World

બ્રિટનમાં અચાનક ખોટકાયું એરસ્પેસ, વિમાનોની અવરજવર બંધ, યાત્રીઓ અટવાયાં

બ્રિટન: બ્રિટનથી (Britain) ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બ્રિટને તેનો હવાઈ ટ્રાફિક બંધ કરી દીધો છે. એરસ્પેસ (Airspace) બંધ કરવાનું કારણ ટેક્નિકલ ખામી (technical issue) હોવાનું માનવામાં આવે છે. જેના કારણે સમગ્ર યુકેમાં એર ટ્રાફિક કંટ્રોલર્સને ટેકનિકલ ખામીઓનો સામનો કરવો પડ્યો છે. એક એરલાઈને (airline) ‘નેટવર્ક-વ્યાપી નિષ્ફળતા’ની જાણ કરી છે. બીજી તરફ એક અહેવાલ મુજબ યુકેની બહાર ઉડતી એરલાઇન્સના મુસાફરોને કહેવામાં આવ્યું છે કે એર ટ્રાફિક કંટ્રોલ નેટવર્ક બંધ છે. આ કારણે તેમની ફ્લાઈટ્સ (flights) મોડી પડશે.

બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસ (NATS) ને સોમવારે એરક્રાફ્ટની અવરજવરને પ્રતિબંધિત કરવાની ફરજ પડી છે. ટેક્નિકલ ખામીના કારણે એરલાઈન્સ અને એરપોર્ટને ચેતવણી આપવામાં આવી હતી કે એર ટ્રાફિક બંધ કરી દેવો જોઈએ. આ સંદર્ભમાં એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘અમે હાલમાં તકનીકી સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ અને સલામતી જાળવવા માટે ટ્રાફિક પ્રવાહ નિયંત્રણો લાગુ કર્યા છે. એન્જિનિયરો ખામી શોધવા અને તેને સુધારવા માટે કામ કરી રહ્યા છે.

આ પહેલા સ્કોટિશ એરલાઈન લોગાનેરે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે યુકે એર ટ્રાફિક કંટ્રોલ કોમ્પ્યુટર સિસ્ટમનું નેટવર્ક ફેલ થઈ ગયું છે. આ કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં વિલંબ થવાની ચેતવણી આપવામાં આવી છે. લંડન લ્યુટન એરપોર્ટે જણાવ્યું હતું કે તે ‘પ્રભાવને સમજવા અને સામાન્ય ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવાની સમયરેખા ‘ સત્તાવાળાઓ સાથે કામ કરી રહ્યું છે.

બ્રિટિશ એરવેઝે એમ પણ કહ્યું કે તે અસરને સમજવા માટે NATS સાથે મળીને કામ કરી રહી છે. આઇરિશ એરલાઇન્સે પણ એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા ગ્રાઉન્ડિંગને કારણે વિલંબ અને રદ્દીકરણની જાણ કરી છે, આયર્લેન્ડના ડબલિન એરપોર્ટે અહેવાલ આપ્યો છે. ઘણા મુસાફરોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે યુકેના ભાગોમાં સોમવારની જાહેર રજાના કારણે વ્યસ્ત મુસાફરીના દિવસે ફ્લાઇટ્સ પર ચઢવાની રાહ જોઈને તેઓ એરપોર્ટ પર અટવાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસાફરોને 8-12 કલાકના વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.

Most Popular

To Top