સુરતઃ વાસી ઉત્તરાયણના દિવસે ચંદ્રશેખર આઝાદી બ્રિજ પરથી પરિવાર નીચે પટકાઈ મોતને ભેટ્યો તેવી કમભાગી દુર્ઘટના બાદ પણ સુરત મનપાના તંત્રની આંખ ઉઘડી નથી. સહારા દરવાજા પાસે રિંગરોડના ફ્લાય ઓવર બ્રિજની રેલિંગ દોઢ મહિનાથી તૂટી હોવા છતાં તે રિપેર કરાઈ નથી. જાણે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાનું રાહ જોઈ રહ્યું હોય તેમ લાગે છે.
- શું જીલાની બ્રિજ જેવી દુર્ઘટના બને તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે?
- રિંગરોડના બ્રિજનો રેલિંગ તૂટી ગયાને દોઢ મહિનો થયો છતાં રિપેરિંગ કરાયું નથી
- દોઢ મહિના પહેલાં બસ અકસ્માતમાં ફ્લાયઓવર બ્રિજની રેલિંગ તૂટી હતી, કોઈ વાહન ચાલક પડે તેની રાહ જોતું તંત્ર
- હજુ કેમ રિપેર થઈ નથી તે હું તપાસ કરાવી લઉં છુંઃ મેયર
રિંગરોડના ફ્લાયઓવર બ્રિજના સહરા દરવાજા તરફ ઉતરતા બ્રિજની એક તરફ સિમેન્ટની રેલિંગ દોઢ મહિના પહેલાં તૂટી ગઈ હતી, જે આજદીન સુધી રિપેર થઈ નથી. જેના લીધે વાહન ચાલકો જીવના જોખમે આ બ્રિજ પર વાહનો હંકારી રહ્યાં છે. ત્યારે સુરતનું નઘરોળ તંત્ર માત્ર તૂટેલી રેલિંગ પર પતરાંની આડશ મુકીને સંતોષ માની રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈ તા. 1 ડિસેમ્બરના રોજ સહરાદરવાજા પાસે રિંગરોડના ફ્લાયઓવર બ્રિજના એક સ્પાન પાસે સિટી બસનો અકસ્માત થયો હતો. બસ બ્રિજની રેલિંગ સાથે અથડાઈ હતી, જેમાં રેલિંગનો એક ભાગ તૂટી ગયો હતો. આ ઘટનાને દોઢ મહિનાથી વધુનો સમય પસાર થઈ ગયો તેમ છતાં આજદીન સુધી તે રેલિંગનું રિપેરિંગ થયું નથી.
આ મામલે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીને પૂછતાં તેમણે કહ્યું કે, રેલિંગ તૂટી તે વાત મારા ધ્યાન પર છે. રિપેરિંગ માટે આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ કેમ હજુ સુધી કેમ કામ થયું નથી તેની તપાસ કરી લઉં છું.
મેયરનો આ જવાબ દર્શાવે છે કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર મેયરને પણ ઘોળીને પી ગયું છે. અધિકારીઓ મેયરની વાત પણ સાંભળતા નથી. નહીં તો સ્માર્ટ સિટી સુરતમાં આટલું નાનું રિપેરિંગનું કામ દોઢ મહિનાથી પેન્ડિંગ હોય તે વાત માનવામાં આવે તેમ નથી.
વાસી ઉત્તરાયણના દિવસે પરિવાર બ્રિજથી નીચે પટકાયો હતો
વાસી ઉત્તરાયણના દિવસે શહેરના ચંદ્રશેખર આઝાદ (જીલાની) બ્રિજ પર એક કમભાગી દુર્ઘટના બની હતી. પતંગની દોરી આડે આવતા એક પરિવાર બ્રિજ પરથી 70 ફૂટ નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં પતિ-પત્ની અને બાળકી એમ આખાય પરિવારના કમોત થયા હતા.
આ ઘટના બાદ એવી માંગ ઉઠી હતી કે બ્રિજની આસપાસ સેફ્ટી ગાર્ડ હોવા જોઈએ જેથી કોઈ નીચે પટકાય તેવી સ્થિતિમાં જીવ બચાવી શકાય. જોકે, તંત્રને બહેરાં કાને આ વાત સંભળાય હોય તેવું લાગતું નથી કે કારણ કે બ્રિજની આસપાસ સેફ્ટી ગાર્ડની વાત તો દૂર રહી શહેરમાં એવા બ્રિજ પણ છે જેની આસપાસ સિમેન્ટની પાકી રેલિંગ પણ નથી.