Editorial

બ્રિટન આર્થિક અને રાજકીય વમળોમાંથી પસાર થઇ રહ્યું છે

એક સમયે વિશ્વના ઘણા મોટા ભાગ પર રાજ કરનાર અને આજે પણ જેની ગણના વિશ્વની મહાસત્તાઓમાં થાય છે તે બ્રિટનની હાલત આજકાલ ઘણી ખરાબ છે. આમ પણ કોરોનાના રોગચાળામાં આ દેશને સખત માર પડ્યો છે અને આ રોગચાળો હજી તો માંડ ઠંડો પડ્યો હતો અને યુક્રેન યુદ્ધ આવી પડ્યું. આ યુદ્ધને કારણે યુરોપના દેશોમાં જે સખત મોંઘવારી શરૂ થઇ તેની અસર યુરોપિયન યુનિયનમાંથી નિકળી ગયેલા બ્રિટનને પણ ઘણી થઇ. આ મુશ્કેલીઓ હજી તો ઘેરી બની રહી હતી ત્યાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જહોન્સને કોરોનાકાળમાં નિયમભંગ કરીને તેમણે યોજેલી પાર્ટી બદલ રાજીનામુ આપવું પડ્યું. મહિનાઓની કવાયત પછી લિઝ ટ્રસ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા.

લિઝ ટ્રસ વડાપ્રધાન બન્યાને હજી તો માંડ બેક દિવસ થયા હતા અને મહારાણી એલિઝાબેથ ગુજરી ગયા. તેમનો શોક પુરો થયો અને બ્રિટિશ સંસદનું સત્ર મળ્યું તેમાં લિઝ ટ્રસના નાણા મંત્રી ક્વાઝી ક્વારતેન્ગે ઉત્સાહભેર પોતાનું આગવું મિનિ બજેટ રજૂ કર્યું. બ્રિટનને ઝડપથી દોડતું કરી દેવાના પ્રયાસમાં તેમણે વ્યક્તિગત અને કોર્પોરેટ વેરાઓમાં મોટો કાપ મૂક્યો અને બ્રિટનમાં એક નવી મુસીબતના મંડાણ થયા. ક્વારતેન્ગનો અંદાજ એવો હતો કે પોતે વેરાઓમાં કાપ મૂકશે તેથી લોકો પરનો અને ધંધાઓ પરનો બોજ ઘટશે અને બજારમાં નવા ઉત્સાહનો સંચાર થશે.

ખરીદ-વેચાણ વધશે અને અર્થતંત્રમાં નવું જોમ આવશે. પણ ખોરવાયેલી સપ્લાય ચેઇન, યુદ્ધના કારણે મોંઘી બનેલી આયાતો વગેરે પરિબળોનો કદાચ તેમણે વિચાર કર્યો જ નહીં અને આ વેરા કાપ મૂકાયા પછી થોડા જ સમયમાં બ્રિટનના બજારમાં એવા વમળો સર્જાયા કે લિઝ ટ્રસે પોતાના ખાસ મિત્ર એવા ક્વારતેન્ગને નાણા મંત્રીપદેથી દૂર કરવા પડ્યા. માત્ર ૩૮ દિવસ નાણા મંત્રી પદે રહીને ક્વારતેન્ગે આ હોદ્દો છોડવો પડ્યો. લિઝ ટ્રસે જેરેમી હન્ટને નવા નાણા મંત્રી બનાવ્યા અને આ હન્ટ સાહેબે આવતાની સાથે ક્વારતેન્ગે મૂકેલા વેરા કાપના પગલા પાછા ખેંચ્યા. લિઝ સરકારે ખરેખર તો નાકલીટી તાણીને આ યુ-ટર્ન લેવો પડ્યો એમ કહેવાય અને તે સાથે જ શાસક કન્ઝર્વેટિવ પક્ષમાંથી લિઝ ટ્રસના રાજીનામાની માગણી પણ ઉઠવા માંડી.

બ્રિટનના નવા ચાન્સેલર ઓફ એક્સચેકર(નાણા મંત્રી) જેરેમી હન઼્ટે વડાપ્રધાન લિઝ ટ્રસ દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલા વેરા કાપના લગભગ તમામ પગલાઓ ઉલટાવ્યા. આ પગલાં ગયા મહિનાના મીની બજેટમાં જાહેર કરવામાં આવ્યા હતા. એક તાકીદના નાણાકીય નિવેદનમાં તેમણે ખર્ચાળ ઉર્જા બિલ સપોર્ટને પાછો ખેંચવાની પણ જાહેરાત કરી. દેખીતી રીતે આ એક મોટો યુ-ટર્ન હતો અને વેરા કાપની રાહતના મૂડમાં આવેલી પ્રજાને નારાજ કરી મૂકે તેવું આ પગલું હતું પરંતુ હાલના સંજોગોમાં આમ કર્યા વિના લિઝ ટ્રસ અને તેમના નવા નાણા મંત્રીનો છૂટકો ન હતો.

દિલ્હીથી દોલતાબાદ અને દોલતાબાદથી દિલ્હી જેવા આ પગલાઓએ લિઝ ટ્રસને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દીધા અને તેમના પક્ષમાંથી જ તેમની ટીકાઓ થવા માંડી. વડાપ્રધાન બન્યાના માંડ થોડા સપ્તાહોમાં તેમના રાજીનામાની માગણી તેમના પક્ષમાંથી ઉઠવા માંડી. ચહેરો લાલ બતાવવા માટે લિઝ ટ્રસની સરકારે ખુલાસા કરવા પડ્યા. હંટનું ઇમરજન્સી નાણાકીય નિવેદન બજારોને દેશની નાણાકીય સ્થિરતા બાબતે ખાતરી આપવા માટેનું હતું અને તેમના પુરોગામી ક્વાઝી ક્વારતેન્ગે ગયા મહિને રજૂ કરેલા મિનિ બજેટથી સર્જાયેલા આંચકાઓને શાંત પાડવાનો એક પ્રયાસ હતો પણ પ્રજામાં ખાસ્સી નારાજગી નોતરી શકે તેવું આ પગલું હતું.

હંટે કહ્યું કે આવકવેરામાં કાપ યુકેની નાણાકીય સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી અચોક્કસ મુદ્દત સુધી મુલ્તવી રહેશે. તેમના પુરોગામીએ જાહેરાત કરી હતી તે મુજબ એપ્રિલ ૨૦૨૩થી આ વેરા કાપ હવે અમલમાં મૂકાશે નહીં. હવે સરકારની એનર્જી પ્રાઇસ ગેરન્ટી આવતા વર્ષના એપ્રિલ સુધી જ અમલમાં રહેશે અને નહીં કે તેની મૂળ યોજના મુજબ બે વર્ષ સુધી. ક્વારતેન્ગે મૂકેલા કથિત વિકાસ આયોજનના લગભગ તમામ પગલાઓ પાછા ખેંચવાની જેરેમી હન્ટે જાહેરાત કરી હતી, જે વિકાસ આયોજનના પગલાઓને હજી સંસદની મંજૂરી મળી ન હતી તેથી તે આમ પણ કાયદાકીય સ્વરૂપ ધારણ કરી શક્યા ન હતા. ક્વારતેન્ગના મિનિ બજેટની દરખાસ્તોને કાનૂની સ્વરૂપ મળે તે પહેલા જ તે પાછી ખેંચી લેવી પડી અને આવો અને આટલો ઝડપી યુ-ટર્ન દુનિયાના અન્ય કોઇ દેશમાં આર્થિક ક્ષેત્રે ભાગ્યે જ લેવાયો હશે.

આર્થિક ક્ષેત્રે જે ઉઠાપટક લિઝ ટ્રસની સરકારના નિર્ણયોને કારણે થઇ છે તેના કારણે બ્રિટનના આ ત્રીજા મહિલા વડાપ્રધાન પોતે પણ મોટા સંકટમાં આવી ગયા. તેમના પક્ષમાંથી અનેક સાંસદોએ તેમના રાજીનામાની માગણી કરવા માંડી અને નવા વડાપ્રધાન તરીકે ઋષિ સુનાક સહિતના અન્ય નામોની ચર્ચા થવા માંડી. આટલા ટૂંકા સમયમાં કોઇ વડાપ્રધાન આટલા બધા અળખામણા થઇ જાય અને તે પણ પોતાના પક્ષના જ સાંસદોના એક મોટા વર્ગમાં, તે બ્રિટનમાં કદાચ અભૂતપૂર્વ પ્રકારની ઘટના છે. લિઝ ટ્રસની સરકારે વેરાકાપ મૂક્યો અને પાછો ખેંચ્યો અને અધૂરામાં પુરું એનર્જી બિલ સપોર્ટની યોજના પણ ટૂંકાવી. અને આ ઓછું હોય તેમ જેરેમી હન્ટે બીજા પણ કડક પગલા ચાલુ જ રાખ્યા. બ્રિટનમાં હવે પેન્શનમાં દસ ટકાનો જે વધારો થવાનો હતો તે પણ મુલતવી રાખવાની વાત આવી. લાગે છે કે આગામી દિવસો બ્રિટનમાં સરકાર સામે મોટા પ્રજાકીય જુવાળના હોઇ શકે.

Most Popular

To Top