટીમાં જનારા પ્રથમ વ્યક્તિ હતા.

રાજકારણમાં પ્રવેશતા પહેલા વકીલાત
રાજકારણમાં પ્રવેશતા પહેલા કીર સ્ટાર્મર વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હતા. તેઓ બ્રિટનમાં માનવાધિકારના જાણીતા વકીલ હતા. તેમણે લીડ્ઝ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો. મળતી માહિતી મુજબ કીર સ્ટાર્મરે વર્ષ 1987માં બેરિસ્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

સ્ટારમરનું વચન શું છે?
ભૂતપૂર્વ વકીલ કીર સ્ટાર્મરે 2015 માં સંસદમાં પ્રવેશ કર્યો અને 2020 માં લેબર પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું. તેમના નેતૃત્વમાં જ લેબર પાર્ટી સત્તા મેળવવામાં સફળ રહી છે. યુકેમાં લેબર પાર્ટી 14 વર્ષ બાદ સત્તામાં પરત ફરી છે. સ્ટારમરે રાજકોષીય જવાબદારી જાળવી રાખીને જાહેર સેવાઓ પુનઃસ્થાપિત કરવાની હિમાયત કરી છે.

Most Popular

To Top