SURAT

૪ લાખની લાંચ લઈ ફરાર ‘પરવાના’ હજુ પણ લાપતા, લાંચિયા smc ના અધિકારી ગણેશવાલા એસીબી સમક્ષ હાજર

સુરત ના લિંબાયત ઝોનમાં થયેલા લાંચકાંડમાં એક સપ્તાહ બાદ નવો વળાંક આવ્યો છે. ચાર લાખ રૂપિયાની લાંચ લઈને ફરાર થયેલો ‘પરવાના’ નામનો વચેટિયો હજુ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી, જ્યારે સસ્પેન્ડેડ લાંચિયા કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા અચાનક એસીબી સમક્ષ હાજર થતાં મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. આ સમગ્ર કેસ Anti-Corruption Bureau દ્વારા નોંધાયેલ ફરિયાદ બાદ પ્રકાશમાં આવ્યો હતો અને તેમાં Surat Municipal Corporationના અધિકારીની સંડોવણી હોવાનો આક્ષેપ છે.

પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા સંતોષ સબ ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ પર થતાં બાંધકામને અટકાવવા માટે ૧૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ મનપા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ૧૩ ફેબ્રુઆરીએ સ્થળ પર નોટિસ લગાવી બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી અને ડિમોલેશન ચાર્જ તરીકે અંદાજે ૧.૭૦ લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. જોકે, બાદમાં કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલાના આદેશથી અચાનક ડિમોલેશનની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી.

આ દરમિયાન દૈનિક અખબાર સાથે સંકળાયેલા પત્રકાર ઉસ્માઈલ પઠાણ ઉર્ફે પરવાનાએ પ્લોટ માલિક સાથે સંપર્ક કરીને ગોઠવણની વાતચીત શરૂ કરી હતી. આરોપ મુજબ બાંધકામ બચાવવા માટે શરૂઆતમાં ૨૧ લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી, પરંતુ અંતે વાટાઘાટ બાદ ૧૫ લાખ રૂપિયા નક્કી થયા હતા. આમાંથી પ્રથમ કિસ્ત તરીકે ૧૯ ફેબ્રુઆરીના રોજ ચાર લાખ રૂપિયા આપવાના નક્કી કરવામાં આવ્યા હતા, જ્યારે બાકી ૧૧ લાખ રૂપિયા આગામી દિવસોમાં આપવાની વાત થઈ હતી.

દરમિયાન પોલીસ દ્વારા બંને આરોપીઓના નિવાસસ્થાનો પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાથ લાગ્યા નહોતા. છેલ્લા એક સપ્તાહથી બંને આરોપીઓ ભૂગર્ભમાં હોવાની ચર્ચા ચાલી રહી હતી. જોકે આજે અચાનક સસ્પેન્ડેડ કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા એસીબી કચેરીએ હાજર થઈ ગયા હતા.

ગણેશવાલાની હાજરી બાદ હવે એસીબી દ્વારા તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને પોલીસ રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. બીજી તરફ ચાર લાખ રૂપિયાની લાંચ લઈને ફરાર થયેલા પરવાના અંગે હજુ સુધી કોઈ સચોટ માહિતી મળી નથી. પોલીસ તેની શોધખોળ તેજ બનાવી છે અને આ કેસમાં આગળ વધુ ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top