સુરતમાં અનોખા લગ્ન થયા છે. ગઇકાલે રવિવારે વસંત પંચમીની રાતે શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં લગ્ન થયા હતા. અહીં પોલીસની હાજરીમાં દુલ્હાએ દુલ્હનને વરમાળા પહેરાવી હતી.
હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે ગઈકાલે વસંત પંચમીના શુભ દિને વણજોયા મુહૂર્તમાં મોટી સંખ્યામાં સુરત શહેરમાં લગ્ન યોજાયા હતાં. વરાછા વિસ્તારમાં પણ એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. અહીં બિહારી સમાજના એક યુગલના લગ્ન લેવાયા હતા, પરંતુ લગ્ન સમારંભમાં કંઈક એવું બન્યું જેના લીધે લગ્ન અટકી ગયા અને આખરે પોલીસની મધ્યસ્થી બાદ પોલીસ સ્ટેશનમાં લગ્ન વિધિ સંપન્ન થઈ હતી.
વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી માતાવાડીના લક્ષ્મીનગરની વાડીમાં લગ્ન સમારંભ યોજાયો હતો. બિહારી પરિવારના લગ્ન સમારંભમાં ભોજન ઘટી ગયું હતું. જેના લીધે જાનૈયાઓ નારાજ થયા હતા. દુલ્હો અને તેના પરિવારજનો, તથા સંબંધીઓ ગુસ્સે ભરાયા હતા. પરણ્યા વગર જ વરરાજા અને જાનૈયા લગ્ન મંડપમાંથી નાસી ગયા હતાં. ત્યાર બાદ કન્યા અને તેના પરિવારજનો વરાછા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતાં. પોલીસની પાસે કન્યા પક્ષે મદદની ગુહાર લગાવી હતી.
મામલો નાજૂક હોય પોલીસે બળથી નહીં પરંતુ કળથી આ સમસ્યાનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું હતું. વરાછા પોલીસની એક ટીમ વર પક્ષને સમજાવા ગયા હતા. તેઓનું કાઉન્સેલિંગ કર્યું હતું. વરાછા પોલીસ વરરાજા લગ્ન માટે રાજી કરવા માટે પોલીસ દ્વારા સમજાવી કાઉન્સેલિંગ કરી તેના ઘરેથી મનાવી લેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ કન્યા-વરરાજાએ પોલીસ સ્ટેશનમાં જ રાત્રિના સમયે હાર તોરા કરવા માની ગયા હતાં. જેથી પોલીસ સ્ટાફની જગ્યાએ વર-વધુએ લગ્ન કર્યા હતાં. ત્યારબાદ તમામને વિદાય આપવામાં આવી હતી.