Business

ગંભીરા બાદ રાજ્યમાં વધુ એક બ્રિજ તુટ્યો, 8 લોકોનો માંડ જીવ બચ્યો..

ગઈ તા. 9મી જુલાઈની સવારે વડોદરા-આણંદને જોડતો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ અચાનક તુટી પડ્યો હતો. જેના લીધે અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. આ ગોઝારી દુર્ઘટનામાં 21 કમભાગીઓના મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટનાએ રાજ્યની પ્રજાને હચમચાવી મુકી છે. સરકાર અને સરકારી તંત્ર પણ દોડતું થયું છે. ઠેરઠેર નબળા પડી ગયા બ્રિજ અને રસ્તાઓના રિપેરિંગ કામ શરૂ કરાયા છે, ત્યાં આજે વધુ એક બ્રિજ તુટી પડતાં ખળભળાટ મચી ગયો છે.

વધુ એક બ્રિજ તૂટવાની ઘટના જુનાગઢથી સામે આવી છે. માંગરોળ તાલુકાના આજક ગામનો બ્રિજ તૂટી ગયો છે. આ ઘટનામાં હીટાચી મશીન સાથે આઠથી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા. જોકે, સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો છે. દરમિયાન જિલ્લા કલેક્ટરે ખુલાસો કર્યો છે કે આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.

દરમિયાન સ્થળ પરથી મળતી માહિતી અનુસાર જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આજે મોટી દુર્ઘટના બની હતી. આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં હીટાચી મશીન સહિત આઠથી વધુ લોકો નીચે નદીમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈપણ જાનહાનિ થઈ નથી.

તમને જણાવી દઈએ કે આજક ગામે આવેલો પુલ કેશોદને માધવપુર સાથે જોડતો મહત્વનો માર્ગ છે, જ્યાં ઘણા વાહનો રોજ પસાર થાય છે. આજે સવારે પુલના સમારકામનું કામ ચાલી રહ્યું હતું. હીટાચી મશીન સાથે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થતાં ભારે અવાજ સાથે હીટાચી મશીન નીચે ખાબક્યું હતું.

પુલના સ્લેબ પર આઠ-દસ લોકો પણ ઉભા હતા, જે સ્લેબ તૂટી પડતાં સીધા નદીમાં ખાબક્યા હતા. સદનસીબે કોઇ ગંભીર ઇજા કે જાનહાનિ થઈ નથી. દરમિયાન દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે, જેમાં જોવા મળે છે કે પુલનો સ્લેબ તૂટતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

Most Popular

To Top