સવજીકોરાટ તાપી નદીના બ્રિજ પરથી મોતની છલાંગ મારવાનો પ્રયાસ કરતી યુવતીને બચાવી લીધી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં ફાયર કર્મચારી અને લોકોની મદદ સાથે મહિલાને બચાવી લીધી હતી. જોકે આ વીડિયો ગત શુક્રવારના બપોરના સમયની ઘટનાનો હોવાનું જાણવા મળ્યું છે.
એક યુવતી ગત શુક્રવારે ભર બપોરે સવજીકોરાટ બ્રિજ પર ચઢીને તાપી નદીમાં છલાંગ મારવાનો પ્રયાસ કરી રહી હતી. જે એક ફાયર કર્મચારીને ધ્યાને આવતા મહિલાને બચાવી લેવામાં સફળતા મળી હતી. બચાવનાર ફાયર કર્મચારી હરપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હું મોટાવરાછા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવું છું. ગત શુક્રવારના રોજ ઘરેથી નીકળીને ફાયર સ્ટેશન પર જતો હતો તે દરમિયાન સવજીકોરાટ બ્રિજ પર એક યુવતી તાપી નદીમાં છલાંગ મારવાનો પ્રયાસ કરી રહી હતી. તે ધ્યાને બાઇક સાઇટમાં પાર્ક કરી તાત્કાલિક ત્યા પહોંચીને બ્રિજ પર લોખંડની જાળીમાં તાપી નદી બાજુની સાઇડએ ઉતરી ગયેલી યુવતીને બચાવવા બ્રિજની રેલિંગ પર ચઢી ગયો અને તેનો હાથ પકડી લીધો હતો. બાદમાં લોકોના એકત્ર થઇ ગયા હતા. લોકોની મદદથી યુવતીને ઉંચકી બચાવવામાં સફળ રહ્યા હતાં. બાદમાં લોકોએ પરિવારજનો સાથે સંપર્ક કરીને યુવતિને ઘરે મોકલી દીધી હતી. જોકે યુવતિ આવું પગલું ભરવા કેમ મજબુર થઈ તે જાણવા મળ્યું નથી.