તા. ૬-૧૨-૨૫નાં ‘ગુજ-મિત્ર’ માં- દક્ષિણ ગુજરાતમાં પણ વાઘ દેખાય એવી સંભાવના અંગે લેખમાં વાઘ રાજવંશી પ્રાણી ગણાય, તેનો દેખાવ, તેની રાજાશાહી ચાલ ખરેખર અદભૂત છે. દક્ષિણ ગુજરાતમાં વાઘ, દીપડા, હરણ વિગેરે હતા જ. એક વાત લખવી છે, મારા બાપા કાચના વાસણની ફેરી કરતા, લગભગ ૧૯૪૫-૫૦ના અરસામાં બારડોલી ગયેલા, એ વખતે રેલ્વે સ્ટેશનથી વસ્તી વાળુ ગામ દૂર હતું અને વચ્ચે જંગલ આવતું હતું. સંધ્યા સમય થઇ ગયેલો, બાપાને એમ કે ઝટપટ ગામમાં પહોંચી જાવ. નીકળ્યા પણ ખરા, પરંતુ થોડે દૂર વાઘ આવતો જણાયો. એ તો વાસણનો ટોપલો નીચે મુકી એક ઝાડ પાછળ સંતાઇ ગયા. વાઘ અને કુદરતને ગાઢ સંબંધ છે.
વાઘ પ્રકૃતિની પારાશીશી છે. આ અંગે મે ૧૫-૧૦-૨૦૦૫ના ‘‘ગુજરાતમિત્ર’’ માં ચર્ચાપત્ર લખી જણાવેલુ કે ‘વાઘ છે પારાશીશી અને દર્પણ’ મહાત્મા ગાંધી એવુ બોલેલા કે વાઘને જે પ્રદેશ ગમી જાય એ પ્રદેશ ખરેખર મજાનો પ્રદેશ હોય છે. ગાંધીજીનો આ વિચાર ખરેખર ઊંડા અભ્યાસ અને પરિપક્વ વિચારમાંથી ઉદ્દભવ્યો છે.’’ હવે આ રાજવંશી વાઘને ગુજરાતના દક્ષિણ ગુજરાતના જંગલોમાં પાછો લાવો એ એના પૂર્વજોનો વિસ્તાર છે, ધારાસભ્યો અને સાંસદો આ માંગણી કરવા માંડો. વાઘ જેવી ગર્જના રાખી બોલજો.
અડાજણ, સુરત- ભરતભાઇ આર પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.