SURAT

ખાણ ખનિજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડનો લાંચિયો અધિકારી નરેશ જાની ACBના છટકામાં ફસાયો

સુરત: સરકારી તંત્રના લગભગ તમામ વિભાગોમાં ભ્રષ્ટ્રાચારનો સડો અંદર સુધી પેસી ગયો છે. સરકાર સબ સલામતની આલબેલ પોકારે છે પરંતુ દરેક વિભાગોમાં અંડર ટેબલ વ્યવહાર થતા રહે છે. એન્ટી કરપ્શન બ્યુરોની કડક કાર્યવાહી છતાં ભ્રષ્ટ્રચારીઓને કોઈ ડર નથી. ત્યારે સુરતના વધુ એક અધિકારીને અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો છે.

  • પરમિટ હોવા છતાં હેરાનગતિ ન કરવા નરેશ જાનીએ લાંચ માગી હતી
  • ફ્લાઈંગ સ્કવોડના નરેશ જાનીએ 2 લાખની લાંચ માગી હતી
  • નરેશ જાની વતી લાંચ લેવા પહોંચેલા કપિલ પ્રજાપતિને એસીબીએ પકડ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમના પોલીસ ઈન્સ્પેક્ટર એ.કે. ચૌહાણ અને ડી.બી. મહેતાએ સુપરવિઝન અધિકારી જી.વી. પઢેરીયાને સાથે રાખી ખાણ ખનિજ વિભાગની સુરત ખાતેની ફ્લાઈંગ સ્કવોડના મદદનીશ નિયામક નરેશ જાની (વર્ગ 1ના કર્મચારી) અને કપીલભાઈ પરસોત્તમ પ્રજાપતિ (રહે, 41, સંસ્કાર વિલા સોસાયટી, સરથાણા જકાતનાકા)ને લાંચના કેસમાં ઝડપી પાડ્યા છે.

આ કેસની વિગત એવી છે કે રોયલ્ટીની પરમીટના આધારે ફરિયાદી ભાઠા વિસ્તારમાં રેતી ખનનની કામગીરી કરતા હતા ત્યારે ફ્લાઈંગ સ્કવોડના અધિકારી નરેશ જાનીએ તેમની કામગીરીમાં કોઈ રૂકાવટ ન કરવા અને કોઈ પણ હેરાનગતિ નહીં કરવા માટે રૂપિયા 2 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેઓએ અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો.

તેથી એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આજે 11 જૂનના રોજ સવારે ફ્લાઈંગ સ્કવોડના મદદનીશ નિયામક નરેશ જાની વતી 2 લાખની લાંચ લેવા આવેલા આરોપી નં. 2 કપિલ પ્રજાપતિને એસીબીએ લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી લીધો છે. મહાદેવ કાર્ટિંગ, ગુજરાત એન્ટર પ્રાઈઝ, યોગીચોક બીઆરટી રોડ, જુના સિમાડા, સુરત ખાતેથી તે પકડાયો છે. એસીબીએ કપીલ પ્રજાપતિને અટકાયતમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી નં. 1 ફ્લાઈંગ સ્કવોડનો મદદનીશ નિયામક નરેશ જાની ફરાર છે. તેને શોધવાની તજવીજ એસીબીએ હાથ ધરી છે.

Most Popular

To Top