SURAT

સુરતમાં વરરાજાને કૂતરું કરડ્યું, પીઠી ચોળેલી હાલતમાં ઈન્જેક્શન મુકાવા દોડ્યો

સુરત: સુરત (Surat) શહેરમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી ડોગ બાઈટના (Dog Bite) કેસોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. તંત્ર દ્વારા ડોગને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા હોવા છતાં કૂતરાંઓનો આતંક ઓછો થયો નથી, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે, જેમાં રખડતાં કૂતરાંઓએ વરરાજાને (Bride) ટાર્ગેટ કર્યા હોવાનો બનાવ બન્યો છે.

સુરતમાં દિવસે દિવસે બાળકો પર શ્વાન દ્વારા હુમલો કરવાના કિસ્સા વધતાં જાય છે ત્યારે તંત્ર હજી પણ ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે. ફક્ત ડોગ બાઈટ જ નહીં પણ રાત્રિના સમયે વાહન ચાલકોની પાછળ દોડતાં કુતરાઓના કારણે અકસ્માતના કિસ્સા પણ વધી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ એક બાળકી પર હુમલો કરવાને કારણે બાળકીનું મોત થયાની ઘટના સામે આવી હતી. એક બાળકીનો ગાલ અને માથાનો ભાગ જ કુતરાઓએ ફાડી ખાધો હતો. ત્યાર બાદ ભેસ્તાનમાં એક 5 વર્ષના બાળકે કૂતરાંના કરડવાના લીધે જીવ ગુમાવ્યો હતો. હવે કૂતરાં વયસ્કોને પણ ટાર્ગેટ કરવા માંડ્યા છે.

આજે શનિવારે તા. 13 મે ના રોજ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પીઠી ચોળેલી હાલતમાં એક યુવક હડકવા વિરોધી રસી મુકાવવા આવ્યો હતો. યુવકને આવી હાલતમાં જોઈ તબીબો પણ અચરજમાં મુકાયા હતા. પૂછપરછ કરતા તે યુવકે પોતાનું નામ સૂફિયાન પટેલ જણાવ્યું હતું.

અમરોલીમાં રહેતા સૂફિયાન પટેલે કહ્યું 6 દિવસ પહેલાં તે કોસાડ આવાસ પાસે ઘરની બહાર ઉભો હતો ત્યારે બે કૂતરાએ તેને બાચકાં ભર્યા હતા. જેથી તે સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો છે. 5 ઈન્જેક્શનનો ડોઝ લેવાનું ચાલુ છે. મને કરડનાર કૂતરાંઓએ અન્ય બે લોકોને પણ બાચકાં ભર્યા હતા.

સૂફિયાને વધુમાં કહ્યું કે, કોસાડ આવાસની આસપાસ રખડું કૂતરાઓનો ત્રાસ છે. તેઓ અવારનવાર લોકોને કરડી રહ્યાં છે. આજે મારા લગ્ન છે. લગ્ન પહેલાં હું હડકવા વિરોધી રસીનું ઈન્જેક્શન લેવા આવ્યો છું. પીઠી ચોળી હોવા છતાં મારે ઈન્જેક્શન મુકાવવા માટે હોસ્પિટલમાં આવવું પડ્યું છે.

તમને જણાવી દઈએ કે સુરતમાં રોજ 30થી 40 કેસ સામે આવી રહ્યા છે. એક મહિનામાં 1,000થી વધુ કેસ સામે આવે છે. શ્વાન કરડ્યા બાદ ઝડપથી હડકવાવિરોધી રસી લઈ લેવી જોઈએ.

Most Popular

To Top