સબંધનો સેતુ સદાય સમજદારીની બુનિયાદ પર મજબૂત રહેતો હોય છે. અને એ વધુ લાગણી સભર રહે એ માટે કોઇ પણ સબંધમાં સરખામણી ન જ હોવી જોઇએ. પછી એ બે પુત્રો માટે હોય, પુત્રવધૂ માટે હોય, બહેનો માટે હોય કે પછી બે મિત્રો માટે હોય. સ્વભાવ, વાણી, વર્તન પ્રત્યેક વ્યકિતએ અલગ અલગ જ હોય અને પ્રાણ અને પ્રકૃતિ સાથે જ વિદાય થાય એવો વડીલોનો મત હોય છે. મનોમન સરખામણી અર્થાત તુલના કયારેક મનથી નિકટતામાં ઓટ આણી દે છે ! પ્રત્યેક વ્યકિતમાં ખામી અને ખૂબ બંને ગુણ દૃશ્યમાન થતા હોય છે.
વિશ્વમાં કોઇ બત્રીસે લક્ષણ કે સંપૂર્ણ હોતુ નથી. તેથી સહનશીલતા અને સમજશકિત પણ સબંધના સેતુને વધુ મજબૂત અને મધુર બનાવે છે. વ્યકિતના સદગુણ નિહાળી પારિવારીક શાંતિ અવશ્ય જાળવી શકાય. ખામી શોધવાને બદલે ખૂબી શોધીશુ તો બંને પક્ષે લાગણીશીલતા જળવાઇ રહેશે. અને એકમેકના સહકારથી જીવન વધુ સુખી થઇ શકે. સ્નેહ થકી જે વ્યકિત જેવી છે તેવી સ્વીકારશું તો એ સ્નેહની ઉત્તમ પરિભાષા સિધ્ધ થશે. આપણે સ્વયં પણ સર્વગુણ સંપન્ન કદી નથી હોતા. સુમેળતા, સરળતા, નિખાલસતા, આનંદી સ્વભાવ અન્ય વ્યકિતઓના દિલ જીતવાની ચાવી કહી શકાય.
સુરત – નેહા શાહ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
અડીખમ ગુજરાતમિત્ર
તા. 13-9-24ના ‘ગુજરાતમિત્ર’માં સુનિલ બર્મનનું ચર્ચાપત્ર વાંચ્યું. એના અનુસંધાનમાં ‘ગુજરાતમિત્ર’ની સ્થાપના અંગે અને એના વિકાસ અંગે મારા વિચારો પ્રગટ કરું છું. ‘ગુજરાતમિત્ર’એ ખરેખર તો લોકમિત્ર છે. દરેક સમાજના લોકોના તહેવાર, રીતરિવાજ, અંગે ‘ગુજરાતમિત્ર’ સ્પષ્ટ અને નિખાલસતાથી સત્યને વળગી રહી સુંદર રજૂઆત કરે છે. ‘ગુજરાતમિત્ર’ ઘણી લીલી સુકી જોઇ છે. સુરતમાં ઘણી વખત રેલ આવી છે બીજી મુસીબતો પણ વેઠીને એ અડીખમ રહ્યું છે એના દેશ વિદેશના સમાચારોમાં પણ સત્ય જ પ્રગટ થતું હોય છે. ‘ગુજરાતમિત્ર’ એ ગુજરાતનું દર્પણ છે.
ગુજરાતના ખૂણે ખૂણાના સમાચારો તટસ્થતાથી એ પ્રગટ કરે છે. ‘ગુજરાતમિત્રે’ 161 વર્ષ પૂર્ણ કર્યા છે. આ સમાચારપત્રના તંત્રી અને સર્વ કર્મચારીઓ ખુબ જ જાગૃત હોય ‘ગુજરાતમિત્ર’ ખુબ પ્રગતિ કરી છે. એમાં પૂર્વ તંત્રી અને કર્મચારીઓનો પણ ફાળો છે તેઓ પાયાના પથ્થર છે હું વર્ષોથી ‘ગુજરાતમિત્ર’જે વાંચુ છું. એણે ઘણાને કવિ, વાર્તાકાર, લેખકો બનાવ્યા છે એ એની ચર્ચાપત્રની કોલમનું પરિણામ છે આજે પણ એના ચર્છાપત્રો, વખણાય છે, એની પૂર્તિઓ શ્રેષ્ઠ છે. ‘ગુજરાતમિત્ર’ ઉત્તરોત્તર વધુ પ્રગતિ સાંધે એ માટે શુભેચ્છા પાઠવું છું.
નવસારી – મહેશ ટી. નાયક આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.