નવી દિલ્હીઃ રશિયાના કઝાન શહેરમાં ચાલી રહેલા બ્રિક્સ (BRICS) સમિટમાં ચીન, ભારત, યુએઈ (UAE) જેવા ઘણા મોટા દેશોએ ભાગ લીધો છે. કોન્ફરન્સને સંબોધતા પીએમ મોદીએ આતંકવાદ, જળવાયુ પરિવર્તન અને વૈશ્વિક પડકારો પર ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આજે વિશ્વ યુદ્ધ, આર્થિક અનિશ્ચિતતા, જળવાયુ પરિવર્તન અને આતંકવાદ જેવા અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે.
અમારી બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ યુદ્ધ, સંઘર્ષ, આર્થિક અનિશ્ચિતતા, જળવાયુ પરિવર્તન, આતંકવાદ જેવા અનેક પડકારોથી ઘેરાયેલું છે. વિશ્વમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમના વિભાજનની વાત થઈ રહી છે અને ટેક્નોલોજીના યુગમાં સાયબર સિક્યુરિટી, ડીપ ફેક, ડિસઈન્ફોર્મેશન જેવા નવા પડકારો સામે આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે બ્રિક્સ શિખર સંમેલનને સંબોધતા કહ્યું કે ભારત યુદ્ધ નહીં પરંતુ સંવાદનું સમર્થન કરે છે. ભારત ડિપ્લોમસીમાં વિશ્વાસ ધરાવે છે. વડાપ્રધાને રશિયા-યુક્રેન યુદ્ધનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવા અપીલ કરતો એક સ્પષ્ટ મેસેજ આપ્યો હતો.
વડાપ્રધાને કહ્યું, અમે યુદ્ધ નહીં પરંતુ સંવાદ અને કૂટનિતીનું સમર્થન કરીએ છીએ. જે રીતે અમે કોવિડ જેવા પડકારોનો સાથે મળીને સામનો કર્યો તે જ રીતે આપણે નિશ્ચિતપણે ભાવિ પેઢીઓ માટે સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવાની તકો ઉભી કરવા માટે સક્ષમ છે. જણાવી દઈએ કે બ્રિક્સ શિખર સંમેલનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમના સમકક્ષ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત બ્રિક્સ દેશોના ટોચનાઓ નેતાઓએ ભાગ લીધો છે.
પીએમ મોદીએ આતંકવાદ સામે લડવાનું આહ્વાન કર્યું
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આતંકવાદ સામે લડવા માટે નક્કર વૈશ્વિક પ્રયાસોની પણ હિમાયત કરી અને કહ્યું કે આ ખતરા સામે લડવામાં કોઈ બેવડા ધોરણો ન હોવા જોઈએ. આતંકવાદ અને આતંકવાદી ધિરાણ સામે લડવા માટે અમને દરેકના એકજૂથ અને મક્કમ સમર્થનની જરૂર છે. આ ગંભીર બાબતમાં બેવડા ધોરણોને કોઈ અવકાશ નથી.
પીએમ મોદીએ આ ખાસ મુદ્દા પર ભાર મૂક્યો હતો
મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્રિક્સે આ તમામ પડકારોનો સામનો કરવા રચનાત્મક ભૂમિકા ભજવવી જોઈએ. તેમણે કહ્યું હતું કે બ્રિક્સને એક જૂથ તરીકે જોવું જોઈએ જે જનહિતમાં કામ કરે છે, વિભાજનકારી શક્તિ તરીકે નહીં. અમે એવી પરિસ્થિતિમાં છીએ જ્યાં બ્રિક્સ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. હું માનું છું કે બ્રિક્સ એક વૈવિધ્યસભર અને સર્વસમાવેશક મંચ તરીકે તમામ મુદ્દાઓ પર સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. આપણો અભિગમ લોકો કેન્દ્રિત રહેવો જોઈએ. આપણે વિશ્વને સંદેશ આપવો જોઈએ કે BRICS એ વિભાજન કરનાર નથી પરંતુ જાહેર હિતનું જૂથ છે.
ભારત બ્રિક્સમાં નવા દેશોને આવકારવા તૈયાર
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે ભારત નવા દેશોને આવકારવા તૈયાર છે પરંતુ એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવે અને સ્થાપક સભ્યોના વિચારોનું સન્માન કરવામાં આવે. તેમણે કહ્યું કે ભારત બ્રિક્સ ભાગીદાર દેશ તરીકે નવા દેશોનું સ્વાગત કરવા તૈયાર છે. આ અંગેના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવા જોઈએ અને બ્રિક્સના સ્થાપક સભ્યોના વિચારોનું સન્માન કરવું જોઈએ.