નવી સરકારમાં ‘ડબલ એન્જીન’ ને પાટા પર લાવવા માટે કર્મચારી-પેન્શન સંગઠનોએ એક સાથે સંગઠિત થઈને કામ કરવું જોઈશે. ‘ડબલ એન્જીન’ પાટા પર નહીં હોવાને કારણે (1) કેન્દ્ર સરકારે જાહેર કરેલું ડી.એ. જુલાઈ 2022 થી ગુજરાત સરકારે જાહેર કર્યુ નથી. ડીસેમ્બર સુધીમાં તમામ એકસાથે ચૂકવાય તે માટે ડબલ એન્જીનને પાટા પર લાવવાની જરૂર છે. ડી.એ. દર મહિને વધે છે, તો જાન્યુ. થી ફેબ્રુ.ની પહેલીથી અને જુલાઈનું ઓગષ્ટની પહેલીથી જ ચૂકવવાનું શરૂ કરવું જોઈએ. (2) ક્યારેક કોઈ એરિયર્સ દસ-પંદર વર્ષે પણ ચૂકવાય છે, તેવાં એરિયર્સની રકમ પર વ્યાજ ગુમાવ્યું હોય છે, તેથી એરિયર્સને ઈન્કમટેક્ષમાંથી મુક્ત કરવું જોઈએ. (3) મેડીક્લ ભથ્થું 1-1-2016 થી એક સાથે એરિયર્સ ચુકવવા માટે ડબલ એન્જીનને પાટા પર લાવવું જોઈએ. (4) સુપર સિનીયર સીટીઝન પેન્શનરોને તેમની પેન્શનની રકમ તથા રોકાણની આવક-વ્યાજને ઈન્કમટેક્ષમાંથી સંપૂર્ણ મુક્ત કરવી જોઈએ. આ માટે ‘ડબલ એન્જીન’ પાટા પર જવાબદારી પૂર્વક કામ કરતાં થાય તે જરૂરી છે.
સુરત – પ્રા.વી.એમ.પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
તો ગુજરાતની પ્રજા માટે કોઈ શબ્દો હશે નહીં
અંતે બહુ ગાજેલી ‘મફતની રેવડી’વાળી ગુજરાતની ચૂંટણી પૂરી થઇ અને અપેક્ષા મુજબ જ મોદી નામનું વાવાઝોડું આવ્યું અને એમાં અલ્પ અભ્યાસુ ગુનાહિત ઇતિહાસવાળા, પક્ષાંતરવાળા અને બગડેલી છબી ધરાવતા સહિત ૧૫૬ ધારાસભ્યો ચૂંટાઇ આવ્યા! નામશેષ થવા જઇ રહેલી કોંગ્રેસને માત્ર ૧૭ સીટો મળી. આપને ૫ સીટ મળી, પણ એ પણ પલ્ટી મારી શકે છે! સ્વ. અટલબિહારી વાજપેઇજીએ કહ્યું હતું કે લોકશાહીમાં એક મજબૂત વિરોધ પક્ષ હોવો જરૂરી છે, જે શાસકોને ખોટું કરતાં રોકે. પણ અહીં ગુજરાતમાં તો આ ૧૭ કોંગ્રેસીઓની ગાજરની પીપુડી કેટલી વાગવાની? પહેલાં નહોતી વાગતી તો હવે વાગશે? ૧૫૬ જણા બહુમતીના જોરે સારું ખરાબ બધું જ પસાર કરી દેશે! ખેર, જનતાએ જનાદેશ આપ્યો છે. હવે જો ભવિષ્યમાં કોરોના જેવી મહામારી આવે કે મોરબી જેવી દુર્ઘટના સર્જાય ત્યારે આ ચૂંટાયેલા નેતાઓ ભૂતકાળની માફક જ નિષ્ક્રિય રહે અને ગુજરાતની આ ‘મોદીઘેલી જનતા’ એમના કાન ના આમળે અને જવાબદારીનું ભાન ના કરાવે તો પછી ગુજરાતની આ પ્રજા માટે વખાણવાના, બોલવાના કે લખવાના કોઇ શબ્દો હશે નહીં.
સુરત – ભાર્ગવ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.