Comments

લાવ તારી હથેળી, સરનામું લખી દઉં…!

કોઈની હથેળી સુધી પહોંચું, એટલો બાહોશ કે સાહસિક હું નથી. લગન પછી wifeની હથેળીમાં ડોકિયાં કરવાની ત્રેવડ ના હોય, એ કોઈની હથેળીમાં સરનામું લખવા જાય..? આ તો મગજની ‘હોટશિટ’ ઉપર બેસાઈ ગયું ને મરવા પડેલા ડહાપણને કૂંપળ ફૂટી, કે લાવ આજે સરનામાં ઉપર રંગકામ કરું..! જેથી, ચિંતકોને ફિલ નહિ થાય કે, ચમનિયાનું ભેજું હવે ફળદ્રુપ નથી..! તાજમહાલ-કુતુબમિનાર-ગેટ વે ઓફ ઇન્ડિયા કે ઔરંગઝેબની કબર ખોદવા સુધીનાં ખોદકામ તો બધાં કરે, મને આજે સરનામાં ઉપર ઝરી કામ કરવાની ઉપડી.

મદારીની જેમ મગજના થેલામાં હાથ નાંખ્યો તો ‘સરનામા’નો વિષય નીકળ્યો. એની જાતને… ફસાઈ ગયો યાર..? વઢકણી wife સામે લાકડાની તલવારબાજી કરતો હોય એમ, લખતાં લખતાં પરસેવાન થઇ ગયો. સરનામાની કુંડળી કાઢવામાં, મારું સરનામું ભૂલી ગયો બોલો..! બંદાને એમ કે, સરનામું એટલે, ભાળ-પત્તો-ઠામ ને ઠેકાણું વાર્તા પૂરી..! એમાં બીજો શું તેજાનો આવવાનો? પઅઅણ…વાળંદ છૂટે ને ખૂંપરો ફૂટે એમ, વિચાર આવે, આવે ને ઊડી જાય! આખા શરીરે મધમાખી કરડી ગઈ હોય એવી પીડા ઉપડી. સરનામું ઐસી ચીજ હૈ..! મરે ત્યાં સુધી ફીટે નહિ! નામી નનામી નહિ થાય ત્યાં સુધી સરનામું વળગેલું હોય..!

માથાદીઠ અનાજ મળે, એમ દરેક પાસે માથાદીઠ પોતાનું સરનામું હોય. ન્યાત-જાત-કુળ-ધર્મ જેવી જફા કે ઝંઝટ સરનામાને આડે આવતી નથી. પછી સુનીતા વિલિયમ સ્પેસમાં હોય કે પૃથ્વીના પટ ઉપર, સરનામું એની સાથે જ હોય. સ્પેસમાં પણ એ પોતાના સરનામા સાથે જ ઊડતાં હોય. જો કે, કોઈના ખાંખાખોરા કરવાની આદત નથી, બાકી ખોળવા બેસીએ તો, ક્યારેક સરનામું મળે તો માણસ ના મળે અને માણસ મળે તો, સરનામું ના મળે..! સાધુઓની કથા કરીએ તો, “સાધુ તો ચલતા ભલા..!’એ જ્યાં પણ ‘અલખ નિરંજન’નો નાદ કાઢે, તે જ એનું સરનામું..! તેમના નામે નામું પણ ના હોય, ને સરનામું પણ..! જો કે, સાધુઓમાં પણ, આજકાલ તો અનેક પ્રકાર..! Branded સાધુઓની તો આખી વાત જ અલગ. જે સરનામાથી નહિ, પોતાની વેબ-સાઈટથી ઓળખાય..! ઉપરથી પાછું એવું કહે કે, ‘યે સબ ભગવાનકી માયા હૈ..! બોલો…ચચરે કે નહિ..?

 એટલી તો ખબર પડી કે, સરનામું માનવીનું અનિવાર્ય અંગ છે. જેની પાસે સરનામું નથી, એની જિંદગી બારી વગરના બંગલા જેવી છે. એના સિવાય વિશ્વનો બીજો મહાન ગરીબ કોઈ ના કહેવાય. આવાં લોકો માટે ‘વિશ્વ ગરીબ દિવસ’ ઉજવીને, સરનામાં આપવાના કાર્યક્રમ કરવા જોઈએ! આ તો એક Tip આપું..! બાકી, જિંદગીનું પણ આવું જ છે. એના કપાળમાં કાંદા ફોડું, જિંદગી જીવાઈ તો જાય, પણ જેના થકી જીવ્યા એના સરનામાં જ ભૂલી જાય..! શાણા માણસોએ wife અને સરનામું, ક્યારેય બદલવું નહિ. છતાં, ‘પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે’ની માફક ઘણાને બદલવાની હેડકી આવતી જ હોય.

ભગવાને ભારતમાં જન્મ આપ્યો તો સખણા રહો ને યાર..? કોઠા-કબાડા કરીને USA ગયા તો, ટ્રમ્પદાદાએ કેવી વલે કરી? લીલાં તોરણે જાન પાછી આવી ને? સ્થળચર-જળચરની માફક એક જ સરનામે રહીએ તો, ભગવાનને પણ ભૂલ નહિ પડે કે, ‘પાર્સલ કરેલો મારો ધંતુરો હાલ ક્યા દેશમાં છે..?’ પશુ-પક્ષીઓને કોઈ સરનામાં હોતાં નથી. જે ડાળી ઉપર પક્ષી બેસે એ જ એનું સરનામું! નહિ એના Email હોય કે નહિ એમના પોસ્ટ બોક્ષ નંબર..! કૂતરું જ્યાં મુકામ કરે તે જ એનું સરનામું, એમ સિંહ જ્યાં બેસે ત્યાં એનું સિંહાસન અને તે જ એનું સરનામું..! તાજમહલ, કુતુબ મિનાર કે લાલ કિલ્લો નામે ના હોય તો, કોઈ પૂછવાનું નથી. મા-બાપ કે પરિવાર ના હોય, સોનું-ચાંદી, લોન કે શેર બજાર સાથે નાતો ના હોય તો પણ જિંદગી ગબડવાની જ છે! પણ સરનામાં વગર નહિ ચાલે! સરનામું પોતીકી મિલકત છે મામૂ? જેની કિંમત ધારક કરતાં કુરિયરવાળા કે ટપાલીને વધારે હોય.

સરનામું હોય તો જ આપણા આંગણા પાવન કરવા કોઈ આવે. સરનામું ગમે એટલું ભવ્ય હોય, સુંદર હોય, ભરાવદાર હોય, પણ એમાં આપણો માલિકી ભાવ છે. ઘણાં લોકો સરનામામાં લખે, ‘માતૃ-પિતા કૃપા..!’ જોવા જાવ તો, મા-બાપ વૃદ્ધાશ્રમની ચોગઠમાં ટહેલતાં હોય..! સરનામામાં લખ્યું હોય આનંદદ્વાર અને ત્યાં ‘રડારોળ’ ચાલતી હોય..! આવું જ નામમાં પણ મામૂ..! કન્યા રાશિવાળાનાં હાડકે પીઠી ના લાગતી હોય. સિંહ રાશિવાળો બિલાડાથી ડરતો હોય! અને ધન રાશિવાળો ભીખ ઘર ઘર ચલક ચલાણી રમતો હોય!

 સાલી શું કમનસીબી છે? જન્મ્યા પછી, માણસ પોતાનું નામ પાડી શકતો નથી અને ઉકલી ગયા પછી પોતાનું નામ કઢાવી શકતો નથી. સીધીસટ વાત છે કે, સરનામું આપવાનો અધિકાર એક માત્ર ભગવાન પાસે જ છે. જે ઘરે એ પાર્સલ કરે એ જ એનું સરનામું..! છતાં, સરનામાં બદલવાના ધાંધિયાં છોડે નહિ. નામ હોય કે, સરનામું, આ બધા શ્વાસના ખેલ છે બોસ..! એક ભિખારી મંદિરે ગયો, ચર્ચમાં ગયો. મસ્જીદની આસપાસ પણ ગયો, પણ કોઈએ પાઈ સુદ્ધાં નહિ પરખાવી. કંટાળીને શરાબની દુકાન આસપાસ ગયો તો, શરાબીઓએ એનો કટોરો ભરી દીધો. ત્યારે એ બોલ્યો. ‘વાહ કુદરત..! તું સરનામું ક્યાંનું આપે, ને નીકળે ક્યાંથી..? કોઈ કવિએ સાચું જ કહ્યું છે કે,

 ‘એક બિચારાએ લખી લખીને લખ્યો પ્રભુને કાગળ
 સરનામું એવું કર્યું કે મંદિર મસ્જિદ આગળ પાછળ
 શેરા સાથે પાછું આવ્યું, આ સરનામું ના ઉકલ્યું છે
 ત્યારે બિચારાને ખબર પડી, ઈશ્વરે ઘર બદલ્યું છે’

લાસ્ટ બોલ
સિંહ અને સિંહણ ઝાડ નીચે આરામ ફરમાવતાં હતાં. ત્યાં એમની સામેથી એક હરણ એકદમ સ્પીડમાં ભાગી ગયું. સિંહણે આ જોયું અને સિંહને પૂછ્યું ‘બેબી..! આ શું હતું..?’
સિંહ કહે, ‘જાનુ…! એ Fast food હતું…!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top